વેપારી સંગઠનોની માંગણીને લઈને આજની બેઠકમાં છૂટછાટની સંભાવના

687

DIAMOND TIMES – કોરોનાની ચેઈનને તોડવા રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. હવે આગામી પગલા તરીકે આજે મળનારી ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે.જેમા વિવિધ વેપારી એસોસીએશનોની માંગણીઓને અનુલક્ષીને સરકાર કામ-ધંધા,વેપારની છૂટ આપે તેવી શકયતા વચ્ચે રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવી સંભાવના છે.

ગુજરાતના અનેક વેપારી સંગઠનોએ આર્થિક પ્રવૃતિ ધમધમતી કરવા માટે મીની લોકડાઉનમાં છૂટછાટની માંગણી કરી છે.અત્રે એ નોંધનીય છે કે રાજ્ય સરકારે મીની લોકડાઉન અને 36 શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી હતી.તેની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે.જેથી મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુ વિશે આજે સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.

સરકારે મીની લોકડાઉન જાહેર કર્યુ છે.જેમાં દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપતા મોટાભાગની દુકાનો-બજારો બંધ છે.જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે.તેઓની દલીલ છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે.જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

વિવિધ વેપારી એસોસીએશનોની અપીલને ધ્યાને લઈને સરકાર મીની લોકડાઉનમાં છૂટછાટ આપશે તેવુ લાગે છે.પરંતુ રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવુ જણાય છે.સરકાર આ બાબતે આજ સાંજ સુધીમા કોઈ નિર્ણય જાહેર કરશે તેવુ જાણવા મળે છે.