ઓનલાઈન જુગારના 2 કરોડની વસુલાત માટે વરાછાના હીરા વેપારીનું અપહરણ કરીને માર મરાયો

DIAMOND TIMES : નાના વરાછાના એક હીરાવેપારીનું સટ્ટાના 2 કરોડ બાબતે જૂના ભાગીદારે 3 સાગરિતોની મદદથી ચપ્પુની અણીએ લકઝરીયસ કારમાં અપહરણ કરી માર માર્યો હતો. પોલીસે હીરાવેપારીની ફરિયાદના આધારે જૂના ભાગીદાર વિરલ ઘનજી વાઘાણી (રહે. મમતા પાર્ક, કાપોદ્રા, મૂળ રહે-ભાવનગર) અને તેના 3 સાગરિતો સામે ધમકી અને અપહરણનો ગુનો નોંધ્યો છે. હાલમાં ચારેય આરોપી ફરાર છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

નાના વરાછા, ચીકુવાડી ખાતે રહેતા 35 વર્ષીય દીપક હીરાનો વેપાર કરે છે.દોઢ વર્ષ પહેલા દીપક ભાગીદારીમાં વિરલ વાઘાણી સાથે જમીન લે- વેચનો ધંધો કરતો હતો.વિરલ સટ્ટાનું નેટવર્ક પણ ચલાવતો હતો.સટ્ટો રમવા દીપકે વિરલ પાસેથી આઈડી-પાસવર્ડ લીધા હતા અને તેના હસ્તક બીજા ગ્રાહકો પણ સટ્ટો રમતા હતા.જેમાં 2 કરોડ રૂપિયા હારી ગયા હતા.જેનો હવાલો હીરા વેપારીએ લીધો હતો.

જેથી વિરલ 2 કરોડ દીપક પાસેથી માંગતો હતો.વિરલે 2 મહિના પહેલાં રૂપિયા માટે દીપકના ઘરે જઈ ગાળાગાળી પણ કરી હતી.દરમિયાન દીપક 26મી રાત્રે દીપકના મિત્રએ આયોજન કરેલી નવરાત્રીમાં ગયો હતો.ત્યાથી તે મોડીરાતે તે કારમાં ઘરે પરત આવતો હતો.એ સમયે કાપોદ્રા ધારૂકાવાળા કંમ્પાઉન્ડના ગેટ પાસે તેણે કાર મૂકી એટલામાં એક લકઝરીયસ કારમાં 3 બદમાશો આવ્યા હતા અને દીપકની પાસે કારનો કાચ ખોલાવી માર મારી નીચે ઉતારી ચપ્પુની અણીએ બળજબરીપૂર્વક લકઝરીયસ કારમાં અપહરણ કરી ગયા હતા.આરોપીઓએ દીપકને મારી નાખવાની ધમકી આપતા ગભરાઈ ગયેલા દીપકે ‘કાલે બધુ થશે.અત્યારે મને ઉતારી દો’ એવું કહેતા તેઓ દીપકને નાના વરાછા ચોપાટી પાસે ઉતારી ભાગી ગયા હતા. દીપકે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓ હીરા વેપારી દીપકનું અપહરણ કરી પાસોદરા લઇ ગયા

આરોપીઓ દીપકને કામરેજ મેઇન રોડ થઈ સુરત ગઢપુર રોડ પર પાસોદરા ખાતે વિરલની બાંધકામની સાઇડ પર લઈ ગયા હતા. ત્યાં વિરલે પણ ગાડીમાં બેસી દીપકને હાઇવે તરફ લઈ ગયા હતા.વિરલે ધમકી આપી કે મારા 2 કરોડનું શું ? જેના જવાબમાં હીરા વેપારીએ કહ્યું કે મેં તો તમને અગાઉ હવાલો આપી દીધો છે.ત્યારે વિરલે તેને મારી નાખવાની ધમકી આપતા જણાવ્યું કે હતુ કે પોલીસમાં ફરિયાદ કરશે તો ઘરના સભ્યોને ઉપાડી લઈશું.