મ્યાનમારના દુર્લભ રંગીન રત્નોના કારોબાર પર તવાઈ

947

મ્યાનમાર સરકારની માલિકીની જેમસ્ટોન કંપની મયન્મા જેમ્સ એન્ટરપ્રાઇઝને અમેરીકાએ કરી બ્લેક લિસ્ટ, માણેક અને નિલમ સહીતના રંગીન રત્નોના કારોબાર થકી મ્યાનમાર સૈન્યને વંચિત રાખવા અમેરીકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભર્યુ પગલું

DIAMOND TIMES – ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ગત ફેબ્રુઆરી મહીનામાં સૈન્યએ બળવો કરી ચૂંટાયેલી લોકશાહી સરકારના રાજ્ય કાઉન્સિલર આંગ સાન સુ કી અને સત્તાધારી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના અનેક નેતાઓની ધરપકડ કરી છે.સૈન્યએ લોકશાહીને ઉથલાવીને દેશમાં એક વર્ષ માટે લશ્કરી શાસન લાગુ કર્યું છે. ઉપ રાષ્ટ્રપતિ મેન્ટસ્વીનને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરીને તમામ સત્તા કમાન્ડર ઇન ચીફ મીન ઓંગ હલેંગને આપવામાં આવી છે.મ્યાનમારની પ્રજા રસ્તા પર ઉતરી લશ્કરી શાસન સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.આ વિરોધ પ્રદર્શનને દાબી દેવા મ્યાનમાર સૈન્યએ અનેક નિર્દોષ લોકો પર બેરહમીથી બળ પ્રયોગ કરતા અનેક નિર્દોષ લોકોના લોહી રેડાયા હોવાના અહેવાલ છે.મ્યાનમારમાં સૈન્યએ સત્તા કબજે કર્યા પછી 600 થી વધુ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે.મ્યાનમાર સૈન્યએ નિર્દોષ લોકો પર આચરેલી આ ક્રુરતાને અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોએ વખોડી કાઢી છે.

વિશ્વની અનેક સુંદરીઓને મ્યાનમારની ખાણમાથી ઉત્પાદીત દુર્લભ રત્નો જડીત અંલકારોનું આકર્ષણ છે.

દરમિયાન અમેરીકાએ મ્યાનમાર સરકારની માલિકીની જેમસ્ટોન કંપની મયન્મા જેમ્સ એન્ટરપ્રાઇઝને બ્લેક લિસ્ટ કરી છે.મ્યાનમાર સરકારના ખાણ મંત્રાલય હસ્તગતની કંપની મયન્મા જેમ્સ એન્ટરપ્રાઇઝ માણેક અને નિલમ સહીતના રંગીન રત્નોના ઉત્પાદન અને કારોબાર સાથે સંકળાયેલી છે.આ કંપની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અને દુર્લભ કેટેગરીમા આવતા 90 ટકા માણેક અને નિલમ ચીન સહીત વિશ્વના દેશોમાં સપ્લાય કરે છે.પરિણામે આ રંગીન રત્નોની આવકથી મ્યાનમાર સૈન્યને વંચિત રાખવા અમેરીકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મ્યાનમાર અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના કોઈપણ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે.યુ.એસ.ના સચિવ એન્ટોની બ્લિન્કને એક નિવેદનમાં કહ્યું છે કે મ્યાનમારમાં અન્યાયી રીતે અટકાયત કરાયેલા તમામ લોકોને મુક્ત કરી ફરીથી લોકશાહી નહી સ્થપાય ત્યા સુધી અમેરીકા મ્યાન્માર સાથેના પ્રતિબંધો ચાલુ રાખશે.