તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)માં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ(Group Captain Varun Singh)નું આજરોજ નિધન થયું છે. ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું, ‘ભારતીય વાયુસેના બહાદુર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહના નિધન વિશે જણાવતા ખૂબ જ દુઃખી છે. આજે સવારે તેમનું નિધન થયું હતું. 08 ડિસેમ્બર, 2021ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા હતા. ભારતીય વાયુસેના તેની ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂત રીતે ઊભી છે.
IAFના ટ્વીટને રીટ્વીટ કરતા ભારતીય સેનાએ કહ્યું, ‘જનરલ એમએમ નરવણે COAS અને ભારતીય સેનાના તમામ રેન્ક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન પર દિલથી શોક વ્યક્ત કરે છે. જેનું આજે સવારે 8 ડિસેમ્બર, 2021ના રોજ કુન્નુરમાં દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ મૃત્યુ થયું હતું.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી છે. તેમના અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની આ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.
અમિત શાહે શોક વ્યક્ત કર્યો:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું, “કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. બહાદુર જવાનની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને શક્તિ મળે.
હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા:
બુધવાર, 8 ડિસેમ્બરના રોજ, તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં સવાર કુલ 14 લોકોમાંથી તે જ દિવસે 13 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 જવાનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયો હતો. બેંગ્લોરની મિલિટરી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.