રત્ન કલાકારો માટે ઓક્સિજન : ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન

1003

એક શ્રેષ્ઠ વિચારનો ઉદ્દભવ એટલે DICF – “ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ કરિયર ફાઉન્ડેશન’

કહેવાય છે કે ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ પાડતા હાથથી પણ વધુ મૂલ્યવાન હોય છે.

DIAMOND TIMES – હીરા ઉદ્યોગમાં કારમી મંદીના સમયમાં બેકાર બનેલા રત્નકલાકારોને જોઈને અમેરીકાના જેમ એન્ડ જ્વેલરી ગુપ સાથે સંકળાયેલા ભારતીય કારોબારીઓનું દિલ દ્રવિ ઉઠ્યું, એમને લાગ્યું કે જે ઉઘોગથી પોતે નામ- દામ કમાણા છે તે ઉદ્યોગનાં કારીગર વર્ગની આવી હાલત? આ હાલતમાં સુધારો થવો જ જોઇએ. .સૌએ સાથે મળીને નક્કી કર્યુ કે વતનનાં રત્નકલાકારો માટે કંઈક કરવું જોઈએ. તેમણે આ વિચારને સુરતમાં વસતા ઉદ્યોગકાર મિત્રો સમક્ષ મુક્યો. તમામે આ વિચારને સહર્ષ સ્વીકારી લીધો. સૌના દીલમાં હીરા ઉદ્યોગ પ્રત્યે જાગેલી આ લાગણીથી એક નવા જ વિચારનો ઉદભવ થયો. આ વિચારનાં પ્રણેતા હતા ભારતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા માયાળુ માનવીશ્રી નિતિનભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ, અભયભાઈ, સુનિલભાઈ. જેઓ વતન અને ઉઘોગ પ્રત્યેનું ઋણ અદા કરવાની નેમ હંમેશા એમનાં દિલમાં રાખે છે.

અમેરીકામાં જ્વેલરીના કારોબાર સાથે સંકળાયેલી ટીમના સભ્યોએ ભારતમાં આવીને સેવાભાવી યુવાનો નિલેશ બોડકી, કપિલ દિયોરા, ડો. પૂર્વેશ ઢાંકેચા, સુનીલ ડાભી, જતીન કાકડીયા, CA શૈલેશ લાખણકીયા અને વિપુલ સાયપરા સાથે બેઠક કરી. તેના ફળ સ્વરૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)ની સ્થાપના થઈ.મીટીંગમાં હાજર લોકોએ પોતાની આવડત અને અનુકુળતા મુજબની જવાબદારી સ્વીકારી લીધી.આમ એક ઉમદા કાર્યથી પ્રેરણા લઈને એક નવો વિચાર સંસ્થા બનીને મૂર્તીમંત બન્યો.એ એક નેક કાર્યની પ્રેરણા આજે વિશાળ ફલક પર હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા દુઃખી,પીડિત,લાચાર-મજબૂર વર્ગને હૂંફ આપીને એક વટવૃક્ષ બન્યુ છે.

DICF કાર્યો – અનાજ- કરિયાણા કીટ વિતરણની પારદર્શક કાર્ય પ્રણાલી

હીરાઉધોગની કારમી મંદીમાં સુરતના રત્નકલાકારો બેરોજગાર બનતા એ રત્નકલાકારોની હાલતનું વર્ણન DICFએ USA સ્થિત જેમ એન્ડ જવેલરી સંસ્થાનાં આગેવાનોને કરી.જેમણે આ બાબતને ગંભીરતાથી લઈને માતબર ફંડ એકઠું કરી આપ્યું. એટલું જ નહિ પરંતુ જરૂરીયાતમંદ પરિવારોને છ-સાત મહિના ચાલે તેટલી અનાજ – કરિયાણાની કીટ સહાય રૂપે આપવાનું DICF ટીમને સુચન કર્યુ.

DICFનાં સ્વયંસેવકો દ્વારા અસરકારક વિતરણ પદ્ધતિ

રવિનભાઈ,અમિતભાઈ,હિતેશભાઈ,ધર્મેશભાઈ,હરેશભાઈ,કિશનભાઈ, અલ્પેશભાઈ, વિશાલભાઈ, સંજયભાઈ,કૌશલભાઈ, પ્રેમભાઈ, પ્રિન્સભાઈ અને મુકેશભાઈએ મીટીંગ કરીને વિતરણ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ બનાવી. પ્રથમ તો તકલીફમાં આવેલા પરિવારોની માહિતી મેળવી. ત્યારબાદ ઘરે ઘરે જઈને ફોર્મ ભરવામાં આવ્યા. સર્વે થયેલા ઘરે જવાથી વધારે જરૂરિયાત વાળા પરિવારોને વધુ સહાય મળી રહે એવું પરફેક્ટ પ્લાનિંગ થયું. ત્યારબાદ 32 જેટલા સ્વયંસેવકો દ્વારા જરૂરીયાત મંદ પરિવારના ઘર સુધી અનાજ કરીયાણાની કીટ પહોચાડી. DICFની અનાજ કરીયાણાની કીટ સર્વે અને વિતરણની કાર્ય પદ્ધતિ એટલી અસરકારક હતી કે જેની નોંધ લઈને બીજી સંસ્થાઓએ પણ એનું અનુકરણ કર્યું.

શૈક્ષણિક સહાય:- DICF દ્વારા જરૂરિયાતમંદ રત્નકલાકારોનાં બાળકોને શૈક્ષણિક સહાય આપવાની પણ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. રફ હીરાને રત્ન બનાવનારને જ્યારે પરીસ્થિતી વિવશ કરે ત્યારે એમની સ્થિતી કફોડી બની જતી હોય છે.બેરોજગારીના કારણે રત્નકલાકારો તેમના સંતાનોની શૈક્ષણિક ફી ભરી શકવા પણ અસમર્થ હતા.એવા કપરા સમયે DICF ની પહેલથી રત્નકલાકાર પરિવારનાં 350 જેટલા વિધાર્થીઓને કુલ 17 લાખ 50 હજારની મદદ થઈ હતી.

કોરોના સહાય:-
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ DICF પોતાનું કાર્ય ભુલ્યું નહોતું. કોરોનામાં અવસાન પામેલ અને આત્મહત્યા કરેલા એવા કુલ 75 જેટલા રત્નકલાકારોના પરિવારને રૂપિયા 10 હજારથી લઈ 35 હજાર સુધીની આર્થિક સહાય પૂરી પડાઈ હતી.
મેડીકલ સેવા યજ્ઞ :-
માનવસેવા એજ પ્રભુસેવાના અભિગમને ધ્યાનમાં રાખી પરોપકાર માટે સંકલ્પિત અને કટિબદ્ધ DICF દ્વારા ફ્રી મેડિકલ કેમ્પના આયોજન કરવામાં આવે છે. DICFના મુખ્ય સભ્ય અને અમેરીકાથી પધારેલા નિતીનભાઈ જોબનપુત્રાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કતારગામ ખાતે આયોજીત મેડીકલ કેમ્પમાં 700 દર્દીઓએ જ્યારે સીમાડાગામ ખાતેના મેડિકલ કેમ્પમાં 750 થી પણ વધુ જરૂરીયાત મંદ લોકોએ મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો.
જોબ પોર્ટલ:-
અનાજ કરિયાણા કીટ ખૂટી જવા આવી એટલે અમુક સભ્યોએ એની ફરીથી માંગણી કરી. એટલે વિચાર આવ્યો કે ફક્ત વસ્તુઓની મદદ ન કરતા એમને નોકરી અપાવીએ તો તેઓ પોતાની રીતે કાયમી આત્મનિર્ભર બની શકે. આ વિચારને આગળ લઈ જઈને તેઓની આર્થીક સંકડામણ દૂર કરવા બેકાર રત્નકલાકારોને યોગ્ય સંકલન કરીને કામે લગાડવામાં આવ્યા.આ સફળ કાર્યથી પ્રેરાઈને આગળ જોબ પોર્ટલ બનાવવાનું નક્કી કર્યું. જેમા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે ઉદ્યોગકાર રજીસ્ટર કરીને કારીગર અને ઓફિસ સ્ટાફની જરૂરિયાતને વેબસાઈટ પર મુકે. જેમાં રજીસ્ટર્ડ કારીગરો પોતાની રીતે જોબ મેળવીને રોજી રોટી કમાઈ શકે. આમ DIFCનું એક પ્રોફેશનલ વેબસાઈટ દ્વારા કાયમી ધોરણે www.dic.in નામનું જોબ પોર્ટલ કાર્યરત છે જે હીરા ઉદ્યોગનું પ્રથમ જોબ પોર્ટલ છે.
હરહંમેશ આપની મદદે DICFનું સહાય કાર્ડ :-
ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન સંસ્થા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામને મદદ કરતી ગર્વમેન્ટ રજીસ્ટર્ડ સંસ્થા છે.DICF દ્વારા ખાસ સહાય કાર્ડ વિતરણ કાર્ય ચાલુ છે.આ કાર્ડ દ્વારા રોજીંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓમાં ડિસ્કાઉન્ટ રૂપે સહાય મળે છે.DICFની વેબસાઈટમાં કાર્ડ પર અપાતું ડિસ્કાઉન્ટ તેમજ એડ્રેસ અને બિઝનેસનો પ્રકાર દર્શાવવામાં આવેલ છે.કાર્ડ ધારકને પણ DISCOUNT CARDની માહીતિ આપવામાં આવે છે. તેવી જ રીતે વેપારીને નવા કસ્ટમરનો ફાયદો થાય છે અને સાથે- સાથે ડિસ્કાઉન્ટ સ્વરૂપે કોઈને સહાય કરી હોવાનો આત્મસંતોષ મળે છે.આ ફોર્મેટથી IHL (India Health Line) છેલ્લા 5 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં કાર્યરત છે, તેમાં વધારે ઉમેરો કરતા DICF દ્વારા સહાયકાર્ડથી તમામને જોડવા માટેનો સરાહનીય પ્રયાસ ચાલુ છે.ટૂંકમાં, DICF સહાયકાર્ડનો મુખ્ય હેતુ બિઝનેસ સેતુનો છે.જેમાં તમામ લોકોને સહાય મળી શકે. નવા ગ્રાહક પણ જોઈન્ટ થઈ શકે.આ સહાયકાર્ડ યોજનામાં કરીયાણા,મેડિકલ,લેબોરેટરી,ગારમેન્ટ અને ડાયમંડ એસેસરીઝ સામેલ છે.
DICFની સંગે ઉચ્ચ શિક્ષણની સાથે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ :-

૨૧ મી સદીના આધુનિક સમયની સાથે મધ્યમ વર્ગનું યુવાધન તાલ મિલાવી શકે એ હેતુથી ઉચસ્તરીય શિક્ષણની સાથે નહી નફો – નહી નુકશાનનાં ધોરણે કોમ્પ્યુટરને લગતા સોફટવેર,હાર્ડવેર અને એકાઉન્ટનાં અધતન કોર્સ ટૂંક સમયમાં DICFની મદદથી શિખવવામાં આવશે. જેમાં હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર તેમજ ઈન્ટરનેશનલ માર્કેટને ધ્યાને રાખીને એડવાન્સ એપ્લીકેશન,એન્ડ્રોઈડ એપ-વેબસાઈટ મેકિંગ,નેટવર્કિંગ સિક્યુરિટી બેઝિકથી લઈને પ્રિમિયમ સુધીનાં તમામ કોર્સ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પ્લેસમેન્ટ ઓસ્થિરેડ કોર્સ શિખવવામાં આવશે.

મહિલાઓને સ્કિલ ડેવલપમેન્ટથી લઈને પ્રોડક્ટ એક્ઝિબિશન સુધી વિનામૂલ્યે પ્લેટફોર્મ પૂરું પાડતું DICF:-

પારિવારિક અને સાંસારિક જવાબદારીઓ વચ્ચે કેટલીક મહિલાઓની પ્રતિભા અને કુશળતા દબાઈ ગઈ હોય છે. એને બહાર લાવીને એમનામાં રહેલી સ્કિલને ડેવલપ કરી એમને યોગ્ય પ્લેટફોર્મ આપી આત્મનિર્ભર બનાવતું મુક્ત અને સુવિધાયુક્ત આકાશ એટલે કે ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF). જેમાં સુરત શહેરમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા પરીવારોની મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી મહિલા રોજગારી માટેના વિવિધ કોર્સ શિખવવામાં આવે છે.જેમાં 1) બ્યુટી પાર્લર કોર્સ 2) ડ્રોઈંગ કોર્સ 3) સિવણ કલાસ 4) કોમ્યુટર એજ્યુકેશન 5) કુકિંગ કલાસ 6) મહેંદી કલાસ 7)ડિજિટલ માર્કેટિંગ 8) હેન્ડવર્ક 9) પર્સનાલિટી ડેવલપમેન્ટ 10) કેક અને ચોકલેટ કલાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આનાથી જોબલેસ અને આર્થિંક સંકડામણ ભોગવતી મહીલાઓ પણ સંસ્થા દ્વારા ચાલતા કોર્સમાં પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરી પગભર બને છે.

અનેક મહિલાઓ એવી છે કે જેઓ પોતાના જીવનનાં કપરા કાળમાં સમયનો સદ્ઉપયોગ કરીને સફળતાનો એક નવો અધ્યાય ઉમેરી રહી છે.કોરોના સમયમાં દરેકને માટે ધંધો-રોજગાર કેવી રીતે મેળવવો તે પ્રશ્ન બની ગયો હતો.તેમજ અનેક પરિવારોની આર્થિક હાલત કથળી ગઈ છે.આવા પરિવારની જવાબદારી મહિલાઓ પર આવી પડી છે.અનેક મહિલાઓએ પ્રતિભા અને હિંમતનાં જોરે નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો ત્યારે એમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF અને મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત આયોજીત એક પહેલ એક પ્રયાસ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે વિનામુલ્યે એક્ઝિબિશન શરૂ કર્યું હતુ.

જેમા હેલ્થ સેગ્મેન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટસ, ફેશન અને ફિટનેસ ઇકવીપમેન્ટ્સ, ત્વચા અને આરોગ્ય સંભાળ, ઘરગથ્થુ વસ્તુઓ, હેન્ડલુમ અને હસ્તકલા, ડ્રેસ મટીરીયલ્સ, ફેશન એસેસરીઝ, પરંપરાગત પહેરવેશ અને સાડીઓ,ઝવેરાત, આંતરિક સુશોભનની વસ્તુઓ,ડીઝાઇનર લોન્જ, ફૂડ અને બેવરેજીસ સાથે બીજી અનેક શ્રેણીનો સમાવેશ થાય છે. આમાં ભાગ લઈને નાનો મોટો વ્યવસાય કરતી મહિલાઓને વિનામુલ્યે સ્ટોલ આપી એમની પ્રોડક્ટને ગામથી લઈને ગ્લોબલ સુધી પહોંચાડવાના પ્રયાસ થાય છે. ત્યારે મહિલા સશક્તિકરણની માત્ર વાતો નહી પરંતુ નકકર કામગીરી DICFની એક ઓળખ બની ગઈ છે. હવે મહિલાઓને આત્મનિર્ભર કરવાની સંસ્થાની સેવાકીય કાર્યની નોંધ હવે સહુ કોઇ લઈ રહ્યા છે. આવા ઉમદા કાર્યો જ્યારે થતા હોય ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સભ્યોને અનુરોધ છે કે ચાલો સહુ DICF માં જોડાઈને ઉત્તમ સેવા પૂરી પાડી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધુ સારી રીતે વધુ તંદુરસ્ત બનાવીએ.