યુ-ટ્યુબમાંથી શીખી ઝવેરીની આંખમાં મરચું નાંખી 3.77 લાખ લૂંટનાર રત્નકલાકાર ઝબ્બે

21

DIAMOND TIMES : કતારગામમાં રહેતા રત્નકલાકારે 4થી 5 લાખનું દેવું ચુકવવા યુ-ટયુબ પર લૂંટનો વિડીયો જોઇ જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી સોનાની 5 ચેન રૂ.3.77 લાખની લૂંટ કરી ભાગી ગયો હતો. પોલીસે ફૂટેજના આધારે કલાકોમાં જ રત્નકલાકારને પકડી પાડી બાઇક અને 3 ચેઇન કબજે કરી છે. આરોપી ગ્રાહક બનીને લૂંટ કરવા આવ્યો ત્યારે બાઇક ચાલુ રાખ્યું હતું.

કતારગામ આંબાતલાવડીના મારૂતિ નંદન સોસાયટી સ્થિત જ્વેલર્સની દુકાનમાં રત્નકલાકાર હિતેશ વસાણી સવારે ગ્રાહક બનીને માસ્ક પહેરીને આવ્યો હતો. શરૂઆતમાં માલિક પાસે સોનાની ચેન જોવા માંગી હતી.જેમાંથી 2 ચેનની કિંમત પૂછી વજન કરવાની વાત કરી બેગમાંથી મરચાની ભૂકી કાઢી માલિકની આંખમાં નાખી 5 ચેન લઈ ભાગી ગયો હતો.

પોલીસ ફૂટેજ આધારે આરોપીના ઘર સુધી પહોંચી હતી. જો કે તે ઘરે ન હોવાથી તેના ભાઈનો સંપર્ક કરી આરોપી સુધી પહોંચી હતી. પોલીસે હિતેશ ભરત વસાણી (33)(રહે, નારાયણનગર) ની ધરપકડ કરી 3 ચેન રૂ. 2.37 લાખની અને બાઇક કબજે કર્યા છે.હિતેશને 5 લાખનું દેવું થઈ ગયું હતું, જે ચુકવવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.