- બન્ને દેશ ઈચ્છે છે કે તેમનો દ્વિપક્ષીય વ્યાપાર વર્ષ 2025 સુધીમાં 30 અબજ ડોલરને પાર થઈ જાય
- ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર
સૌથી પહેલા મિત્રતા કેટલી જૂની છે
સ્વતંત્રતા બાદ ભારતના રશિયા સાથે મજબૂત સંબંધ રહ્યા છે. સંરક્ષણ, અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, ઔદ્યોગિક ટેકનોલોજી અને અન્ય અનેક ક્ષેત્રોના વિકાસમાં રશિયાની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી છે. વર્ષ 1990માં જ્યારે સોવિયત સંઘ તૂટી રહ્યો હતો ત્યારે ભારત, રશિયાની ઘનિષ્ઠતા વધારે હતી. રાજકીય બાબત હોય કે પછી અર્થતંત્ર, બન્ને ક્ષેત્રોમાં પરસ્પરના સંબંધ વધારે ઘનિષ્ઠ થયા છે. પરસ્પરના સહયોગ માટે પણ સમજૂતી થઈ.
ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે ટ્રેડમાં વેગ મળ્યો છે. રશિયા લાંબા સમયથી ભારતની સંરક્ષણ જરૂરિયાતોને પૂરી કરનારો સૌથી મોટો સહયોગી દેશ રહ્યો છે. સંરક્ષણ ઉપરાંત પેટ્રોલિયમ, ફાર્મા અને ન્યૂક્લિયર એનર્જી જેવાં ક્ષેત્રોમાં બન્ને દેશ વચ્ચે વ્યાપાર થાય છે.
મોદી-પુતિન યુગમાં મિત્રતા કયા સ્તરે પહોંચી
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પુતિન સાથે તેમની અનેક વખત મુલાકાત યોજાઈ ચૂકી છે. દરેક વખત કોઈને કોઈ સમજૂતી અને સહયોગ અંગે સહમતી થાય છે. આ સમયે ભારત-રશિયાની મિત્રતા મજબૂત થઈ છે. જો વાત વર્ષ 2020-21ની કરવામાં આવે તો બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 8.1 અબજ ડોલર રહ્યો હતો.
આ સમયે ભારતીય નિકાસ 2.6 અબજ ડોલર રહી હતી, જ્યારે રશિયાની આયાતો 5.48 અબજ ડોલર રહી છે. આ આંકડા રશિયાસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. હવે રશિયા સરકારના આંકડાની વાત કરવામાં આવે તો તેમનો ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર 9.31 અબજ ડોલર હતો, જેમાં ભારતીય નિકાસ 3.48 અબજ ડોલર અને આયાત 5.83 અબજ ડોલર રહી હતી.
હવે બન્ને દેશે શો લક્ષ્યાંક નક્કી કર્યો
ભારત અને રશિયા વચ્ચે બે પ્રકારનાં રોકાણને 30 અબજ ડોલરના લક્ષ્યાંકને અગાઉ જ પૂરો કરી ચૂક્યા છે. હવે બન્ને દેશ એક નવા લક્ષ્યાંકને નક્કી કર્યો છે. હવે સાથે મળી વર્ષ 2025 સુધીમાં બન્ને બાજુ રોકાણને 50 અબજ ડોલરને પાર થઈ જવું જોઈએ.
ભારત અને રશિયા વચ્ચે બેન્કિંગ રિલેશન પણ સારા થયા છે. અનેક રશિયન બેન્કો ભારતમાં પોતાની પ્રતિનિધિ ઓફિસ/શાખા ખોલી રહ્યા છે. આ રીતે કોમર્શિયલ બેન્ક ઓફ ઈન્ડિયા LLC (SBI અને કેનેરા બેન્કનું સંયુક્ત સાહસ) રશિયામાં બેન્કિંગ સેવા આપી રહી છે.
આર્થિક સંબંધ માટે આ મુલાકાત કેટલી મહત્ત્વની
રશિયા લાંબા સમયથી ભારતનો વિશ્વાસુ સહયોગી દેશ રહ્યો છે. તેમ છતાં બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર ગણો ઓછો રહ્યો છે. દ્વિપક્ષીય વ્યાપાર હજુ સુધી આશરે 10 અબજ ડોલરથી વધારે આગળ વધી શક્યો નથી. દ્વિપક્ષીય રોકાણ પણ તેમની ક્ષમતાથી નીચે છે.
બન્ને દેશ ઈચ્છે છે કે તેમનો દ્વિપક્ષીય વ્યાપાર વર્ષ 2025 સુધીમાં 30 અબજ ડોલરને પાર થઈ જાય. ભારતને સપ્લાયની જરૂર છે અને રશિયાને ડિમાન્ડની. આ સંજોગોમાં કારોબારને વધારવા માટે બન્ને દેશ એક માર્ગ શોધી રહ્યા છે. વર્ષ 2019માં પોતાની રશિયાયાત્રા સમયે PM નરેન્દ્ર મોદીએ રશિયાના સુદૂર પૂર્વના વિસ્તારો સાથે કારોબારને વધારવા માટે ભાર આપ્યો હતો.
રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચ્યા એ અગાઉ રશિયાના સંરક્ષણમંત્રી અને વિદેશમંત્રી ભારત પહોંચ્યા હતા અને અહીં તેમણે પોતાના સમકક્ષો સાથે મંત્રણા કરી હતી. રશિયા ચોથો એવો દેશ છે, જેની સાથે ભારત 2+2 મંત્રણા કરી રહ્યો છે.
ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષામંત્રી સર્ગેઇ શોઈગુની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દ્વારા ભારત-રશિયા રાઇફલ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 7.63×39 મિમી આસોલ્ટ રાઈફલ્સ AK-203ની 6,01,427 ખરીદી માટે કરાર કરવામાં આવ્યા હતા. 2021-2031 સુધીના સૈન્ય-ટેક્નિકલ સહકાર માટેના કાર્યક્રમ જેવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
28 કરાર પર હસ્તાક્ષર થયા
પુતિનની આ મુલાકાત વિશે માહિતી આપતાં વિદેશસચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ કહ્યું, ‘આ મુલાકાતમાં 28 કરાર કરવામાં આવ્યા છે. કરારો વેપાર, ઊર્જા, બૌદ્ધિક સંપદા, બેંકિંગ, એકાઉન્ટન્સી જેવાં ક્ષેત્રોને આવરી લેવાયા છે. મંત્રણામાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ વર્ષે અમે ગયા વર્ષની સરખામણીમાં વેપારમાં વધારો જોયો છે. બંને દેશ વેપાર અને રોકાણના માર્ગમાં સતત વૃદ્ધિની અપેક્ષા રાખે છે. વેપાર અને રોકાણ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ છે, જેમાં અંતર્દેશીય જળમાર્ગો, ખાતર, કોકિંગ કોલ, સ્ટીલ, સ્કિલ્ડ મેનપાવરનાં ક્ષેત્રોમાં લાંબા ગાળાના સહયોગનો સમાવેશ થાય છે.
શ્રૃંગલાએ વધુમાં જણાવ્યું હતું કે અમે તેલ અને ગેસક્ષેત્ર તેમજ પેટ્રો-કેમિકલ્સમાં વધુ રોકાણ કરવા માટે અમારી રુચિ દર્શાવી છે.