પોલિશ્ડ હીરાની કીંમતોમાં કોઇ ફેરફાર નહી
DIAMOND TIMES– રફની ઉંચી કીંમત અને અમેરીકામાં ઉનાળુ વેકેશન વચ્ચે પણ બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે . અમેરીકા સહીત વિશ્વના અન્ય દેશોમાથી તૈયાર હીરાના અવિરત ઓર્ડરથી ભારતિય વેપારીઓના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે.સહુથી અગત્યની બાબત એ છે કે તૈયાર હીરાની કીંમતોમા કોઇ ફેરફાર થયો નથી. માસ્ટર્કાર્ડ ના અહેવાલ મુજબ ગત જુન મહીનામાં અમેરીકામાં જ્વેલરીના વેંચાણમાં 108 ટકાનો વધારો થયો છે.લક્ઝરી કંપની ઓના અહેવાલ મુજબ લકઝરી સેગમેન્ટમાં ઝવેરાતનું વેંચાણ પ્રથમ સ્થાને છે જેના પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે જ્વેલરી બજારે ઝડપી રિકવરી કરી લીધી છે.
લકઝરી કંપની રિચેમન્ટના અહેવાલ મુજબ પ્રથમ ક્વાર્ટરમાં કંપની દ્વારા થયેલા જ્વેલરીનું વેંચાણ 132 ટકા ના વધારા સાથે 3 બિલિયન ડોલર થયુ છે. પોલિશ્ડ હીરાના પુરવઠાની અછત અને સતત માંગ વચ્ચે પોલિશ્ડ હીરાના ભાવ મક્કમ છે. સુરતની હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓએ પોલિશ્ડ ઉત્પાદન વધાર્યું છે. ડીબીઅર્સ,એલોરોઝાએ પ્રથમ કવાર્ટર દરમિયાન રફ હીરાના ભાવમાં 14 ટકાનો વધારો કર્યો છે. ડીબીઅર્સનું બીજા કવાર્ટરમાં રફ ઉત્પાદન 134 ટકા વધીને 8.2 મિલિયન કેરેટ થયુ છે. તેમજ પ્રતિ કેરેટ સરેરાશ 135 ડોલરની કીંમતે 7.3 મિલિયન કેરેટ રફનું વેંચાણ કર્યુ છે. બીજા કવાર્ટરમાં અલરોઝાનું રફ ઉત્પાદનમાં પણ 22 ટકાના વધારા સાથે 7 મિલિયન કેરેટ થયુ છે. પ્રતિ કેરેટ સરેરાશ 96 ડોલરની કીંમતે 11.4 મિલિયન કેરેટ રફનું અલરોઝાએ વેંચાણ કર્યુ છે. ગત જુન મહીનામા બેલ્જિયમની રફ આયાત 187 ટકા વધીને 1 બિલિયન ડોલર થઈ છે.
ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ જ સકારાત્મક છે.પુરવઠાની અછત વચ્ચે સતત વધતી જતી માંગના પગલે તમામ કેટેગરીમાં મોટાભાગનાં ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો મજબૂત છે. અમેરીકા માં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગના વેંચાણમાં થયેલા સતત વધારાના પગલે ઓવલ કટ,પિયર્સ કટ,એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો નોંધાયો છે. એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના ભાવમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. અમેરીકાની સાથે ચીન તરફથી માંગ વધતા બજાર વધુ મજબુત છે.
અમેરીકાના બજારો : પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી સરભર કરવા કારોબારીઓ તૈયાર હીરાની ખરીદી કરી રહ્યા હોવાથી જુલાઈના પરંપરાગત ઉનાળૂ વેકેશન છતા પણ ટ્રેડીંગ ગતિશીલ છે. રફ હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે. જો કે કેટલીક નાની કંપનીઓ બજારની સ્પર્ધાનો સામનો કરવામાં અને ઓર્ડર પુર્ણ કરવા માં મુશ્કેલી અનુભવી રહી છે.બે કેરેટ રેન્જમાં H-M, SI કેટેગરીના હીરામાં માંગ છે. કોરોના મહામારીના કારણે રદ્દ થયેલા શુભ પ્રસંગના આયોજનના કારણે ગિફ્ટમાં ઉછાળાથી છૂટક ઝવેરીઓ ઉત્સાહિત છે .ઉલ્લેખનિય છે કે કારોબારી ઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.જો કે તૈયાર હીરાના પુરવઠાની અછતની સ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી.
બેલ્જિયમના બજારો : ત્રણ અઠવાડિયાના ઉનાળાના વેકેશન પૂર્વે ટ્રેડર્સ જરૂરી માલનો સ્ટોક ભરવામાં વ્યસત છે. અમેરીકા અને ચીનના બજારો તરફથી તૈયાર હીરાની માંગમા સતત વૃદ્ધિના પગલે હીરાની મોટાભાગની કેટેગરીમાં સ્થિર માંગ અને સકારાત્મક વલણ છે. ફેન્સી હીરાની ડીમાન્ડ તેજ હોવાથી તેના કારોબારમાં વધારો થયો છે. અમેરીકા, ચીન અને યુરોપિયન ઝવેરીઓની સતત માંગથી બજારનુ વલણ સકારાત્મક છે. રફની સતત વધી રહેલી કીંમતોને લઈને એન્ટવર્પના કારોબારીઓમાં ચિંતા છે.
ઇઝરાયેલના બજારો : અમેરીકાના બજારોની માંગના પગલે વિદેશના ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે.જો કે અમેરીકામા વેકેશનના પગલે તૈયાર હીરાનું ટ્રેડીંગ પ્રમાણમાં ધીમુ છે. રફ હીરાની કીંમતોમાં ઉછાળા વચ્ચે પણ તેની સોલિડ માંગ છે.1 થી 1.99 કેરેટમાં G-H, VS-SI, રેપસ્પેક એ 3 + કેટેગરીના હીરામાં બજાર સ્થિર છે. જો કે રફ હીરાની વધી રહેલી કીંમતોને લઈને કારોબારીઓની ચિંતા વચ્ચે રફના ભાવ વધારાના પગલે પોલિશ્ડના ભાવને ટેકો મળવાની અપેક્ષા છે.
ભારતના બજારો : યુએસ અને ચીનની માંગ મજબૂત હોવાના કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. 1 થી 2 કેરેટના G-I, VVS-VS2 કેટેગરીના હીરામાં મજબૂત માંગ વચ્ચે પુરવઠાની અછત છે. આવી સ્થિતિ વચ્ચે રફ હીરાની કીંમતોમાં સતત વધારો ચિંતાનો વિષય છે. તૈયાર હીરાની કીંમતોનો પણ પરપોટો ફૂટવાની દહેશત છે.મોટાભાગના હીરાના કારખાનાઓ 70 થી 80 ટકાની ક્ષમતાઓ સાથે ચાલી રહ્યા છે.
હોંગકોંગના બજારો : હોંગકોંગમાં હીરાનો કારોબાર ધીમો થયો છે.0.30 થી 0.80 કેરેટમાં D-I, VS-SI2,3 એક્સ કેટેગરીના હીરામાં ખરીદદારો રસ દાખવી રહ્યા છે. આગામી અઠવાડીયે આયોજીત થનાર હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી શો ના સકારાત્મક પરિણામને લઈને અપેક્ષા ખુબ ઓછી છે. ચીન સરહદ બંધ હોવાથી ઓનલાઇન અને સ્થાનિક સોર્સિંગ સુધી ચીનની ખરીદી મર્યાદિત છે. ચીનની જ્વેલરી કંપનીઓએ આગામી સિઝનને ધ્યાને રાખી હાલ તો ઝવેરાતના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.