કચનેર જૈન મંદિરમાં બે કિલો સોનાની મૂર્તિ ચોરી નકલી મૂર્તિ ગોઠવી દીધી, નકલી મૂર્તિનો ઢોળ ઉતરતાં પર્દાફાશ

ચિંતામણી પાર્શ્વનાથ પ્રભૂની મૂર્તિ ચોરી અને બદલી પ્રકરણથી જૈન સમુદાયમાં ભારે રોષઃ સીસીટીવી ફૂટેજની તપાસ

DIAMOND TIMES : થોડા સમય પહેલા જાલનાના જાંબ ગામમાં આવેલ રામમંદિરની પ્રાચીન મૂર્તિઓની ચોરીની ઘટના બની હતી. આ ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં ઔરંગાબાદ ખાતેના કચનેર જૈન મંદિરની મૂર્તિની પણ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે. જોકે અહીંયા અજાણ્યા ચોરટાઓએ ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની બે કિલોની સોનાની મૂર્તિ ચોરી તેના સ્થળે સોનાનો ઢોબ ચડાવેલ આબેહૂબ મૂર્તિ ગોઠવી દીધી હતી.

જોકે બનાવટી મૂર્તિનો રંગ ઉતરી જતા ચોરીની ઘટના બહાર આવી હતી. આ ઘટનાને લીધે ખળબળાટ મચી જવાની સાથે જૈનોમાં રોષ ફેલાતા જિલ્લાના એસ.પી. સ્વયં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ પ્રકરણે તપાસનો આદેશ આપ્યો હતો.

આ સંદર્ભે પોલીસે આપેલ પ્રાથમિક માહિતી મુજબ ઔરંગાબાદના કચનેરમાં શ્રી 1008 ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર આવેલ છે. થોડા સમય પહેલા અહીંયા મંદિર પ્રશાસન તરફથી બે કિલો વજનની સોનાની ચિંતામણી પાર્શ્વનાથ પ્રબુની મૂર્તિ બેસાડવામાં આવી હતી. જોકે અજાણ્યા વ્યક્તિઓએ મંદિરના ગભારામાંથી સોનાની આ મૂર્તિ ચોરી તેની જગ્યાએ પંચધાતૂની આબેહૂબ મૂર્તિ ગોઠવી દીધી હતી. શરૂઆતમાં તો મૂર્તિની અદલાબદલાની જાણ કોઇને થઇ નહોતી પણ મૂર્તિનો રંગ ફિક્કો પડવા માંડતા અને મૂર્તિના પગનો ભાગ ધોળો પડવા માંડતા શંકા ગઇ હતી.

આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ મૂર્તિનું વજન અને પરિક્ષણ કરવામાં આવતા આ મૂર્તિના વજન અને મૂળ મૂર્તિના વજનમાં ફેરફાર જણાયો હતો. આ ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. આ વાતની જાણ મંદિરના પ્રશાસન તરફથી પોલીસને કરવામાં આવી હતી. દરમ્યાન આ વાતની ગંભીરતા પારખી ઔરંગાબાદના એસ.પી. મનિષ કલવાનિયા સ્વયં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ જૈન મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.