અભુતપુર્વ જનતા શિસ્ત : ચેમ્બરના ‘બ્રેક ધ ચેઇન’ અભિયાનને સાર્વત્રિક આવકાર

1786
ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા બે દીવસ કામકાજથી અળગા રહેવાના લેવાયેલા નિર્ણયને પગલે મહીધરપુરા, મીનીબજાર,ચોકસી બજાર સહીત સુરતના તમામ હીરાબજાર સ્વૈચ્છિક રીતે થયા લોકડાઉન…

DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી ચલાવવામાં આવેલા ‘બ્રેક ધ ચેઈન’ અભિયાનને અનુલક્ષીને હીરા બજાર, હીરા ઉદ્યોગ સહીત સમગ્ર ટેકસટાઈલ માર્કેટ વિસ્તાર સંપૂર્ણ સજ્જડ રીતે બંધ રહ્યો છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે ૧પ૦થી વધુ એસોસીએશનોએ પોતાનો ટેકો જાહેર કરતા શુક્રવારે સાંજે શહેરીજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે આ અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી.જેને સમગ્ર સુરતની જનતાએ ઉત્સાહજનક પ્રતિસાદ આપીને ‘જાન હૈ તો જહાન હૈ ઉક્તિને સાર્થક ઠેરવી છે.

બીજી તરફ શનિવાર અને રવિવારના રોજ એમ બે દીવસ માટે મહિધરપુરા,મીનીબજાર,ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાળા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથીરિયા સહીતના આગેવાનોએ પણ સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ કરતા મીની બજાર, વરાછા રોડ અને મહિધરપુરા હીરાબજાર સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધ રહ્યા હતા.