હીરા ઉદ્યોગ માટે રાહતના સામાચાર : અમેરીકાએ કોરોના સામે જંગ જીત્યાની કરી ઘોષણા

 અક્ષય તૃતીયાના ઐતિહાસિક દિને કોરોના સામે પ્રથમ સફળતા જાહેર કરતું અમેરિકા,નાગરીકોને માસ્ક પહેરવામાથી મુક્તિ

DIAMOND TIMES- આજે અમેરિકા માટે એક મહત્વની સફળતાનો દિવસ છે.લાંબા સમયથી કોરોના સામેના જંગમાં આ એક ‘મહાન’ દિવસ છે,આ શબ્દો છે અમેરિકા પ્રમુખ જો બાઈડનના,જેમણે કહ્યું કે અમેરિકાએ એક મહત્વની સંયુક્ત સફળતા મેળવી છે.પ્રમુખ બાઈડને જાહેર કર્યુ છે કે જે નાગરીકોએ મોર્ડનાના એક ડોઝ અને અન્ય વેકસીનના બે ડોઝ લીધા છે તેઓને હવે જાહેર સ્થળોએ,ભીડમાં કે પછી અન્યત્ર કોઈ પણ સ્થળે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહી.

પ્રમુખ બાઈડને અમેરિકાના વેકસીનેશન પ્રોગ્રામને સફળતાના અંતિમ પડાવ ભણી લઈ જવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે આપણી પાસે બે વિકલ્પ હતા.માસ્ક પહેરો અથવા વેકસીનેશનનો કાર્યક્રમ પુરો કરો,જેઓએ વેકસીનના ડોઝ લઈ લીધા છે તેઓને હવે માસ્ક પહેરવાની જરૂર નથી. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે અને વેકસીનેશન વધી રહ્યું છે અને તેથી હવે આપણો દેશ સામાન્ય સ્થિતિ ભણી જઈ રહ્યો હોવાનો દાવો અમેરિકાના પ્રમુખે કર્યો છે.અમેરિકાના સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન દ્વારા આ સાથે કોરોના ગાઈડલાઈનમાં બદલાવ કરવામાં આવ્યો છે.કોરોના વેકસીન હાલના તમામ વેરીએન્ટ સામે સફળ રહી છે

ફકત કલીનીકલ ટ્રાયલ જ નહી સામાન્ય વ્યક્તિ પણ જેણે વેકસીન લીધી છે તે સુરક્ષિત છે.તેથી તેને માસ્ક માટેની મુક્તિ આપવામાં આવી છે.તેઓને હવે કોરોના થવાની શકયતા ખૂબ જ ઓછી છે.આ ઉપરાંત તે અન્યને સંક્રમીત પણ કરી શકતો નથી.અમેરિકાએ હવે 12 થી 15 વર્ષના ટીનએજર્સને પણ વેકસીન આપવાનું શરૂ કર્યુ છે.અમેરિકાએ ચોથી જુલાઈ સુધીમાં 70 ટકા વયસ્ક નાગરીકોને વેકસીનનો એક ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.