ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે,એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
DIAMOND TIMES – ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવોએ ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી આ મહાનુભાવોએ પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી.ત્યારબાદ મુખ્યમંત્રી એ બુર્સની કોર કમિટીના સભ્યો- હોદ્દેદારો,ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી.
સુરત ડાયમંડ બુર્સની મુખ્યમંત્રીએ લીધેલી મુલાકાતની એક ઝલક નિહાળો આ વીડીયોમાં
સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે.સુરતમાં રફ હીરાનો મોટો જથ્થો રશિયાથી આવે છે.આ બાબતને લક્ષમાં રાખી ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્ય મહેમાન તરીકે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પણ ઉપસ્થિત રાખવામાં આવે તેવી માંગણી ડાયમંડ બુર્સ કમિટીએ રાખી હતી. કમિટીની લાગણી છે કે વ્લાદિમીર પુતિનને બોલવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે.
ખજોદ આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સની 85 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.જેને જોતા આગામી ડિસેમ્બર બાદ તેનું ઉદ્દઘાટન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.1500 સ્કેવરફૂટથી મોટી ઓફિસોને ફર્નિચર માટે ફાળવી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે,એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે.અહિયાં દેશ વિદેશના હીરા વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે.જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થશે તો હજારો લોકોને રોજગારી મળશે.રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મૈત્રીપૂર્ણ અભિગમ અને સકારાત્મક વલણ ધરાવે છે.ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ વેચાણ થશે.