કારીગરોને સુખી કરીશું તો જ સફળ થઈશુ : સવજીભાઇ ધોળકિયા

1767

ચેમ્બર દ્વારા આયોજીત વેબિનારમાં ડાયમંડ કીંગ સવજીભાઈ ધોળકિયાએ પોતાના સફળ જીવનની સફર દ્વારા ઉદ્યોગ સાહસિકોને મોટીવેટ કરી સફળતાનો મંત્ર આપ્યો હતો.

DIAMOND TIMES –અગ્રણી હીરાની કંપની હરિકૃષ્ણ એકસપોર્ટ્‌સના પ્રા.લિ.ના ફાઉન્ડર અનેચ ચેરમેન સવજીભાઈ ધોળકિયા સાથે તેમના જીવનની સફળ સફર વિશે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉદ્યોગ સાહસિકોને સંબોધતા તેમણે કહ્યુ કે દરેક બિઝનેસમેને સફળ થવું હોય તો કંપનીના કર્મચારીઓને સંતોષકારક સેલેરી આપવી જોઇએ.આ ઉપરાંત લો કોસ્ટ ગુણવત્તા યુક્ત પ્રોડક્શન થવુ જોઇએ.આ બાબતોને ધ્યાનમાં રાખીને બિઝનેસમાં કે જીવનમાં આગળ વધું જોઇએ તેવી સલાહ તેમણે આપી હતી.

સવજીભાઇ ધોળકિયાએ કહ્યુ કે તેમની જીવનની સફર ખૂબ જ અદ્‌ભુત અને સારી રહી છે.જીવનને તેઓ શરૂઆતથી જ માણતા આવ્યા છે.રત્નકલાકાર તરીકે કામ કરતા હતા ત્યારે પણ આનંદીત થઇને જ જીવન જીવતા હતા.સવારે નકકી કરી લેતા હતા કે આજે સવારે હીરાના ચોકકસ નંગ બનાવવાના છે અને તે સમયે શેઠ પણ તેમનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઘંટી ચાલુ રાખતા હતા. ભગવાનની કૃપા અને વડિલોના આશીર્વાદને કારણે ભણ્યા વગર પણ તેમણે જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરી લીધું હતું.માતાની અપેક્ષા અને પિતાની આશાને કારણે સૌરાષ્ટ્રમાંથી ૧ર વર્ષની ઉંમરે પોતાની અંદર જુસ્સો ભરીને સુરત આવ્યા હતા.કામ કરવાની શરૂઆત કરી પછી જીવનમાં કયારેય પાછું વળીને જોયું નથી.જીવનમાં જ્યારે પણ અઘરો સમય આવતો ત્યારે સફળ લોકોના જીવનમાથી પ્રેરણા લેતા હતા.જેમાથી એક જ સાર નીકળતો હતો કે જીવનમાં જે અઘરું હોય એને જ સફળતા કહેવાય.સફળતા કોઇ દિવસ સરળ હોતી નથી.જીવનમાં સમસ્યા તો રહેવાની જ છે.પ્રોબ્લેમ છે તો જ પ્રોગ્રેસ છે વિગેરે વાકયોને મગજમાં રાખીને જીવનમાં આગળ વધતા ગયા,પણ કયારેય હતાશ થઇને બેસી રહયા નથી.

તેમણે કહ્યુ કે જીવનમાં તમે પહેલેથી જ સફળ થઇ જાવ એવું પણ નથી હોતું.સમય, સંજોગો, નસીબ અને કુદરત બધી રીતે પરીક્ષાઓ કરે છે અને પછી જ સફળ થવાય છે.સફળતા પાછળ તમારો હેતુ જવાબદાર ઠરે છે.તમારો પરિવાર, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કઇ રીતે સુખી થાય?, બધાને સાથે રાખીને પ્રગતિ કેવી રીતે સાધી શકાય?, બીજાને મદદ કેવી રીતે કરી શકાય? આવા પરગજુ સ્વભાવથી જ સારૂ પરિણામ મળી શકે છે.

મને હંમેશા બીજાને મદદ કરવાનો શોખ હતો.બીજાની ખુશીમાં પોતાની ખુશી જોતા હતા.જીવનમાં પહેલાથી જ આવો એપ્રોચ રાખ્યો હતો.બીજાનો આર્થિક રીતે વિચાર કરીએ છીએ ત્યારે આપણને બાય પ્રોડકટ પૈસા મળવાના જ છે.આપણે માત્ર પોતાનું વિચારવાની જરૂર નથી.બીજાનું ભલું થશે તો તેની પાછળ આપણું પણ ભલુ થવાનું જ છે.આવા હેતુને કારણે જીવનમાં ધાર્યુ પરિણામ મળી શકયું છે અને જીવનની સફર જ સતત પ્રોત્સાહિત કરતી રહી છે.

તેમણે કહયું કે ફેકટરીમાં કર્મચારીઓ માટે જમવાનું શરૂ કર્યુ ત્યારે શરૂઆતમાં બજેટ ખૂબ જ મોટું દેખાતું હતું. ઘણા વિચાર પણ આવતા હતા કે જમવાનું ચાલુ કર્યા બાદ બંધ થાય તો નામોશી થશે વિગેરે વિગેરે.પણ મનમાં ભાવ સારો હતો કે કારીગરો માટે જમવાનું ચાલુ કરવાનું છે.કદાચ કુદરત આપણા થકી તેઓને જમવાનું પૂરુ પાડવા માગતી હોય તો ?? આવું વિચારીને નિર્ણય લઇને કારીગરો માટે જમવાનું શરૂ કર્યું હતું, જે આજે પણ ચાલે છે.તે સમયે જો નિર્ણય જ લીધો ન હોત તો આજે પણ પ્લાનિંગ જ કરતા રહયા હોત.

કંપનીમાં કારીગરો માટે જમવાનું ચાલુ કર્યુ એટલે સમયની બચત થતાદસ ટકા પ્રોડકશન વધી ગયું એટલે કંપનીની પ્રોડકશન કોસ્ટ ઘટી ગઇ. બપોર દરમ્યાન હીરા ચોરાઇ જવાની ઘટના બંધ થઇ ગઇ. કારણ કે એવા કારીગર નોકરી છોડીને જતા રહયા એટલે કંપનીને સીધો ફાયદો થયો અને કંપની અન્ય મોટી કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકી. સૌથી મોટો ફાયદો એ થયો કે કર્મચારીઓમાં સારા વિચારોનું વાવેતર થયું અને કંપની પ્રત્યે તેઓના મનમાં સારી ભાવના કેળવાઇ. ટૂંકમાં કહીએ તો એક રૂપિયાના ખર્ચમાં ચાર રૂપિયાનો ફાયદો થયો.

કારીગરોને કામ કરવા માટે સારુ વાતાવરણ મળી રહે તે દિશામાં વિચાર કરીને સીમાડામાં જમીન લઇને ત્યાં ડાયમંડ ફેકટરી નાંખી. અહીં કર્મચારીઓ માટે ગાર્ડન, ક્રિકેટ સ્ટેડિયમ અને સ્વીમિંગ પુલ બનાવ્યું. પોતાને ગાડીનો શોખ હોવાથી કર્મચારીઓ માટે પણ ગાડી લેવાનો વિચાર કર્યો હતો, ત્યારે રૂપિયા પર કરોડનું બજેટ હતું. આ નિર્ણય અમારા જીવન માટે ઘણો મોટો અને ચેલેન્જેબલ હતો. તે સમયે ૧ર૦૦ કર્મચારીઓ ગાડી માટે કવોલીફાય થયા હતા અને એમાંથી શરૂઆતમાં પ૦૦ કર્મચારીઓને ગાડી આપી હતી. આ પરિવારોને જ્યારે ગાડી આપવામાં આવી ત્યારે તેઓની આંખોમાં જે ખુશીની લાગણી હતી તેનું વર્ણન કરવું ઘણુ અઘરું છે. ગાડી સિવાયના કર્મચારીઓમાં કોઇને ફિકસ ડિપોઝીટ માટે તો કોઇને પોતાના ઘર માટે રૂપિયા આપ્યા હતા. એક ગાડીની પાછળ આઠ જણાને ખુશી મળી હતી. આ જ તો સફળતા માટેના રહસ્ય છે. આવું ગણિત કોઇ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું નથી. સફળ થવા માટે કે જીવનમાં સુખી થવા માટેનો પાયો જ આ છે. આ બધું વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

વધુમાં તેમણે કહયું કે, ગાડી પછી સરોવરનો શોક હતો. વ્યકિતગત હું કઇ કરી શકયો ન હતો. આથી દુધાળા પાસે સરોવર બનાવી દીધું છે. અંદરથી એવો ભાવ હતો કે લોકોના મનમાં પ૦૦ વર્ષ જીવતા રહેવાનું છે. આપણે તો ૧૦૦ વર્ષમાં જતા રહીશું પણ આપણું કામ લોકોમાં પ૦૦ વર્ષ જીવતું રહેવું જોઇએ. સરોવર કર્યો અને વૃક્ષો પણ વાવ્યા. આ બધું કરવાની પાછળ હેતુ માત્ર બીજાનું ભલુ કેવી રીતે થાય તેટલો જ હતો. આ બધી બાબતોને બિઝનેસની દૃષ્ટિએ તથા ધર્મ અને કર્મની દૃષ્ટિએ પણ લઇ શકાય છે.

અંતમાં તેમણે કહયું કે સારુ કામ કરવામાં પણ જો નિષ્ફળતા સાંપડે તો પણ જીવનમાં આનંદ થાય છે.બીજાનું સારુ કરતી વખતે જો તમને નુકસાન થાય તો પણ ખુશી અનુભવવી જોઇએ.કુદરત આપણી કયારેક પરીક્ષા પણ લેતી હોય છે. આથી પછીના સમયમાં કુદરત તમને ચોકકસપણે ડબલ કરી આપે છે.આપણે બીજાનું જ્યારે ભલું વિચારતા હોય તો આપણું ખરાબ કઇ રીતે થઇ શકે? ખુશ રહેવું એ જ સફળતાની ચાવી છે.તંદુરસ્ત રહેવા માટે પણ ખુશ રહેવું જોઇએ. કોરોનાને ભગાવવા માટે પણ ખુશ રહેવું એ જરૂરિયાત છે.જીવન કયારેય સરળ હોતું નથી તેમાં અપડાઉન આવવાના જ છે.જીવનના ઉતાર–ચડાવને સ્વીકારીને જ આગળ વધવું જોઇએ.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.