ડીબિયર્સનો ડાયમંડ ઈનસાઈટ રિપોર્ટ : નવી પેઢીના યુવા સમૃદ્ધ ગ્રાહકો નૈતિકતા અને ગુણવત્તાને વધુ મહત્વ આપે છે.

18

DIAMOND TIMES – ડીબિયર્સ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ પછી બહાર પાડવામાં આવેલા તેના ડાયમંડ ઈનસાઈટ ફ્લેશ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે હીરા-ઝવેરાત સહીતના લકઝરી ઉત્પાદનની ખરીદીમાં નવી પેઢીના યુવા સમૃદ્ધ ગ્રાહકો નૈતિકતા અને ગુણવત્તાને વધુ મહત્વ આપે છે.

અમેરીકાના અંદાજે 1,000 યુવા ગ્રાહકો પર હાથ ધરાયેલા સંશોધનના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે 18 થી 34 વર્ષની વયના યુવાઓ હીરા-ઝવેરાત સહીત લકઝરી ચીજોમાં ગુણવત્તાની સાથે માનવ અધિકારો,પર્યાવરણીય અસર,નૈતિક મુલ્યોને વધુ પ્રાધાન્ય આપે છે.સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ યુવા સમૃદ્ધ ગ્રાહકો પૈકી 73 ટકા ગ્રાહકો આ સુમેળ ભર્યા લકઝરી ઉત્પાદનો માટે પ્રીમિયમ પ્રાઈસ ચૂકવવા પણ તૈયાર છે.સર્વેક્ષણ કરાયેલા અડધાથી વધુ ગ્રાહકોએ કહ્યુ કે તેઓ જે વસ્તુઓ ખરીદે છે તેની પાછળની વાર્તા સમજવી કંઈક અંશે અથવા ખૂબ જ મુશ્કેલ છે.

ડીબિયર્સ ગ્રૂપના સીઇઓ બ્રુસ ક્લીવરે કહ્યુ કે આ સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્પાદનના મુળ સ્ત્રોત અંગે જાણકારી મેળવવાની બાબત વૈભવી ગ્રાહકોની પ્રાથમિકતા છે.યુવા પેઢીઓ ઉત્પાદનની સકારાત્મક અસરની ખાતરી ઇચ્છે છે કે તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે.આ બાબત લક્ઝરી સેગમેન્ટમાં એક નવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે.ગ્રાહકો વૈભવી ચીજ -વસ્તુઓની ખરીદીમાં વિશ્વને બતાવવા માંગે છે કે તેઓ આ બાબતની ખુબ કાળજી રાખે છે.જેની ખરીદી માટે તેઓ પ્રીમિયમ ચૂકવવા પણ તૈયાર છે.