આજથી હીરા ઉદ્યોગમાં વેકેશન પુર્ણ,પરંતુ રફ હીરાના પુરવઠાની તંગી એક મોટી સમસ્યા

30

DIAMOND TIMES – કોરોના મહામારીની સમાપ્તિ પછી આજથી શૈક્ષણિક વેકેશનની સાથે હીરા ઉદ્યોગમાં દીવાળી વેકેશન પણ પુર્ણ થયુ છે.સ્કુલ-કોલેજોની સાથે હવે હીરાના કારખાનાઓ પણ કાર્યરત થતા હીરા ઉત્પાદન કાર્ય પણ ધીમે ધીમે શરૂ થયુ છે.સુરત ઉપરાંત ગુજરાતના ગ્રામ્ય અને તાલુકા-જીલ્લા મથકે કાર્યરત હીરાના કારખાનોમાં પણ શરૂ થઈ ચુક્યા છે.પરંતુ કાચામાલ રફ હીરાના પુરવઠાની તંગી એક મોટી સમસ્યા બની છે.

વૈશ્વિક હીરા-ઝવેરાત બજારની ગતિવિધી પર નજર કરીએ તો અમેરીકામાં આગામી નાતાલ અને લગ્નસરાની સિઝનના પગલે પોલિશ્ડ હીરા અને ઝવેરાતનું ટ્રેડિંગ મજબૂત અને ડીમાન્ડ દીવાળી પહેલાના સ્તરે છે.આ ઉપરાંત યુરોપ , ચીન , હોંગકોંગ અને મધ્યપુર્વના દેશોમાં પણ તૈયાર હીરા અને ઝવેરાતની સારી માંગ છે.આ બાબત જોતા આગામી મહીના ઓમાં પણ તેજી જળવાઈ રહેવાની જાણકારો સંભાવનાઓ વ્યકત કરી રહ્યાં છે.

રફ હીરાના પુરવઠાની સમસ્યાના કારણે હજુ 25 ટકા યુનિટો બંધ : દામજીભાઈ માવાણી , મંત્રીશ્રી સુરત ડાયમંડ એસોસિયેશન

સુરત ડાયમંડ એસોસિયેશન મંત્રીશ્રી દામજીભાઈ માવાણીએ કહ્યુ કે રફ હીરાના પુરવઠાની સમસ્યા એક મોટો પડકાર બની છે.સુરતના હીરા ઉદ્યોગની વાત કરીએ તો નાના મોટા કુલ છ હજાર યુનિટો પૈકી આશરે 75 ટકા યુનિટો કાર્યરત થઈ ચુક્યાં છે.પરંતુ રફ હીરાની શોર્ટેજના હીસાબે અંદાજે 25 ટકા જેટલા યુનિટો હજુ પણ બંધ છે.જે આગામી અઠવાડીયે શરૂ થવાની ધારણા છે.સ્કુલમાં વેકેશન પુર્ણ થતા રત્નકલાકારોની 80 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

વૈશ્વિક હીરા બજારની ગતિવિધી અંગે પ્રતિભાવ આપતા તેમણે ઉમેર્યુ કે વૈશ્વિક બજારમાં પોલિશ્ડ હીરા અને ઝવેરાતની માંગ વધતા દીવાળી પહેલાનો તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે.ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ હીરા ઉદ્યોગમાં તેજી રહેવાની પ્રબળ સંભાવનાઓ છે.મુંબઈના હીરા બજારની વાત કરીએ તો દીવાળી પહેલાના સમયની તુલનાએ પોલિશ્ડ હીરાની કીંમતોમાં સરેરાશ પ્રતિ કેરેટ રૂપિયા 1 હજારથી વધુનો ભાવ વધારો થયો છે.જો કે દીવાળી પહેલા રફ હીરાની કીંમતોમાં પણ વધારો નોંધાયો હતો.જેના કારણે તૈયાર હીરાની કીંમતોમાં વધારાથી કારખાનેદારોને મોટો ફાયદો મળ્યો નથી.