વ્યાપાર ઉદ્યોગમાં તેજી છતા પણ આપઘાતનાં કિસ્સાઓમાં અચાનક ઉછાળો કેમ?

59

જીવન કા કૈસા યે વિરામ હૈ
ઇતની સસ્તી.. યે સાંસે ક્યોં હૈ?
રિશ્તો કે બહતે આંસુ, લગતે હૈ મંહગે ક્યો?
કફન કી, વો સફેદ ચાદર. સસ્તી ક્યોં?

DIAMOND TIMES – લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની માનસ સ્થિતિમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. હીરા ઉદ્યોગમાં ભલે દેખાતી તેજી હોય પરંતુ આ ઉદ્યોગ સાથે સંકળાયેલી દર બીજી- ત્રીજી વ્યક્તિ કોઈક ને કોઈક રીતે માનસિક બીમાર છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો રોજ એક સભ્ય આપઘાત કરે છે એ હકીકત છે. આર્થિક સંકડામણ હોય, સામાજીક કારણો હોય કે ઘરનાં પ્રશ્નો હોય કોઈપણ માણસને જીવન ટૂંકાવવાનો વિચાર આવે ત્યારે એને એ વિચાર એ સમય પૂરતો જ હોય છે. એ સમય જો જતો રહે તો પછી કોઈ વાંધો આવતો નથી.

                                વિચાર જેવી મહામારીની માનસિક સ્વાસ્થ્યની સૌથી વધુ અસરડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ કરિયર ફાઉન્ડેશન (DICF-ઉપપ્રમુખ) SGCCI સમૃદ્ધિ કો.ચેરમેન, એડમીન : માર્કેટ ન્યુઝ-(ગ્રુપ) ફાઉન્ડર ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ કરિયર ફાઉન્ડેશન (DICF-ઉપપ્રમુખ) SGCCI સમૃદ્ધિ કો.ચેરમેન, એડમીન : માર્કેટ ન્યુઝ-(ગ્રુપ) ફાઉન્ડર

વર્તમાન સમયમાં દરેક માનવ જીવનનો માર્ગ સહેલો નથી. આજે વ્યક્તિગત રીતે બધાની કઈ ને કઈ જરૂરિયાતો રહેતી હોય છે. ઘણી વ્યક્તિઓ પોતાની જરૂરીયાત પુરી કરી શકે છે તો ઘણા લોકો તે પુરી કરી શકતા નથી અને પરિણામે જે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતાં નથી તેઓ હતાશા, નિરાશા અને લોકોના દોષા રોપણને કારણે પોતાનું માનસિક સ્વાસ્થય ગુમાવે છે.

આજે માનવી પોતાને એકલો, દુર્લભ અને સામાજિક રીતે અસુરક્ષિત માને છે. સમાન હરિફાઈ અને વેપાર પરિવર્તનના કારણે તે પોતાને સુરક્ષિત મહેસુસ કરતો નથી. તેને પરિણામે માણસોની વચ્ચે રહેતો માનવી એકલતા અનુભવે છે. કોરોના પછી માનસિક બદલાવમાં જે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતા તેઓ મનમાં ને મનમાં ઉભા થતાં ગંભીર ભયને કારણે માનસિક બીમાર હોય તેવી માનસિકતા અનુભવવા લાગ્યા છે. આજે લોકો જે રીતે આરોગ્ય માટે સરળતાપૂર્વક સારવાર લે છે તે રીતે માનસિક બિમારી માટે સારવાર લેવામાં તે સંકોચ અનુભવી રહ્યા છે.

માનસિક રોગોથી પીડાતા લોકો અવેરનેસના અભાવે એવું સમજે છે કે સામાન્ય ચિંતા અને હતાશા તો સમય સાથે મટી જશે પરંતુ એમને એ ખબર નથી હોતી કે જેમ શરીર માંદુ પડે તેમ મન પણ માંદુ પડે છે, વિશ્વમાં ડિપ્રેશન એન્ગઝાઈટી ને કારણે દર વર્ષે વર્લ્ડ ઈકોનોમી ને અંદાજે 71 લાખ કરોડથી વધુ નુકસાન થાય છે.

જોવા જેવી વાત એ છે કે દુનિયામાં આવેલી મહામારીને કારણે વિશ્વભરના દરેક દેશોના લોકોમાં માનસિક સ્વાસ્થયની સૌથી વધુ સમસ્યા છે.તેમાં પણ ઉપદેશો વાંચવા પર પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોની નવું નવું જાણવાની ને વાંચવાની આદત પણ છૂટી રહી છે. સચ્ચાઈ તો એ છે કે, કોરોના તો હવે જતો રહેશે પણ તે દરમ્યાન ઉદ્દભવેલી માનસિક બીમારી લોકોમાં ઘર કરી જશે.

આઈપીએસના સર્વે મુજબ માનસિક બીમારીના પ્રમાણમાં મોટો વધારો

ઈન્ડિયન સાઈકિયાટ્રી સોસાયટી (આઈપીએસ)એ લોકડાઉન દરમ્યાન કરેલા એક અભ્યાસ મુજબ કોરોનાને પગલે દેશમાં માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વીસ ટકા જેટલો મોટો વધારો થયો છે. આ અભ્યાસ મુજબ લોકડાઉનને લીધે લોકોની જીવનશૈલી પર મોટી વિપરિત અસર પડી છે. ચિંતા, આર્થિક તકલીફો વચ્ચે રોજગાર ગુમાવ્યાનું દુ:ખ વગેરેનું પ્રમાણ વધ્યું છે.સાથે સાથે પોતાના નિકટના સ્વજનો ગુમાવ્યાનું દુઃખ પણ માનસિક બીમારીનું કારણ બન્યું છે.

આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધ બાદની સૌથી વિકટ કટોકટીમાંથી પસાર થઈ રહી છે. કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. પણ ચીનમાંથી ઉદ્ભવેલા આ વાયરસે સીધી રીતે જેટલો કહેર મચાવ્યો છે. તેટલો જ કહેર પરોક્ષ રીતે પણ મચાવ્યો છે. કોરોનાનો ચેપ લાગવાની ચિંતા અને લોકડાઉને સર્જેલા આર્થિક – સામાજિક પ્રશ્નોએ લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળવાની વધુ ગંભીર પરિસ્થિતી ઉભી કરી દીધી છે.

ડિપ્રેશન, ક્યાંક અતાર્કિક ભય, અનિદ્રા સહિતની માનસિક તકલીફો અને બીમારીઓમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. મનોચિકિત્સકોના મતે યોગ્ય સમાધાન અને સારવારની દરમ્યાનગીરી નહીં થાય તો આગામી દિવસોમાં આ આંકડો ઓર વધવાની ભીતિ છે. આર્થિક સમસ્યાઓ તો છે જ પણ સાથે સાથે મને કંઈ થઈ જશે તો મારા પરિવારનું શું થશે તેની ભારે ચિંતા (એન્ઝાઈટી), ભયનું પ્રમાણ વધ્યું છે. આર્થિક તંગીને લીધે વ્યસનનું પ્રમાણ પણ વધ્યું છે. વળી હાલ મહિલાઓમાં પણ માનસિક સ્વાસ્થ્ય અંગેની તકલીફો વધી છે. લોકડાઉન અને ત્યારબાદના સમયમાં માનસિક તકલીફો ના દરદીઓ વધી ગયા છે.

હોસ્પિટલની ઓ.પી.ડી.માં રોજના સરેરાશ વીસેક દર્દી વધુ આવે છે. ખાસ કરીને કોરોના મહામારીની ચિંતા અને બેચેની તેમજ જેમણે ધંધા-રોજગાર, નોકરી ગુમાવ્યા છે અથવા મોટો આર્થિક ફટકો પડયો છે તેમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે.

મને કોરોના થઈ જશે એવી બીકથી સતત હાથ ધોવાની અને સાફસફાઈની વધુ ચિંતાવાળા પણ દર્દીઓ આવે છે. કોરોનાની પરિસ્થિતિને લઈને પણ આવો અભ્યાસ પણ થઈ શકે. હું પણ એ માટે સૂચન કરીશ કે રોગ કરતાં રોગની ચિંતા વધુ જોખમી છે. કોરોના તો થોડા મહિનામાં જતો રહેશે પણ જો ખ્યાલ નહીં રખાય તો તેને લઈને સર્જાયેલી માનસિક બીમારીઓની વિપરીત અસર લાંબા સમય સુધી દેખાશે. ડિપ્રેશન, ચિંતા, ફોબિયા, વ્યસન અંગેના દર્દીઓમાં વિથડ્રોયલ ફીયર્સ વગેરેની તકલીફના દર્દીઓ વધ્યા છે. તેથી આપણે સૌએ માનસિક આરોગ્ય પર ધ્યાન આપવું પડશે.

યોગ સાઈકોથેરાપી અને રચનાત્મક પ્રવૃત્તિઓ માનસિક તકલીફો ઘટાડવાની ચાવી

સકારાત્મક વિચારો, રચનાત્મક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને યોગના માધ્યમથી માનસિક તકલીફ હળવી થવામાં મદદરૂપ બને છે. યોગ એ વિશ્વને ભારતની અમૂલ્ય દેન છે. યોગ એટલે માત્ર શારીરિક વ્યાયામ નહીં પણ શરીર અને મનની સ્વચ્છતાનું યુગ્મ છે. યોગ અને મનોચિકિત્સા માટેની આધુનિક સાઈકોથેરાપીને જોડીને ડો. દેવજ્યોતિ શર્માએ યોગા સાઈકોથેરાપી વિકસાવી છે. કોરોના મહામારીએ સર્જેલી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું નિવારણ યોગ અને યોગા સાઈકોથેરાપીમાં છે. યોગથી ધ્યાન એકાગ્ર થાય છે અને માનસિક આરોગ્ય સુધરે છે.

માનસિક રોગનાં દર્દીઓમાં 50% નો વધારો

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે માનસિક સમસ્યાને કારણે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 15 હજાર લોકોએ આપઘાત કર્યો છે, કોરોનાકાળ બાદ રાજ્યમાં માનસિક રોગના દર્દીઓ 5 લાખથી વધીને 7.50 લાખ થયા છે આ ફક્ત સરકારી આંકડા મુજબ રજીસ્ટર્ડ દર્દીઓ છે, મનોચિકિત્સકના મતે અવેરનેસને અભાવે અનેક દર્દીઓ સારવાર કરાવતા નથી.

કેન્દ્ર સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં આપેલી માહિતિ પ્રમાણે બેકારીના કારણે થયેલી આત્મ હત્યામાં ગુજરાત પાંચમા ક્રમે છે. જે ઘણું ચિંતાજનક છે. દેશમાં હજારો લોકો આત્મહત્યા કરીને જીવનનો અંત લાવે છે. આત્મહત્યાના બનાવોને કારણે સામાજિક માળખું અસ્તવ્યસ્ત થઇ જાય છે. જ્યારે કોઈ પુરુષ આત્મહત્યા કરી લે છે ત્યારે તેનો પરિવાર,પત્ની, બાળકો નિ:સહાય – નિરાધાર થઈ જાય છે.આર્થિક મુશ્કેલીને કારણે તેનો પરિવાર રોડ ઉપર આવી જાય છે. તેના માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે. સૌથી ચિંતાનો વિષય એ પણ છે કે શિક્ષિત વ્યક્તિઓ પણ મોટા પ્રમાણ માં આત્મહત્યા કરે છે. આ પ્રશ્નો અંગે હવે ચિંતા-ચિંતન અને વ્યાપક જનજાગૃતિ લાવવાનો સમય આવી ગયો છે. કોઈપણ રીતે આત્મહત્યાના વધતા બનાવો અટકે તે દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે.

આપણે સહુ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે હિરાઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. દરરોજ પેપરમાં આવે છે કે આપણી વચ્ચેથી આપણા ઉદ્યોગનો એક સભ્ય પોતાનું જીવન ટૂંકાવીને વિદાય લે છે એ હકીકત છે. ત્યારે આપણા ધ્યાનમાં આવતા આવા માનસિક અસ્વસ્થ સભ્યનું સારા કાઉન્સલર સાથે મુલાકાત કરાવી શકાય છે.જો આર્થિક તકલીફ હોયતો કાઉન્સલર દ્વારા જાણી એમને જરૂરી મદદ અને સત્વરે નોકરી શોધી એમને સ્ટેબલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને ઘરની કે બીજી કાંઈ તકલીફ હોય આ માટે આપણી એક કમિટી બનાવી એના દ્વારા લોકોના જીવન બચાવવા માટેના શક્ય હોય એટલા પ્રયત્નો કરવા જોઈએ.

ઉદ્યોગમાંથી કોઈનું જીવન બચાવી શકીશું તો આપણે કરેલી સેવા લેખે ગણાશે. આ રીતની સેવા સુરતમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF કરી રહ્યું છે, જે સરાહનીય છે, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસના સહયોગથી મનમંદિર સ્ટ્રેસ નિવારણ કેન્દ્ર અને સોશિયલ આર્મી સુરત દ્વારા પણ સેવા ચાલી રહી છે અન્ય શહેરોમાં પણ આવી સેવાઓ આવકાર્ય છે, ઉદ્યોગમાંથી ચાલો મટાવીએ આપઘાતની હોળી સાથે મળીને ઉજવીયે દિવાળી.

યું કહાં ચલ દિયે છોડ કર ઘોંસલા
તુમકો રખના હી હોગા હોંસલા
હાલ નાજુક હૈ યે ભી સમજતે હૈ પર
ખુદ ખુશી તો નહી આખિરી ફૈસલા

લોકોએ પણ સમજવું પડશે કે , દરેક આવી પડેલ તકલીફનો ખુદખુશી એ એકમાત્ર ઉપાય નથી. જેમ દરેક સવાલનો જવાબ અવશ્ય હોય છે એમ દરેક પ્રોબ્લેમનો હલ પણ હોય જ છે. આવા સમયે એકલતાથી દૂર રહો અને લોકો સાથે હળો મળો. તમારી પરેશાની લોકો સાથે વહેંચો. ચોક્કસથી કોઈ રસ્તો નીકળશે. જિંદગી તમને ઘણું બધું આપવા તૈયાર છે. બસ પહેલા તમારે સક્ષમ બનવું પડશે.

આપઘાતને કઈ રીતે અટકાવી શકાય

▪️મનોચિકિત્સકોના મતે આવી મનોદશામાં માણસને હૂંફ અને લાગણી ની વધુ જરૂર પડે છે હૂંફ મળે તો તેને આવું પગલું ભરતા અટકાવી શકાય.
▪️ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસથી પીડાતા લોકોને અવેરનેસ, સમયસર કાઉન્સેલિંગ કે સાઈકોથેરાપી બાદ જરૂર પડ્યે દવાથી અટકાવી આત્મહત્યા કરતા બચાવી શકાય છે.
▪️મરી જવાના વિચાર આવવા તે માનસિક રોગ છે. તેથી ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બનનાર વ્યક્તિએ સર્વપ્રથમ તો તબીબ પાસે દવા લેવાની જરૂર છે.
▪️જે વ્યક્તિ ડિપ્રેશન કે ચિંતામાં હોય તેના પરિવાર જનો, મિત્રોએ તેને દવા લેવા મોટીવેટ કરવો જોઈએ. તેને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સપોર્ટ કરાવો જોઈએ
▪️આવા વિચારોમાં માણસે માનસિક મજબૂતાઈ રાખવાની જરૂર છે.
▪️સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ મળીને કાઉન્સલિંગ સેન્ટર્સ શરૂ કરવા જોઈએ
▪️સૌથી વધુ આત્મહત્યા કરનાર પુરૂષ હોય છે અને તેમની આત્મહત્યાનું મહત્તમ કારણ આર્થિક મુશ્કેલી હોય છે. એટલે આર્થિક આયોજન માટે જાગૃતતાની જરૂર છે.
▪️આત્મહત્યા કોઈ એક પરિવારનો પ્રશ્ન નથી પણ સૌનો સામુહિક પ્રશ્ન છે તો તેમાં જાગૃતિ લાવવા સરકાર, સામાજિક સંસ્થાઓ,શાળા-કોલેજો બધા તરફથી પ્રયત્ન થાય તે ખૂબ જરૂરી છે.

માનવ જીવન ખૂબ અમૂલ્ય છે..

જીવન છે હિરા કરતા પણ અણમોલ
વ્યર્થ કરી નહીં ઓછું કરો તેનું મોલ