ઓલ ટાઈમ હાઈ રફ વચ્ચે પોલિશ્ડ હીરાની કીંમતોમાં અપર સર્કિટ

DIAMOND TIMES – ઓલ ટાઈમ હાઈ અને અપર સર્કિટ જેવા શબ્દો વાંચીને તમોને એમ થતું હશે કે શેરબજારની ભાષા હીરા બજારમાં ક્યાંથી આવી ?. પરંતુ આ પરિવર્તનની ભાષા છે.અત્યાર સુધીનો સિનારીયો એવો હતો કે જ્યારે રફનાં ભાવો વધતા ત્યારે પોલિશ્ડમાં માત્ર નજીવો વધારો આવતો,રફની કીંમત ગમે તેટલી વધી હોય પરંતુ પોલિશ્ડનાં ક્યારેય અપર સર્કિટ લાગી નથી.પરંતુ દિવાળી પછી બજારમાં તૈયાર હીરામાં આવેલો અચાનક તિવ્ર ઉછાળો એ કોઈ સર્કિટથી કમ નથી. તૈયાર હીરાનાં ભાવોમાં જોવા મળેલી અત્યાર સુધીની આ ઐતિહાસિક તેજી છે.બજારની આ પરિવર્તનકારી પેટન્ટની મદદથી બજારની ચાલ અને હીરા બજારની આગામી ગતિવિધી વિશે સમજવા પ્રયાસ કરીએ.

રફ…બરફ (નરમ) નહીં ગરમ,રફની કીંમતો બે લગામ બની

તૈયાર હીરામા ભુતકાળમાં આવેલી તેજી અને વર્તમાન તેજી વચ્ચે ઘણો ફરક છે. ભુતકાળની વાત કરીએ તો તૈયાર માલમાં તેજી હોવા છતા તેની મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં તેની અસર જોવા મળતી હતી.રત્નકલાકારોની રજાઓ કેન્સલ થતી અથવા તો ઓવર ટાઈમ કરવાની નોબત આવતી. તેની તુલનાએ વર્તમાન સમયે હીરા ઉદ્યોગ માં અનેક ગણી તેજી હોવા છતા કેટલીક મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ કામના કલાકો ઘટાડ વાની ફરજ પડી છે.તેનું મુખ્ય કારણ રફ હીરાની વધેલી કીંમતો અને પુરવઠા ની તંગ સ્થિતિ છે.

દિવાળી વેકેશન પહેલા તૈયાર હીરાની જબરી માંગ હતી.પરંતુ કારખાનેદારો માલનું વેંચાણ કરવા ખચકાટ રાખતા હતા.કારણ કે રફ હીરાની સતત વધતી જતી કીંમતના આધારે ગણતરી કરતા તેની ઉંચી ઉત્પાદન કોસ્ટથી ભારે ડર અનુભવતા હતા.જેમ કાકડાનો અસહ્ય દુઃખાવો હોય એમ નવી રફનાં આંકડા ટેબલમાંથી બાંકડા થઈ જશે એવી દહેશત કારખાનેદારોને સતાવતી હતી.જેથી તેઓ દિવાળીનાં બે મહિના પહેલા જ સાવચેત થઈ ગયા હતા.

જૂની રફ્નો જેમની પાસે સ્ટોક હતો એવા કારખાનેદારોને જાજુ ટેન્શન ન હતુ.પરંતુ આવા કારખાનેદારોની સંખ્યા બહુ જુજ હતી.એ સિવાયના કારખાનેદારોની હાલત કફોડી બની ગઈ હતી.કારણ કે સ્ટાફને સાચવી રાખવાની જવાબદારીએ એ મુશ્કેલ કામ હતુ.જેથી મોટાભાગના યુનિટોએ કામદારોને જરૂર પૂરતું જ કામ આપીને કારખાનાઓ ચાલુ રાખ્યા હતા.ભુતકાળ પર નજર કરીએ તો ઓર્ડરપુરા કરવાની જવાબદારીના કારણે દિવાળી અગાઉ કારખાનાઓમાં ઓવર ટાઈમ કરવામાં આવતો હતો.પરંતુ આ વખતે દીવાળીના વેકેશન પહેલા પહેલી વખત થયું હતુ કે ઓવરટાઈમ સાઈડ પર રાખીને કારખાનાઓમાં ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો હતો.દિવાળી અગાઉ કારખાનાઓમાં જ્યારે ઓવરટાઈમની બોલબાલા હોય છે ત્યારે આ વખતે કારખાનાઓમાં રજાની બોલબાલા હતી.આનું કારણ માત્ર ને માત્ર…રફની કીંમતોમાં થયેલા વધારાનો ખૌફ હતો.

ડીમાન્ડ અને સપ્લાયની ઉમદા સ્થિતિના કારણે માર્કેટ બન્યું રોકેટ

દિવાળી પહેલાનાં અંકમાં અહીં લેખ હતો કે રફની રામાયણ માર્કેટમાં મહાભારત સર્જે એવી દહેશત છે.આ દહેશત સાચી પડી છે.હીરા બજારનાં ઈતિહાસમાં તૈયાર માલોમાં ક્યારેય જોવા ના મળી હોય એવી તેજી જોવા મળી છે.જેનું મુખ્ય કારણ રફનાં ભાવોમાં અમર્યાદિત વધારો છે.જેના લીધે દિવાળી અગાઉ બે મહિના પહેલા મુકાયેલો પ્રોડક્શન કાપને લીધે તૈયાર માલોમાં રોકેટ ગતિએ ભાવ વધારો જોવા મળ્યો હતો.જાણકારોના મતે રફ ડાયમંડ વધી ગયેલા ઉંચા દરના સામે પોલિશ્ડ ડાયમંડના દર સ્થિર રહેતા નુક્સાનીથી બચવા માંગ પ્રમાણે પ્રોડક્શન થયું હતું.હજુ પણ તૈયાર માલની શોર્ટેજ હોય જેના કારણે હાલની માફક હજુ તૈયારના દર વધે તો હિરાઉદ્યોગને લાભ થશે.

મોટા કરતા નાના માર્કેટએ માર્યા મોટા કુદકા

નાના વ્યાપારીઓ નાના માર્કેટ માંથી તૈયાર માલ લઈ એસોર્ટ અને નંબર કરી મોટા માર્કેટમાં વેચે છે.પરંતુ આ તેજીથી એમનું ગણિત બગડી ગયું છે. નાના માર્કેટમાં તેઓ માલ ખરીદતી વખતે નંબર કરી આંકડા કાઢતા હોય છે,જેથી તેઓ માલ ખરીદી શકે.પરંતુ બજારમાં આવેલી જબરદસ્ત તેજીનાં લીધે એમની જૂની થિયરી મુજબ ખરીદી શક્યા નથી.તૈયાર માલની ખરીદીની વ્યુહરચનામાં એમને પરિવર્તન કરવાની ફરજ પડી છે.આંકડા કાઢીને માલ લેવાની વાત તો દૂર છે પણ મહત્તમ ભાવો મૂકી આંખ બંધ કર્યા પછી માંગે તો જ માલ મળે એમ છે.આ તેજીએ એક નવો આયામ પ્રસ્થાપિત કર્યો છે.એ છે…ઉલ્ટી ગંગા. નાના નાના માર્કેટમાં મોટી તેજી જોઈને તૈયાર હીરા મોટા માર્કેટમાં નાના માર્કેટમાં વેંચાણ માટે આવી રહ્યો છે.માર્કેટમાં જે બાજુ પવન એ બાજુ પ્રવાહનો દોર જોવા મળી રહ્યો છે.

તૈયાર હિરા થયા રેર….વાતમાં આવ્યો ફેર

તેજીનાં લીધે સૌથી વધારે કફોડી હાલત દલાલ ભાઈઓની થઈ છે.પ્રથમ તકલીફની વાત કરીએ તો તેમની પાસે તૈયાર માલ આવતો નથી, અને આવે તો એ માલના વેચાણની લિમિટ વારંવાર ફરે છે.જેથી દલાલભાઈઓ પણ વેપારી પાસે વાત કરતા સંકોચ અનુભવે છે.હીરાનો વ્યાપાર વિશ્વાસ અને વચન પર નિર્ભર છે.જેથી હીરાની વેંચાણ કીંમતનો આંકડો એક વખત બોલી ગયા પછી પાછું વળીને જોવાનું ના હોય એવી હીરા બજારમાં છાપ છે.પરંતુ વેંચાણકર્તા પાર્ટી તરફથી વારંવાર લિમિટ પરિવર્તનથી માર્કેટમાં માણસની પરખ થઈને એમના દ્વારા અપાતી જબાનની કિંમત ઓછી થઈ છે.

સેલર માર્કેટ…સબકા સમય આતા હૈ બોસ

એક વાત તો ચોક્કસ છે રફની જેમ તૈયાર માલ માટે આવો સારો સમય ભાગ્યે જ આવે છે.જેમણે માર્કેટમાં 50-50 વર્ષ કાઢી નાખ્યા છે એવા વડીલો, તજજ્ઞો અને જાણકારો પણ કહી રહ્યા છે કે તૈયાર માલ માટે આવો સારો સમય અમે ક્યારેય જોયો નથી.એક કારખાનેદારે કહ્યુ કે અત્યાર સુધી તૈયાર વાળા અમોને દબાવ્યે રાખતા હતા.અંદરો અંદર સ્પર્ધા ઓ કરાવી નીચા ભાવે માલ પડાવી અમારી મજબૂરીનો લાભ લેતા હતા.પરંતુ સમય દરેકનો આવતો હોય છે.અમે પણ જાણીયે છીએ કે આ સ્થિતિ કાયમ નહીં રહે,પરંતુ આ તેજીથી તૈયાર માલ લેવા વાળાની માનસિકતામાં પરિવર્તન ચોક્કસ થી આવશે.આ પરિસ્થિતિથી અમોને જોવાનો એમનો દ્રષ્ટિકોણ ચોક્કસપણે બદલાશે.તૈયારનાં ટ્રેડિંગ માર્કેટમાં ઘણા જુના જોગીઓ બેઠા છે.આવા નિર્ણાયક સમયે અમુક જીગરજાનો સમય સાથે ચાલી ટ્રેડિંગ માર્કેટનું નેતૃત્વ કરી નવા લીડરો બની રહ્યા છે.

રોકડું માર્કેટ…તૈયાર માલનાં ધારાધોરણોમાં પહેલી વખત પરિવર્તન

કારખાનેદારોનાં હિત માટે અગાઉ નાના નાના માર્કેટમાં ડાયમંડ એસોસિએશન દ્વારા ધારાધોરણ પરિવર્તન માટે સર્ક્યુલેશન જાહેર કરાતુ હતુ.જેમાં તૈયાર માલ લેવા વાળા તમામ નિયમો કે સિધ્ધાંતોને ઘોળીને પી જતા હતા.પરંતુ વર્તમાન તેજીમાં નાના માર્કેટોમાં ધારાધોરણ અને ટર્મમાં હવે આપોઆપ પરિવર્તન આવ્યુ છે.ખરીદદારો સેલરની ટર્મ અને કન્ડીશનને અનૂરૂપ થઈને તૈયાર હીરાની ખરીદી કરવા લાગ્યા છે.અગાઉ બાયરની ટર્મ અથવા અમુક ઉધારી હોય તો જ માલ બતાવવો એવો આગ્રહ રાખવામાં આવતો,જ્યારે હવે જેમ સેલર કહે તેમ થાય છે.

આ બધી બાબતો વચ્ચે એક વાત પાક્કી છે કે માર્કેટમાં રફ કંપનીઓ કિંગ બનીને બહાર આવી છે.બજારમાં એ જેમ કહે એમ થાય છે.પરંતુ એવી તેજી પણ શું કામની જ્યાં કોઈને કામ કરવું હોય તો કરી ના શકે.ચાર દિનકી ચાંદની.. ફિર અંધેરી રાત.., એવું ના થાય એ હેતુથી રફ કંપનીઓએ પોતાનો સ્વાર્થ છોડીને માર્કેટનાં હિત માટે વિચારવું પડશે.જેથી કારખાને દારોને પરવડે તેવી કિંમતે રફ મળી રહે.તૈયાર માલોનું તેઓ સરળતાથી વેચાણ કરી શકે.યુનિટમાં સમયનો કાપ કે રજા ના પડે અને રત્નકલાકારો ભાઈઓને રોજગારી મળી રહે,નાના વેપારીને માલ મળે અને જવેલરી સુધી આખી ચેનલનો વહીવટ સરળ, સહજ અને સફળ થાય જેમાં બધા માટે સારું થાય અને માર્કેટમાં સલામત વાતાવરણનું સર્જન થાય તેની ખાસ આવશ્યકતા છે.