સાવ સામાન્ય સ્તરે હીરા ઘસવાના કારખાનાની શરૂઆત કરી માત્ર ગણતરીના વર્ષોમાં જ વિનસ જ્વેલ્સથી વિખ્યાત બનેલી કંપનીને વિશ્વની પ્રથમ હરોળની કંપનીમાં કેવી રીતે પહોંચાડી એ બાબતની પ્રેરણાદાયક અને દરેક હીરા ઉદ્યોગકારોએ અનુસરવા જેવી સેવંતિભાઈએ કહેલી વાતો અને સકસેસ મંત્ર વિષે જાણો આ વિડિયોમાં…
ચેમ્બર દ્વારા હીરા આયોજીત વેબિનારમાં હીરા ઉદ્યોગની અગ્રણી કંપની વિનસ જ્વેલ્સના ફાઉન્ડર અને ચેરમેન સેવંતીભાઈ શાહની સાથે સફળ જીવનની સફર વિશે પ્રેરણાદાયક વાર્તાલાપ યોજાયો
DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હીરાની અગ્રણી કંપની વિનસ જ્વેલ્સના ફાઉન્ડર અને ચેરમેન સેવંતીભાઈ શાહની પ્રેરણાદાયી સફળ જીવન સફર અંગે વાર્તાલાપનું આયોજન થયુ હતુ.આ વેબિનારમાં સેવંતીભાઈ શાહે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ-ઉદ્યોગકારો અને યુવા ઉદ્યોગ સાહસિકો ને જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન મળે તેવા ઉદ્દેશ્યથી તેમના જીવનની રસપ્રદ યાદો વર્ણવી હતી.
સેવંતીભાઈ શાહે વેબિનારમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યુ કે મેટ્રીક પાસ કરીને મુંબઇમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું નકકી કર્યુ હતું.પરંતુ ભણતરને બાજુમાં મુકીને હીરાના ધંધામાં કારકિર્દીની શરૂઆત કરવાના સંજોગો આવ્યા.સફળતા થવા ચેલેન્જ સ્વીકારવાની તૈયારીઓ હોવી જોઇએ તેવો સંદેશ આપતા તેમણે પોતાના જીવનની એક યાદગાર અને પરિવર્તન લક્ષી ક્ષણને વર્ણવતા કહ્યુ કે વર્ષ 1988માં એન્ટવર્પના કેટલાક વેપારીઓની મિટીંગમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો. તે સમયે હીરા ઉદ્યોગમાં વિશ્વકક્ષાએ નામના ધરાવતા એક મહાનુભાવે ટીપ્પણી કરતા કહ્યુ કે હીરા ઉદ્યોગમાં બેલ્જીયમનું જે સ્થાન છે ત્યા ભારતનો હીરાઉદ્યોગ આગામી 50 વર્ષે પણ પહોંચી શકશે નહીં.એ મહાનુભાવની એ ગેરમાન્યતાને એક ચેલેંજ તરીકે સ્વીકારી માત્ર મોટી સાઈઝના મોંઘા રફ હીરાની ખરીદી કરી તેને મેન્યુફેકચરીંગ કરવાની શરૂઆત કરી.એ સમયે માત્ર મુંબઇમાં જ થોડા પ્રમાણમાં મોટા હીરા પોલિશ્ડ થતા હતા.ધીરે ધીરે હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ તેમના નવા કોન્સેપ્ટ સાથે જોડાતા ગયા અને હીરા ઉદ્યોગ ડેવલપ થતો ગયો.
રત્નકલાકારોને કારખાનામા બપોરનું જમવાનું આપવાની,એક પેકેટ એક હીરોની સ્કીમ,કર્મચારીઓ પાસે માત્ર આઠ કલાક જ કામ લેવાનું,પગારમાથી બચત કરેલા નાણાં ભવિષ્યમાં કામ લાગી શકે તે માટે સૌપ્રથમ પ્રોવિડન્ટ ફંડની,જે કર્મચારીઓના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ગ્રેજ્યુઇટી આપવાની શરૂઆત વિન્સ જેમ્સએ કરી હતી.આ ઉપરાંત કર્મચારીઓને પેન્શન સ્કીમમાં પણ આવરી લીધા હતા.કર્મચારીઓ માટે ઇન્કમ ટેકસના રિટર્ન ભરવાની સુવિધા ઉભી કરી હતી તો ઉનાળુ અને દિવાળી વેકેશનમાં પગાર આપવાની શુભ શરૂઆત પણ તેમણે જ કરી હતી. સહુથી મહત્વની વાત તો એ છે કે વર્ષ 2008ની ભયંકર મંદીમા એક પણ કારીગરને રજા આપ્યા વગર કે પગાર કાપ્યા વગર ફેકટરીને ધમધમતી રાખી હતી.બીજી તરફ રત્નકલાકારોએ પણ કવોલિટી હીરા પ્રોડકશન માટે ફેકટરી મેનેજમેન્ટના સૂચનોનું પાલન કરીને સરાહનિય સહકાર આપ્યો હતો.
વિદેશમાં ઓફિસ રાખ્યા વિના આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અમારી કંપની હીરનું ઓનલાઇન સેલ કરતી હતી. હવે તો મુંબઈ વિશ્વમાં હીરાનું મોટામાં મોટું માર્કેટ બની ગયું છે.વિદેશી બાય્રસ પણ હીરાની ખરીદી માટે મુંબઇ આવે છે.જેથી મુંબઇમાં ઓફિસ રાખીને ત્યાંથી બધો બિઝનેસ થાય છે.તેમણે સવાલ ઉઠાવતા કહ્યુ કે જો સુરતમાં હીરાનું મેન્યુફેકચરીંગ થતું હોય તો તેનું માર્કેટીંગ સુરતમાં કેમ ન થાય? આ સમસ્યાને નિવારવા સુરતમાં બુર્સ શરૂ કરવાનું નકકી કર્યું હતું. સુરત હીરા બુર્સથી મુંબઇના હીરા બુર્સને કોઇ નુકસાન નહી થાય એવી ખાત્રી આપતા તેમણે કહ્યુ કે હીરાના નાના વેપારીઓ મુંબઇમાં મોંઘી ઓફિસ લઇને બિઝનેસ કરી શકે નહી જેથી મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓ પણ સુરતમાં હીરા બુર્સથી બિઝનેસ કરી શકે તેવા ઉદ્દેશ્યથી સુરતમાં હીરા બુર્સના નવા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
કેન્દ્ર સરકાર પણ ધંધા-રોજગારને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે હીરા બુર્સ વધારે સાર્થક થશે તેમ લાગી રહયું છે.આ ઉપરાંત સુરતમાં આંતરરાષ્ટ્રીય કનેકટીવિટીને કારણે વિદેશોની ફલાઇટ પણ સીધી સુરત આવતી થશે ત્યારે હીરા ઉદ્યોગ વધુ ઉંચાઇએ પહોંચશે. તેમણે કહયું કે કોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગ ધમધમી રહયો છે.હવે વેપારીઓ ઉધારને બદલે રોકડમાં ધંધો કરતા થયા છે.આ બાબતને વરદાનરૂપ ગણાવતા તેમણે કહ્યુ કે ભવિષ્યમાં પણ હીરા ઉદ્યોગ નવી ઉંચાઇઓ સર કરશે તેવું ચોકકસપણે લાગી રહયું છે.
તેમણે કહયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂરલ ડેવલપમેન્ટ અને ગામડાની ઇકોનોમી વિશે એક વખત વાત થઇ હતી ત્યારે તેમને રસ પડયો હતો અને એ દિશામાં લાંબી ચર્ચા થઇ હતી.હીરા ઉદ્યોગમાં કાયદાના પાલન સાથે ધંધો કરી શકીએ છીએ ત્યારે હેલ્થ કેર સેકટરમાં પણ સિદ્ધાંતોના પાલન સાથે સારૂ વાતાવરણ ઉભું કરવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું નકકી કર્યું હતું અને આવી રીતે વિનસ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે સમગ્ર વેબિનારનું સંચાલન માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સુપેરે પાર પાડયું હતું.