જીંદગી કે સાથ ભી…જીંદગી કે બાદ ભી…(પણ પરિવારને ખબર હોય તો)

601

DIAMOND TIMES – ભારતનાં મોટા ભાગના ઘરોમાંથી ટોટલ અધધધ…82025 કરોડ રૂપિયાનું રોકાણ અન્ક્લેમ્ડ એકાઉન્ટ્સ (દાવો કર્યા વગરના પડ્યા રહેલા બંધ બેંક અને રોકાણનાં ખાતાઓ) માં પડ્યા છે. જેનું વાર્ષિક વ્યાજ ફક્ત 6% લેખે ગણીએ તો 4900 કરોડ વર્ષનું અને 14 કરોડ દિવસનું વ્યાજ થાય…!!

કોરોના મહામારીએ લોકોના જીવનધોરણ અને વ્યવસાયનાં સમીકરણો બદલી નાખ્યા,જોવા- વિચારવાના દ્રષ્ટિકોણ બદલી નાખ્યા.મોતને સ્વાસ્થ્ય,સમૃધ્ધિ કે લાગવગ સાથે કોઈ સંબંધ નથી તેનો તાદૃશ અનુભવ કરાવ્યો. સ્વજનનાં આકસ્મિક મૃત્યુથી થયેલી ચિરવિદાય ને ક્યારેય ભુલી શકવા ના નથી છતાંય આપણે ક્યાંક અમરત્વ ના ભ્રમ ને લીધે કે મૃત્યુની વાસ્તવિકતાની અવગણના કરી જીવનની દોડધામ માં આપણે માંડ માંડ બચાવેલી મુડી કે ટુકડે ટુકડે કરેલા રોકાણની માહિતી પરિવારમાં શેર નથી કરતા એટલે આવો આશ્ચર્યજનક આંકડો સર્જાય છે જેનો સાચો દાવેદાર કે પરિવાર લાભ નથી લઈ શકતો. ક્યાંક મારા કે તમારા પરિવારમાં આવી મિલકત છે કે નહિ? આવા રોકાણનું શું થતું હોય છે ? કઈ રીતે દાવો કરી શકાય ? હવે ન થાય એના  માટે શું કરવું ? વગેરેની સંક્ષિપ્ત જાણકારી મેળવીએ.

– : ગુડ ન્યુઝ :- 

RBI દ્વારા દરેક બેંકોને અન્ક્લેમ્ડ એકાઉન્ટ્સ ની વિગત, IRDAI દ્વારા દરેક વીમા કંપનીઓને 1000 રૂ. ઉપરની અન્ક્લેમ્ડ રકમની વિગત તેમજ SEBI દ્વારા દરેક મ્યુચ્યુઅલ ફંડ હાઉસને અન્ક્લેમ્ડ રોકાણની વિગત પોતાની વેબસાઈટ કે ડિસ્પ્લે પર ફરજીયાતપણે રેગ્યુલર પ્રસારિત કરવા નિર્દેશ કર્યો છે.

RBI, IRDAI અને SEBI દ્વારા સત્તાવાર પ્રસારિત અન્ક્લેમ્ડ ટોટલ રકમ: 82025 કરોડ
 

   18381 કરોડ        (બેંક ખાતાઓમાં

 

– જેમા 4.74 કરોડ નિષ્ક્રીય બચત ખાતાઓમાં.

– 4820 કરોડ ફીક્સ અને અન્ય ડિપોઝીટ ખાતાઓમાં

 

– 2 વર્ષ સુધી કોઈ નાણાકીય વ્યવહાર ન થાય તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે.

– 10 વર્ષ સુધીમાં કોઈ દાવો ન થાય કે ઓપરેટ ન થાય તો રકમ ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ચાલ્યું જાય છે. RBI ની માહિતી પ્રમાણે 31-3-20 સુધીમાં DEAF પાસે 33114 કરોડ ફંડ જમા થયેલ છે.

– મૃત સ્વજનની બેંક શાખાનો અંદાજ હોય તો તપાસ કરીને ખાતા વિશે માહિતી મેળવી શકાય. બેંકના સ્ટેટમેન્ટ્સ પરથી EMI કે અન્ય ચુકવણીની વિગત દ્વારા બીજા રોકાણની જાણકારી મેળવી શકો.

15167 કરોડ   (વીમા કંપનીઓ પાસે) – જેમાં ફક્ત LIC પાસે 7000 કરોડ ઉપર દાવો ન થયેલ રકમનું ફંડ એકત્રીત છે. – IRDAI રેગ્યુલેશન મુજબ 10 વર્ષ સુધીમાં ફંડ ક્લેમ ન થાય તો સિનિયર સિટીઝન્સ વેલ્ફેર ફંડ માં ટ્રાન્સફર થઈ જાય છે.

 

 

   17880 કરોડ (નિષ્ક્રિય મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં)

– જેમાં 1100 કરોડ ફક્ત દાવા વગરના ડિવિડન્ડ અને વળતરની રકમ છે.

– ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડની મેચ્યુરિટી લિમિટ ન હોવાથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ નિષ્ક્રિય ફોલિયોને અન્ક્લેમ્ડ જાહેર નથી કરી શકતા.

– જો 7 વર્ષ સુધી ડિવિડન્ડ અને વળતર નો કોઈ દાવો ન કરે તો તે રકમ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (IEPFA) માં ટ્રાન્સફર થઈ જાય છે.
 

    4100 કરોડ    (IEPFA પાસે જમા થયેલું ડિવિડન્ડ અને વળતર)

– છેલ્લા 3 વર્ષમાં 18000 કરતા વધારે ક્લેમ સેટલ કર્યા છે.

– આ ફંડમાં ટ્રાન્સફર થવાનું મુખ્ય કારણ જુના ફિઝિકલ શેર અથવા બેંક સાથે ડિમેટ કનેક્ટેડ નહિ હોવાનું તેમજ નહિ સુધારેલ KYC છે.

– મુખ્ય રોકાણકાર તેમજ લીગલ વારસદાર ડિવિડન્ડ કે વળતર માટે IEPFA ને પ્રસ્તાવ મુકી શકે છે. (પ્રોસેસ અને પેપરવર્ક લાંબુ હોવાથી રકમ વધારે હોય તો દાવો કરી શકાય.)
26497 કરોડ (નિષ્ક્રિય પ્રોવિડન્ટ ફંડ (ભવિષ્ય નિધિ) ખાતાઓમાં) – છેલ્લી રકમ જમા થયા પછી 3 વર્ષ સુધીમાં રકમ ઉપાડી લેવામાં ન આવે તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે.

– 2011 ના નવા નિયમ પ્રમાણે નિષ્ક્રિય ખાતાની રકમ પર વ્યાજ મળવાપાત્ર નથી.

– નિષ્ક્રિય ખાતાના 7 વર્ષ પછી એ રકમ EPFO (એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સિનિયર સીટીઝન વેલ્ફેર ફંડ માં ટ્રાન્સફર થાય છે.

– રોકાણકાર કે તેના લીગલ વારસદાર દ્વારા સિનિયર સીટીઝન વેલ્ફેર ફંડમાં પોતાના PF ખાતાની રકમ 25 વર્ષ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ક્લેમ કરી શકાય છે.

 

આવું અન્ક્લેમ્ડ ઇન્વેસ્ટમેન્ટ ન થાય એ માટે કેટલીક અગત્યની ટિપ્સ:

  1. નાણાકીય વ્યવહારની પરિવારમાં જાણ કરો-

બેંકો અને વીમા કંપનીઓના બંધ પડેલા ખાતાઓમાં પડેલી અઢળક રકમ એ હકીકતની સાબિતી પુરે છે કે લોકો પોતાની સંપુર્ણ મુડી કે રોકાણની પરિવારમાં જાણ નથી કરતા જેથી પોતાનાં આકસ્મિક મૃત્યુની સાથે પોતાનું રોકાણ પણ મૃત થઈ જાય છે, જે નથી તેને કે પરિવારને કામ આવતું. કોરોનાકાળ માંથી બીજી કોઈ ફિલોસોફી ન શીખીએ તો કઈ નહિ, પરંતુ નાણાકીય વ્યવહારની દરેક માહિતી ફેમિલીમાં પુરી પાડવાની સુટેવ વિકસાવીએ જેથી પરિવારને મદદરૂપ થઇ શકીએ. પ્લેનના ‘બ્લેક બોક્સ’ ની જેમ પેનથી લખવા બુક/ડાયરી કે ડિજીટલી લેપટોપ/ગુગલ ડ્રાઈવ માં ફોલ્ડર રાખો જેમાં પરિવારનાં દરેક સદસ્યની રોકાણ, વીમા, મેડીક્લેમ, બેંક એકાઉન્ટ્સ, KYC ડોક્યુમેન્ટ્સ નંબર સાથે, સ્થાવર મિલકત (જમીન-મકાન-ગોલ્ડ) ની વિગત, ઉછીના કે વ્યાજે આપેલા કે લીધેલા વગેરેની સચોટ માહિતી, સીએ, વીમા એજન્ટ અને અન્ય જરૂરી સંપર્ક નામ નંબર સાથે લખો કે જે ડાયરી/ફોલ્ડર ની  ઘર ના દરેક સભ્ય ને જાણ હોય. બધી માહિતી ઘરમાં જાહેર ન થઇ શકે એમ હોય તો વિશ્વાસપાત્ર મિત્ર કે વડીલને જાણ કરી શકો કે જે આપણી બિનહયાતીમાં પરિવારને જાણ કરી મદદ કરી શકે.

  1. નોમિની‘ (નામ નિયુક્તિ) અચુક રાખો.-

જયારે પણ કોઈ રોકાણ કરો, અચુકપણે નોમિનીમાં જીવનસાથી કે પરિવારના સદસ્યનું નામ ઉમેરો. નોમિનેશન વગર બંધ પડેલા ખાતાઓની નાણાકીય રકમ મેળવવા લીગલ વારસદારોને ખુબ લાંબી-કંટાળાજનક અને ખર્ચાળ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે એ સાબિત કરવા કે તમે એના વારસદાર છો અને એમની મુડી પર તમારો હક છે. જો કે ઘણા ખરા રોકાણમાં ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં નોમીનીનું નામ ઉમેરવું ફરજીયાત થઇ ગયું છે. પણ હજી ઘણા નાણાકીય વ્યવહારમાં આ ખુબ જ મહત્વની વાતને આપણે અવગણીને નામ નથી ઉમેરતા જે ભવિષ્યમાં મુશ્કેલરૂપ સાબિત થાય છે.

  1. આજે વિલ‘ (મરજી) લખો.-

રોકાણ મહત્વનું છે, પણ એનાથી વધારે મહત્વનું એ મુડી કે વારસો તમારા વારસદાર માં સ્મુથલી, કોઈ વાદ-વિવાદ વગર ફાળવણી થાય. આપણે જાણીએ છીએ કે મોટા ભાગનાં કેસોમાં વર્ષો સુધી ચાલતા કાનુની વિવાદ ને કારણે મિલકતની વેલ્યુ તો ઓછી થાય જ છે, ઉપરાંત માનસિક તણાવ માં ઉમેરો અને સંબંધોમાં મોટી તિરાડ પડી જાય છે. એટલે, જરૂરી નથી કે તમારી પાસે કેટલી મિલકત છે કે કેટલી ઉંમરના છો. મિલકતનો ચોક્કસ એસ્ટેટ પ્લાન બનાવીને વારસદારો પ્રમાણે ફાળવણી બનાવી શકો. નાના બાળકો હોય તો ગાર્ડિયન (વાલી) કે ટ્રષ્ટી નું નામ નાખી શકો કે જે એમનું ધ્યાન રાખી શકે.

  1. પર્સનલ ડિટેલ્સ માં ફેરફાર થાય તો અપડેટ કરતા રહો.-

જયારે પણ વ્યક્તિગત માહિતીમાં ફેરફાર થાય તો નાણાકીય દસ્તાવેજો, આઇડેન્ટિટી પ્રુફ કે રોકાણ  ખાતાઓમાં અપડેટ કરતા રહો. જો ઘરનું સરનામું બદલે, લગ્ન કરી લો તો કાળજી રાખો કે તમારા રોકાણમાં એ વિગત અપડેટ થઇ જાય. બાળકો મોટા થઇ જાય એટલે જમીનની 7-12, 8-અ માં નામની નોંધણી કરાવવું સુચનીય છે. આ ફક્ત કમ્યુનિકેશન માટે જ મહત્વનું નથી. ખાસ કરીને તમારી મુડીને તમારો પરિવાર ક્લેમ કે ઉપયોગમાં ત્યારે જ લઈ શકશે જયારે તેમાં પરિવારના સદસ્યનું નામ કે અન્ય વિગતનો સમાવેશ હશે. એટલે, સરનામું, મેરિટલ સ્ટેટસ, ફોન-ઈમેલ કે અન્ય વ્યક્તિગત માહિતી બદલે એટલે તરત બધા ID પ્રુફ, સંપત્તિ અને રોકાણને લગતી દરેક પ્રોડક્ટમાં અપડેટ કરી નાખો. નામને લગતી કાયદાકીય આંટીઘૂંટી માંથી બચવા નામ પાછળ ભાઈ/બહેન/કુમાર વગેરે બધા ડોક્યુમેન્ટ માં એકસમાન રાખો.

રેફરન્સ: ધ ઇકોનોમિક ટાઈમ્સ વેલ્થ