એપ્રિલથી જંત્રીના દરમાં વધારો થવાની નવેસરથી અટકળો

480

જંત્રીમાં મામુલી ફેરફાર કે સરળીકરણ સામે વાંધો નથી,પરંતુ જો ધરખમ ફેરફાર થશે તો બિલ્ડર લોબીમાં તિવ્ર પ્રત્યાઘાતો પડવાની સંભાવનાઓ…

DIAMOND TIMES -ગુજરાતમાં છેલ્લા 11 વર્ષથી નહીં બદલાવાયેલા જંત્રીદરોમાં આગામી એપ્રિલ મહીનામાં બદલાવ થવાની અટકળોએ જોર પકડયુ છે.આ સંભાવનાઓના પગલે રીડેવલપમેન્ટ પ્રોજેકટ તૈયાર કરનારા બિલ્ડરો વધુ સાવધ થયા છે.આ સંભવિત પગલાથી રીડેવલપમેન્ટ પ્રોજેકટોમાં કોઈ કસ નહીં રહેવાની આશંકા છે.

રાજયના શહેરી વિકાસ વિભાગના આધારભૂત સૂત્રોએ કહ્યું છે કે નવા નાણાકીય વર્ષથી જંત્રીદરમાં બદલાવ કરવાની વિચારણા છે.જો કે તેમાં કેટલો વધારો કરાશે તે અંગે ભારે અનિશ્ર્ચિતતા છે.રીયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું હતું કે જંત્રી દરોમાં દસ વર્ષથી વધારો થયો નથી જેથી આ બદલાવ જરૂરી છે.જંત્રીમાં મામુલી ફેરફાર કે સરળીકરણ સામે વાંધો નથી.પરંતુ ધરખમ ફેરફારો થવાના સંજોગોમાં તીવ્ર પ્રત્યાઘાતો ઉભા થઈ શકે તેમ છે.કેટલાંક વખતથી સ્ટીલ-સિમેન્ટ સહીતના બાંધકામ મટીરીયલ્સમાં થયેલા ધરખમ ભાવવધારાથી બિલ્ડરોની હાલત નાજુક છે.આવી સ્થિતિ વચ્ચે પ્રોપર્ટી વધુ મોંઘી થઈ શકે પરિણામે બિલડર્સ અને ગ્રાહકોની ગણતરી વેરવિખેર થઈ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે રાજય સરકારની રીડેવલપમેન્ટ નીતિ અંતર્ગત પ્રોજેકટ મુકનારા બિલ્ડરો- ડેવલપરોને મોટો માર પડી શકે તેમ છે.કારણ કે સમગ્ર પ્રોજેકટ નવેસરથી ઘડવો પડશે.જેના કારણે ડેવલપરો પીછેહઠ કરશે તો વર્ષો જુના રીડેવલપમેન્ટ થતા આવાસોનુ ડેવલપમેન્ટ કાર્ય ખોરવાશે.જેનાથી નવા આવાસ મળવાનું લોકોનું સ્વપ્ન પણ રોળાઈ શકે છે.રીડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી નાખનારા એક બિલ્ડરોએ કહ્યું કે કોરોનાને કારણે આમેય પ્રોજેકટો ઢીલમાં પડયા છે.હવે કોઈ નવા પડકારો આવે તો બિલ્ડરોને રસ રહે તેમ નથી. જંત્રીદરનું સરળીકરણ કરવામાં આવે તો સારી વાત છે. રીડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરાયા બાદ હવે સરકાર પ્રોત્સાહન કે મદદ કરતી નથી.રીડેવલપમેન્ટ પ્રોજેકટમાં આવાસ ધારકોને વધુ મોટા ઘર આપવાના જ હોય છે.સાથોસાથ જીએસટી તથા સ્ટેમ્પ ડયુટી ડેવલપરે જ ભોગવવી પડતી હોય છે.