અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનને ફેંક્યો સીધો પડકાર

103

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના પ્રથમ રાજકીય ભાષણમાં ચીનને સીધો પડકાર ફેંક્યો છે.બાઈડને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ચીન દ્વારા થઈ રહેલા આર્થિક શોષણનો આપણે મુકાબલો કરીશું.ચીન દ્વારા માનવાધિકારોના થઈ રહેલા ઉલ્લંઘન,બૌધ્ધિક સંપદાની થઈ રહેલી ચોરી અને બીજા દેશો પર ચીન દ્વારા થઈ રહેલી દાદાગીરીને રોકવા માટે અમેરિકા કઠોર કાર્યવાહી કરશે.

અમેરિકાએ જે પડકારોનો સામનો કરવાનો છે તેમાં ચીનની વધતી જતી મહત્વકાંક્ષા અને લોકતંત્રને નુકસાન પહોંચાડવા માટે રશિયા દ્વારા થઈ રહેલી કામગીરીનો સમાવેશ થાય છે. સાથે સાથે કોરોનાની મહામારી, ક્લાઈમેટ ચેન્જ પણ અમેરિકા સામેના મોટા પડકારો છે.બાઈડને ઉમેર્યુ કે અમેરિકાના હિતની વાત હશે તો અમે બિજિંગ સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.અમે અમારા સહયોગી દેશો સાથે કામ કરીને આંતરરાષ્ટ્રિય સ્તરે અમેરિકાની ભૂમિકાને નવુ રૂપ આપીશું.હવે મારી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકાની ભૂમિકાને વધારવા માટે કામ શરૂ કર્યુ છે. ચીન દ્વારા થઈ રહેલા આર્થિક શોષણ સાથે કામ પાર પાડવાની સરકાર પ્રાથમિકતા આપી રહી છે.