નિર્ધારીત નિકાસ લક્ષ્યાંક હાંસિલ કરવા હીરા ઉદ્યોગની વિજયલક્ષી ધુંઆધાર બેટીંગ

84

42 બિલિયન ડોલર નિકાસ ટાર્ગેટ સામે હીરા ઉદ્યોગનો વિના વિકેટે 19.3 બિલિયન ડોલરનો સ્કોર : જંગી લીડથી જીત મેળવવા હજુ અડધી રમત બાકી

DIAMOND TIMES – નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન, ભારતના જોશીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત જુલાઈ મહીનામાં હીરા અને ઝવેરાત ઉદ્યોગને નાણાકીય વર્ષ -2021-22માં 42 અબજ ડોલરના હીરા અને જ્વેલરી ની નિકાસ કરવાનો એક મોટો લક્ષ્યાંક આપ્યો હતો.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આપેલી ઉપરોક્ત ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કરી નિર્ધારીત નિકાસ લક્ષ્યાંકને હાંસિલ કરી જંગી રનથી જીત મેળવવા હીરા ઉદ્યોગ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.

ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવ અને આનંદની વાત છે કે હીરા ઉદ્યોગે વિજય લક્ષી ધુંઆધાર બેટીંગ દ્વારા નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કુલ વાર્ષિક નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકાની સિધ્ધિ હાંસિલ કરી વડા પ્રધાનને સામી દીવાળીએ ખુશીની સોગાદ આપી છે.42 બિલિયન ડોલરની નિકાસના કુલ ટાર્ગેટ સામે છ ઓવરમાં એટલે કે નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં વિના વિકેટે 19.3 બિલિયન ડોલરનો લક્ષ્યાંક હાંસિલ કર્યો છે . જંગી લીડથી જીત મેળવવા હજુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 સુધીના નાણાકીય વર્ષનાં બીજા છ મહીનાની રમત હજુ બાકી છે.

ગત જુલાઈ મહીનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જીજેઇપીસીના પદ્દાધિકારીઓ,સાહસિક અગ્રણી હીરા ઉદ્યોગ પતિઓ , વાણિજ્ય વિભાગના સચિવશ્રીઓ -તેમજ વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આયોજીત એક વર્ચ્યુઅલ બેઠકમાં હીરા ઉદ્યોગને ઉપરોક્ત ચેલેન્જ આપતા પોતાના પ્રેરક સંબોધનમાં વડાપ્રધાને કહ્યુ હતુ કે કોરોના મહામારી બાદ વશ્વિક વેપારના ક્ષેત્રમાં લીડર બનવા ભારત માટે એક મોટી તક ઉપલબ્ધ બની છે.વિશ્વના મોટાભાગના દેશો ચીનના ઉત્પાદનો તરફથી મોઢુ ફેરવી મજબુત વિકલ્પ શોધી રહ્યા છે.વૈશ્વિક પરિવર્તનના પવન વચ્ચે એક માત્ર ઇન્ડીયા ચીનના મજબુત વિકલ્પ તરીકે પ્રસ્થાપિત થવાની ક્ષમતા ધરાવે છે.જેમા હીરા અને ઝવેરાત મોખરાના સ્થાને આવે છે.આ બાબતને ધ્યાનમાં રાખી હીરા-ઝવેરાત ક્ષેત્રના સાહસિક ઉદ્યોગકારોને વડાપ્રધાને 42 બિલિયન ડોલરની નિકાસ કરવાનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

બીજી તરફ હીરા-ઝવેરાત ક્ષેત્રની વ્યાપારિક સંસ્થાઓ,અગ્રણીઓ,સરકારી વિભાગો,અધિકારીઓ-પદ્દાધિકારીઓએ વડાપ્રધાનશ્રીની આ અપીલનો સહર્ષ એક મહાભિયાન તરીકે સ્વીકાર કરી તેને સાકાર કરવા સામુહિક રીતે સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યા હતા.આ પ્રયાસનો મજબુત પાયો સુરત નખાયો હતો.નવરત્ન ગેલેરીના શુભારંભ પ્રસંગને સમાંતર મેરીડીયન હોટલ ખાતે આયોજીત જીજેઇપીસીની ડાયમંડ કમિટીની બેઠકમાં ઉપસ્થિત જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ,વાઈસ ચેરમેન વિપુલ શાહ,ડાયમંડ પેનલ કમિટીના સંજય ભાઈ શાહ,દીનેશભાઈ નાવડીયા,સુરત-મુંબઈ ના અગ્રણી ઉદ્યોગકારોએ મનોમંથન કરી હીરા -ઝવેરાતની નિકાસ માટે અવરોધરૂપ સમસ્યાના નિવારણ માટે તેમજ હીરા ઉદ્યોગની ક્ષમતાઓ અંગે વિગતવાર ચર્ચાઓ થઈ હતી.આ બેઠક પછી નક્કર કામગીરી માટેનો ધમધામટ શરૂ થયો હતો.

ઉપરોક્ત બેઠક બાદ એકશનમાં આવેલા જીજેઇપીસીએ હીરા-ઝવેરાત ઉદ્યોગને વિસંગત વિવિધ કાયદાઓ અને સમસ્યા ઓનું લિસ્ટ તૈયાર કરી તેને નિવારવા સંલગ્ન વિવિધ સરકારી વિભાગોમાં ધડાધડ રજુઆત કરવાની રણનીતી બનાવી હતી.ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો,નિકાસકાર કંપનીઓ ,કેન્દ્ર સરકારના અધિકારીઓ,જીજેઇપીસીના પદ્દાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભારત સરકારના વાણિજ્ય સચિવ શ્રી બી.વી. આર.સુબ્રમણ્યમને વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરી વડાપ્રધાનને નિર્ધારીત કરેલી 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા તેમજ આત્મનિર્ભર ભારતની યોજનાને આગળ વધારવા પર ભાર મુકાયો હતો.આ ઇન્ટરેક્ટિવ સત્રમાં જીએસટી, રિઝર્વ બેંકના નિયમો, કસ્ટમ સંબંધિત નીતિઓ,સમસ્યાઓ- પડકારો સહીતના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.આ બેઠકમાં ભારત સરકારના વાણિજ્ય સચિવ બી.વી.આર.સુબ્રમણ્યમે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની સમસ્યાની સમાંતરે સમીક્ષા માટે જીજેઇપીસી કાઉન્સિલની સહભાગીદારીમાં એક કાર્યકારી સમિતિનું ગઠન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયાએ અંગત રસ લઈને ઇમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનિટરિંગ સિસ્ટમની ટેકનિકલ સમસ્યા અંગે પરિણામ લક્ષી રજુઆત કરી

IDPMS (ઇમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનિટરિંગ સિસ્ટમ)માં ઉભી થયેલી ટેક્નિકલ સમસ્યાને કારણે સુરત હીરા બુર્સ પર આયાત કરેલા રફ હીરાના પાર્સલની 10 હજાર કરોડનાં પેમેન્ટની ચુકવણી થઈ શકી ન હતી.જેથી સુરત હીરા બુર્સ પર ગત તારીખ 3 જુનથી 4 જુલાઇ દરમિયાન સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા આયાત કરવામાં આવેલા રફ ડાયમંડના તમામ પાર્સલના બદલામાં વિદેશી કંપનીઓને કરેલા પેમેન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા.ટેકનિકલ ખામી એ હતી કે સુરતની રફ હીરા આયાતકાર કંપનીઓ તેમજ સુરત કસ્ટમ્સ વિભાગે પોર્ટલ પર અપલોડ કરેલી ‘બિલ ઓફ એન્ટ્રી’ RBIના પોર્ટલ પર દેખાતી નહી હોવાથી AD બેન્કો વિદેશી કંપનીઓને પેમેન્ટ ચુકવણીઓ મોકલવામાં સક્ષમ નહોતી.

ઉપરોક્ત ટેકનિકલ સમસ્યાના નિવારણ માટે GJEPCએ RBIના અધિકારીઓ,DG Systems તેમજ MoC&Iનો સંપર્ક કરી સહયોગ માંગ્યો હતો.ઉપરાંત તારીખ 4 સપ્ટેમ્બર-2021ના રોજ મુંબઈમાં વાણિજ્ય સચિવ શ્રી બી. વી. આર. સુબ્રમણ્યમ સાથેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.જીજેઇપીસીના અવિરત પ્રયાસો અને કસ્ટમ્સ તેમજ RBIના સહયોગ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મળી હતી.જો કે આ સમસ્યા નિવારવા જીજેઇપીસીને ભારે પરસેવો પાડવો પડ્યો હતો અને પગે પાણી આવી ગયા હતા.

અન્ય એક સમસ્યા પર નજર કરીએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિલિઝ કરવા અને રફ હીરા પરનો ટેક્સનો મુદ્દો ખુબ જ ગંભીર છે.પરંતુ તેનો હજુ સુધી નિકાલ આવ્યો નથી.જો કે જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં એક પ્રતિનિધી મંડળે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી રફ હીરા પરની 2 ટકા લેવી દુર કરવા તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપથી છૂટી કરવા કરેલી રજુઆતનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

દીનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC) જામ થઈ જવાના કારણે વર્કીંગ કેપિટલની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત હીરા ઉદ્યોગકારો રફ હીરાની ખરીદી પર 2 ટકા લેવીની અસમાનતાનો સામનો કરી રહ્યા છે.વિશ્વના અન્ય બિઝનેસ કેન્દ્રોની તુલનામાં ભારતમાં રફ હીરાની ખરીદી પર 2 ટકા લેવીના કારણે રફ હીરા મોંઘા પડે છે.

વધુમાં ગોલ્ડ જવેલરીમાં ઉપયોગ થતા ડયુટી ફ્રી સોનાની અછતને કારણે ભારતમાથી થતી સોનાના આભુષણોની નિકાસને ખુબ મોટી અસર થઈ છે.આ તકલીફ અંગે અગાઉ જીજેઇપીસીએ વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુરેશ કુમાર સમક્ષ રજુઆત કરી હતી.જેમા કહ્યુ હતુ કે ગોલ્ડ જવેલરીની નિકાસકાર કંપનીઓ ડયુટી ફ્રી સોનાના પુરવઠાની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે.જેના પરિણામે ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં જંગી ઘટાડો થયો છે.જેથી જ્વેલરી ઉદ્યોગના આર્થિક હીતને ધ્યાનમાં રાખી સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાઓ ભરી ઉદ્યોગકારોની આ સમસ્યાનું નિવારણ લાવવુ જોઇએ.

હીરા અને ઝવેરાત ક્ષેત્રની સમસ્યા નિવારવા તાબડતોબ નિર્ણય લેવાનો સરકારનો વારો છે.એમ કહી શકાય કે હવે દડો સરકારની કોર્ટમાં છે.નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં હીરાઉદ્યોગે સર્વોત્તમ દેખાવ કરીને નિકાસ વધારવા બાબતે વડાપ્રધાનશ્રીને આપેલુ વચન નિભાવ્યુ છે.તો બીજી તરફ જેમ એન્ડ જ્વેલરીના કારોબારમાં અવરોધરૂપ સમસ્યાઓ અને વિસંગત કાયદાને દુર કરી,જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને અનુકુળ સુસંગત કાયદાઓ ઘડી સહયોગ આપવા આપેલા વચનને નિભાવવાનો હવે સરકારનો વારો છે.

વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક : કોલિન શાહ

નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ વધીને 19.3 બિલિયન ડોલર થઈ છે. નિકાસના આ ઉત્સાહજનક આંકડાઓ અંગે પ્રતિભાવ આપતા GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે વડાપ્રધાન દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આપવામાં આવેલ 41.66 બિલિયન ડોલરના કુલ નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકાની સિધ્ધિ હીરા ઉદ્યોગે હાંસિલ કરી લીધી છે.આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર-2021માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 3.2 અબજ ડોલર હતી,જે વાર્ષિક ધોરણે 29.6 ટકાનો ઉત્સાહજનક વધારો દર્શાવે છે.તેમણે ઉમેર્યુ કે વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક છે.જેથી આગામી મહીનાઓમાં પણ તેજીનો સિલસિલો યથાવત રહેવાની ધારણા છે.

હીરા ઉદ્યોગને જીત અપાવવામાં ચીન પણ બનશે સહાયક

શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જના પ્રમુખ લિન કિયાંગએ કહ્યુ છે કે પોલિશ્ડ હીરાની આયાત ત્રણ બિલિયન ડોલરને વટાવી ચીન નવો રેકોર્ડ સ્થાપિત કરશે.ચીનના રિટેલ જ્વેલરી માર્કેટમાં ઝડપી રિકવરીથી કેલેન્ડર વર્ષ 2021ના ​​પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં હીરાની આયાતે સતત વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ (SDE)ના ડેટા અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2021 સુધીમાં હીરાના કુલ વ્યવહારો 5.718 બિલિયન ડોલરને આંબી ગયા છે.જે 2019ના વર્ષની તુલના એ 81.2% નો વધારો દર્શાવે છે.આ આંકડાઓ ચીનમાં હીરા-ઝવેરાતની સક્રીય પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બર-2021માં પોલિશ્ડ હીરાની આયાત 239.9 મિલિયન ડોલર થઈ છે,જે 2020ની તુલનાએ 14.6% અને 2019ની તુલનાએ 83.1%નો જંગી વધારો સુચવે છે.

કેલેન્ડર વર્ષ-2021ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમય ગાળામાં શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ મારફતે પોલિશ્ડ હીરાની કુલ ચોખ્ખી આયાત 2.316 બિલિયન ડોલર થઈ ચુકી છે અને હજુ વર્ષ પુર્ણ થવાને ચાર મહીનાનો સમય બાકી છે,ત્યારે પોલિશ્ડ હીરાની આયાત ત્રણ બિલિયન ડોલરનો નવો રેકોર્ડ સ્થાપિત કરે તેવી સંભાવનાઓ છે. શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જમાં પોલિશ્ડ હીરા ઉપરાંત રફ હીરાની આયાત ના આંકડાઓ પણ ઉત્સાહજનક છે.જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વેપાર શ્રેણી હેઠળ રફ હીરાની આયાત 49.962 મિલિયન ડોલર થઈ છે,જે કેલેન્ડર વર્ષ 2019ના સમાન સમયગાળાની સરખામણીમાં 123.7%નો વધારો દર્શાવે છે.

પોલિશ્ડ હીરાની આયાતમા થયેલી વૃદ્ધિ ચીનના જ્વેલરી બજારની ઝડપી રોકવરીની ગતિને પ્રતિબિંબિત કરે છે.વિતેલા વર્ષ 2020ની તુલનાએ કેલેન્ડર વર્ષ 2021ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં જ્વેલરી રિટેલ કારોબાર માં 45%નો વધારો નોંધાયો છે,જે વૃદ્ધિ દરની દ્રષ્ટિએ તમામ છૂટક શ્રેણીઓમાં ટોચ પર છે.વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જના પ્રમુખ કહ્યુ કે ફેસ્ટિવલ અને નેશનલ ડે ગોલ્ડન વીકની રજાઓ જ્વેલરીની પરંપરાગત વેચાણ સીઝન છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેન્જ દ્વારા આ વર્ષે હીરાની આયાત ચીની હીરા બજારમાં વાસ્તવિક માંગને વધુ પ્રતિબિંબિત કરે છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ એસોસિયેશન ઓફ ચાઇના (જીએસી) ના આંકડા અનુસાર ચીનના કુલ 92.74 બિલિયન ડોલર ના ઝવેરાત બજારમાં હીરા જડીત જ્વેલરીનો આશરે 13% હિસ્સો છે.2021માં જ્વેલરી માર્કેટની ઝડપી રિકવરીએ હીરા બજારના વિકાસને ગતિ આપી છે.લગ્ન પ્રસંગ હીરાના વપરાશની કરોડરજ્જુ છે,અને કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ ચાર મહીનામાં 41 લાખ યુગલોએ ચીનમાં લગ્ન માટે નોંધણી કરાવી છે.જે 2020ના સમાન સમય ગાળાની તુલનાએ 287,000 યુગલોનો વધારો દર્શાવે છે.જેના પરથી અનુમાન લગાવી શકાય તેમ છે કે ચીનના લગ્નનું બજાર વૃદ્ધિના રાઉન્ડમાં પ્રવેશ કરશે.

નિકાસ વધારવા પ્રતિ મહીને IIJS (ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો) યોજવાનું આયોજન

42 બિલિયન ડોલરની નિકાસના ટોટલ ટાર્ગેટને એચિવ કરવા ચાલુ નાણાકીય વર્ષના અંતિમ છ મહીના અત્યંત નિર્ણાયક રહેવાના છે.જાણકારોના મત્તે આગામી મહીનાઓમાં પણ વશ્વિક બજારોમાં માંગ જળવાઈ રહેવાની ધારણા છે.જેનો લાભ ઉઠાવવા જીજેઇપીસી દ્વારા બધુ એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે.જે મુજબ બ્રાન્ડ સુરતને વિદેશમાં પ્રમોટ કરવા હીરા-ઝવેરાત માટે પ્રાણવાયુ સમાન IIJS (ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો) ની સંખ્યા વધારવાની યોજના છે.ઉપરાંત સુરતમાં બીગ કોમન ફેસેલિટી સેન્ટરની સ્થાપના કરી હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓને સપોર્ટ આપવાની પણ જીજેઇપીસી ની ઉમદા નેમ છે.ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી અગાઉના સામાન્ય દીવસોમાં વિવિધ સ્થળોએ પ્રતિવર્ષ IIJSના કુલ છ પ્રદર્શન યોજાતા હતા.પરંતુ તેમા વધારો કરવા પાછળ એક સબળ કારણ એ છે કે IIJS ભારતના હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ પ્લેટફોર્મ છે.

આ ઉપરાંત જીજેઇપીસી સુરત ખાતે અત્યંત આધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ બિગ કોમન ફેસેલીટી સેન્ટર્સ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.આમ તો સુરતમાં મોતી કંપનીઓ પાસે અધતન મશીનરી ઉપલબ્ધ છે.પરંતુ આ બિગકોમન ફેસેલિટી સેન્ટર્સમાં ખાસ તો જ્વેલરી મેન્યુફેકચરીંગ ક્ષેત્ર માટે વર્લ્ડ ક્લાસ આધુનિક મશીનરી ઉપલબ્ધ કરાવવાની તેમની યોજના છે.ઉપરાંત હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓને પણ વધુ આધુનિક મશીનરી અને ટેકનોલોજી નિર્માણ કરવા જરૂરી સપોર્ટ આપવાની પણ જીજેઇપીસીની ઉમદા નેમ છે.

લકઝરી સેગ્મેન્ટમાં ડાયમંડ જ્વેલરી સ્ટાર પર્ફોર્મર : ફોરએવરમાર્ક

તાજેતરમાં જ આયોજીત વર્ચુઅલ પ્રેસ બ્રીફિંગમાં ફોરએવરમાર્કના સીઇઓ સ્ટીફન લ્યુસિઅર અને ફોરવરમાર્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને ડાયમંડ અને જ્વેલરી માર્કેટના વર્તમાન વલણો અંગે ચર્ચા કરી હતી.લુસિઅરે કહ્યુ કે વર્ષ- 2021 માં સમગ્ર લક્ઝરી સેગમેન્ટમાં ડાયમંડ જ્વેલરી સ્ટાર પર્ફોર્મર રહી છે.જાન્યુઆરી થી મે-2021 દરમિયાન ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ફોરએવર માર્કના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે.હીરા બજારના વર્તમાન વલણો અંગે પ્રતિભાવ આપતા તેમણે કહ્યુ કે મોટી સાઈઝના હીરાના વેંચાણમાં મજબૂત વૃદ્ધિ થઈ છે.અમેરીકા- યુરોપ અને ચીન સહીતના મોટા બજારમાં ઝડપી રિકવરી પછી હીરાની ખરીદીની ગતિ અને ગ્રાહકની ખરીદે શક્તિથી અમે આશ્ચર્યચકિત છીએ.હીરા અને હીરા જડીત ઝવેરાતની અણધારી જંગી માંગના પગલે રિટેલરો એ હીરાનો તમામ સ્ટોક ખાલી કરી દીધો છે.

હીરા જડીત જ્વેલરીની માંગ પાછળનુ લોજીક સમજાવતા લ્યુસિઅરએ કહ્યુ કે લોકડાઉનના અનુભવની નકારાત્મક માનસિક અસરમાથી બહાર આવવા પુરુષોએ બહેન,પત્ની, પ્રેમિકા કે પછી સ્ત્રી મિત્રને હૈયાધાણ અથવા તો હુંફ આપવા ના આશયથી હીરા જડીત જ્વેલરીની ભેટ આપી છે.આ વલણના કારણે ઈયરીંગ અને નેકલેસનું જંગી વેંચાણ થયુ છે.આગામી મહીનાઓમાં ભારતમાં પણ ડાયમંડ જ્વેલરીનું બજાર મજબુત બનવાની લ્યુસિઅરે આગાહી કરી હતી.

લગ્નો અમેરીકામાં યોજાશે,પણ જીતના ફટાકડા હીરા ઉદ્યોગ ફોડશે !

અમેરીકાની માર્કેટ રિસર્ચ કંપની વેડિંગ રિપોર્ટ અનુસાર અઢી કરોડથી પણ વધુ યુગલો ભવ્ય સમારંભ વચ્ચે લગ્નના તાંતણે બંધાઈ જવાના છે.જેને લઈને હીરા અને હીરા જડીત જ્વેલરીની માંગને ભારે પ્રોત્સાહન મળવાની આગાહી કરવામાં આવી છે. વળી મહતવની વાત તો એ છે કે પ્રત્યેક લગ્ન દીઠ જ્વેલરીની ખરીદીનું સરેરાશ બજેટ 22,500 ડોલરથી વધારીને 24,300 ડોલર નિર્ધારીત થયુ છે.ઉલ્લેખનિય છે કે અમેરીકામાં હીરા જડીત સગાઈની રીંગ સહીત ડાયમંડ જ્વેલરીની ધુમ ડીમાન્ડ પાછળ લગ્ન સમારોહનો ખુબ મોટો હિસ્સો છે.

અહેવાલ મુજબ કોરોનાના કારણે ગત વર્ષે અમેરીકામાં અંદાજીત એક કરોડથી પણ વધુ વરરાજાઓના ઘોડે ચડવાના અરમાનો અધુરા રહી ગયા હતા.જો કે તે પૈકી કેટલાક દંપતિઓએ સાદાઇથી કોર્ટ મેરેજ કરી લીધા હતા.પરંતુ સાદાઇના બદલે ભવ્યતાથી લગ્ન સમારોહ યોજવા માંગતા કેટલાક દંપતિઓએ લગ્નના આયોજનને એક વર્ષ પાછળ ઠેલ્યા હતા.તે પૈકી બાકી રહેલા દંપતિઓ અને તેના પરિવારજનો હવે ભવ્ય રીતે લગ્ન યોજવા અધીરા બન્યા છે.

માર્કેટ રિસર્ચ કંપની વેડિંગ રિપોર્ટ મુજબ આગામી વર્ષે આયોજીત થનાર લગ્ન સમારોહને અનુલક્ષીને ઝવેરીઓ સહીત સમગ્ર વેડિંગ ઈન્ડસ્ટ્રી ભારે ઉત્સાહિત છે.વેડિંગ સાઈટ નોટ વર્લ્ડવાઈડના પ્રતિનિધી લોરેને કહ્યુ કે અમેરિકામાં લગભગ 47 ટકા એટલે કે આશરે 5 લાખથી વધુ લગ્નો પાછળ ઠેલવામાં આવ્યા હતા.જેથી નાણાકીય વર્ષ 2021-22માં અમેરીકામાં આયોજીત થનારા લગ્ન સમારોહની સંખ્યામાં 20 થી 25 ટકાનો વધારો થશે.એમ કહેવામાં આવી રહ્યુ છે કે આગામી વર્ષ લગ્ન સમારોહના આયોજન માટેનું સૌથી મોટું વર્ષ હશે.ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે પણ કહ્યુ છે કે વૈશ્વિક હીરા-ઝવેરાત બજાર સકારાત્મક છે.આગામી રજા અને તહેવારની સિઝન ધમાકેદાર રહેવાની ધારણા છે.અમેરીકામાં ઝવેરાતની માંગ મજબૂત છે.

નિકાસ લક્ષ્યાંક હાંસિલ કરી જીત અપાવવામાં લેબગ્રોન હીરા બની શકે છે મેન ઓફ ધ મેચ

લેબગ્રોનના વૈશ્વિક હીરા બજાર અંગેનો ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચના લેટેસ્ટ અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જશે,કૃત્રિમ હીરાનો વ્યાપક ઉપયોગ મશીન ઉત્પાદન,ખાણકામ,તબીબી પ્રક્રિયાઓ,બાંધકામ, પ્રાયોગિક ભૌતિક શાસ્ત્ર અવકાશ અભિયાન, સખત ધાતુ અને પથ્થર કાપવાની પ્રવૃત્તિઓમાં થાય છે.પ્રોડક્ટ એપ્લિકેશનની આ વ્યાપક શ્રેણી કૃત્રિમ હીરા બજારમાં આશાસ્પદ વેચાણની તકો ઉજળી બનાવે છે.બીજી તરફ 2015માં પ્રકાશિત ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આગામી વર્ષ 2030 સુધીમાં ભુગર્ભમાં કુદરતી હીરાનો પુરવઠો ઘટીને 62 મિલિયન કેરેટ થવાની ધારણા છે.ઉત્પાદન ઘટવાના પરિણામે કુદરતી હીરાની અંદાજીત 160 મિલિયન કેરેટની ખાધ રહેવાની ધારણા છે.આ ઘટના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક ઉમદા તક છે.જો કે ભારત આજે સીવીડી હીરાનો અગ્રણી નિર્માતા અને નિકાસકાર દેશ બની ગયો છે.

સહુ કોઇ જાણે છે કે કુદરતી હીરાની સાથે સુરત હવે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં મક્કમતાથી પ્રગતિ કરી રહ્યુ છે.વૈશ્વિક અહેવાલ મુજબ આગામી ગણતરીના વર્ષોમાં સુરત લેબગ્રોનના ઉત્પાદનમાં વિશ્વ ચેમ્પિયન બને તેવા તમામ ઉજળા સંજોગો છે.સુરતમાં લેબગ્રોનનું ઉત્પાદન,રફ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટે મેન્યુફેકચરીંગ ટ્રેડીંગ અને નિકાસ ઝડપથી વધી રહી છે.આ સેક્ટરની ઝડપી વૃદ્ધિને જોતા વિપુલ પ્રમાણમાં રોજગારીની પણ તકો ઉપલબ્ધ થવાની છે.ભારતમાં લેબગ્રોન કે કુદરતી હીરાને તરાશવા માટેની ટેકનોલોજી વિકસિત કરનારી અનેક અગ્રણી ટેકનોક્રેટ કંપનીઓ છે.આ કંપનીઓએ ભારતના હીરા ઉદ્યોગના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં અત્યંત મહત્વનો રોલ નિભાવ્યો છે.

વિશ્વભરના જ્વેલરી ઉત્પાદનમાં લેબગ્રોન ડાયમંડને સ્થાન મળ્યુ છે.અમેરીકા,ચાઇના સહીત અનેક દેશોમાં લેબગ્રોનની ડિમાન્ડ પૂરજોશમાં વધી રહી છે.કુદરતી ડાયમંડના કુલ વેપારનો 20 ટકા જેટલો હિસ્સો લેબગ્રોન હીરાએ પ્રાપ્ત કર્યો છે.કુદરતી હીરાના ખોદકામમાં પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થતુ હોવાના આક્ષેપો થાય છે.વર્તમાન યુવા પેઢી ખૂબ જ અલગ રીતે વિચારતી હોય છે.પોતાના સ્વજનને સંઘર્ષથી ખરડાયેલી ભેટ આપવા માંગતા નથી.વળી જે હીરો તેમના હાથમાં છે તે ઘર્ષણથી મેળવવામાં આવ્યો છે કે કેમ તે અંગેની પૂરતી અને પ્રમાણિક માહિતી તેમની પાસે હોતી નથી.પરિણામે યુવાપેઢી લેબગ્રોન ડાયમંડની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.ગ્રાહકોની દ્રષ્ટિએ જોઈએ તો કુદરતી હીરાની સરખામણીએ લેબોરેટરીમાં તૈયાર થયેલા ડાયમંડની કિંમત પણ ઓછી હોય છે.