રફ હીરાનું જંગી ઉત્પાદન કરતું ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં કરશે 190 ટકાનો વધારો

DIAMOND TIMES – મોંઘવારીએ સમગ્ર દુનિયાના નાકમાં દમ લાવી દીધો છે.જેમા દક્ષિણ આફ્રિકી દેશ ઝિમ્બાબ્વે પણ સામેલ છે. ઝિમ્બાબ્વેની હાલત ખૂબ જ કપરી જણાઈ રહી છે. આકાશને આંબી રહેલી મોંઘવારીનો સામનો કરવા ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકને વ્યાજ દરમાં 190 ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. ઝિમ્બાબ્વે સેન્ટ્રલ બેંકની એમપીસી બેઠક બાદ મોંઘવારીનો દર સંપૂર્ણપણે બેકાબૂ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

નોંધનિય છે કે ઝિમ્બાબ્વે રફ હીરાનું જંગી ઉત્પાદન કરે છે. અને તેની જીડીપીમાં રફ હીરાનો મહત્વનો રોલ છે. પરંતુ એ દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે.અધિકારીઓએ જણાવ્યું કે જૂન મહિનામાં વાર્ષિક મોંઘવારી દર 191.6 ટકા વધી ગયો છે.આ સંજોગોમાં લોકલ કરન્સી પરનું દબાણ વધી રહ્યું છે જેને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં અનપેક્ષિત વધારો કરવો પડશે.

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ઈમર્સન મંગાગ્વાએ જણાવ્યું કે તેમની સરકાર મોંઘવારીને કાબૂમાં લેવા માટે તથા જરૂરી ચીજ-વસ્તુઓના ભાવવધારાને અંકુશમાં લેવા માટે પ્રયત્નશીલ છે.આ માટે વ્યાજ દરોમાં વધારો કરવો તે એક જરૂરી પગલું છે. અગાઉ 17 જૂનના રોજ કેન્દ્રીય બેંકે તમામ બેંક પર નવી લોન આપવાની રોક લગાવી દીધી હતી. ઉપરાંત લોનના વ્યાજ દરોને 80 ટકા કરી દીધા હતા જે પહેલી જુલાઈથી લાગુ થશે. હવે તેને વધારીને 190 ટકા કરવાની તૈયારી છે.

ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનું અનુમાન 160 ટકા કરી દેવાયું છે. જે અગાઉ 25 ટકા અને પછી 35 ટકા સુધી વધારવામાં આવ્યું હતું. તમામ પ્રયત્નો છતાં પણ તેને 100 ટકાથી નીચે નહીં લાવી શકાય. આ કારણે જ હવે વિકાસ દરનું અનુમાન પણ પૂર્વના 5.5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવામાં આવી રહ્યું છે.