DIAMOND TIMES – દેશમાં સોનાની માગ ચાલુ કેલેન્ડર વર્ષમાં છેલ્લાં દસ વર્ષોમાં સૌથી ટોચ પર રહેવાની શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે.તહેવારો અને ભરપૂર લગ્ન ગાળાને કારણે ઝવેરીઓએ સોનાનો નોંધપાત્ર સ્ટોક કર્યો હોવાનું કાઉન્સિલ જણાવે છે.2021માં ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જ્વેલર્સ તરફ્થી 96.23 ટન ગોલ્ડની આયાત થઈ હતી.જે ગયા વર્ષે સમાનગાળામાં 60.80 ટન પર જ હતી.આમ વાર્ષિક ધોરણે 60 ટકા જેટલી ઊંચી વૃદ્ધિ જોવા મળી છે.ગોલ્ડના ભાવ ગયા એક વર્ષમાં લગભગ સ્થિર જોવા મળ્યાં છે અને તેને કારણે પણ ખરીદી માટે સોનું આકર્ષક જણાઈ રહ્યું છે.
જો કન્ઝયૂમર માગ પર નજર નાખીએ તો ત્રીજા ક્વાર્ટરમાં તે 139.14 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 94.56 ટન પર હતી.આ જ રીતે ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 42.91 ટન પર રહી હતી.જે ગયા વર્ષે 33.77 ટન પર જોવા મળી હતી.આમ દેશમાં ત્રણેય પ્રકારની મુખ્ય માગ ઊંચી જોવા મળી હતી.
કાઉન્સિલના મતે કેલેન્ડર વર્ષ 2022માં પણ ગોલ્ડની માગ ઊંચી જળવાઈ રહેવાની શક્યતા છે.દેશમાં મોટા ભાગની સોનાની માગ આયાત મારફ્તે પૂરી થાય છે.કેમકે દેશમાં ગોલ્ડ માઈનીંગનું પ્રમાણ ઓછું છે.તેમજ રિસાઈક્લિંગ પણ ઓછું જોવા મળે છે.આયાતમાં 33 ટકા હિસ્સો ગોલ્ડ ઓરના સ્વરૃપમાં હોય છે.એટલે કે ગોલ્ડ માટેની કાચી ધાતુ હોય છે . જેને દેશમાં 32 જેટલી રિફઈનરીઝમાં પ્રોસેસિંગ મારફ્તે શુદ્ધ સોનામાં ફેરવે છે.જોકે રિફઈનરીઝને કાચી ધાતુના સપ્લાયની ખાતરી નહિ હોવાથી તેઓ મોટા પ્રમાણમાં પ્રોસેસિંગ હાથ ધરી શકતા નથી.જેને કારણે દેશમાં કુલ સપ્લાય નો નોંધપાત્ર હિસ્સો ગોલ્ડ આયાત મારફ્તે જ મેળવવામાં આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર કેલેન્ડર 2012માં દેશમાં ગોલ્ડની આયાત પર પ્રથમવાર ડયૂટી લાદવામાં આવ્યા બાદ પણ કિંમતી ધાતુની આયાતમાં વૃદ્ધિ નોંધાઈ હતી અને છેલ્લાં પાંચ વર્ષોમાં દેશમાં કુલ આયાતમાં મોટો હિસ્સો આયાત મારફતે મેળવવામાં આવ્યો હતો.જેમ કે કેલેન્ડર 2016-2020 વચ્ચે કુલ સપ્લાયનો 86 ટકા હિસ્સો આયાત મારફ્તે આવ્યો હતો. દેશમાં નીચા માઇનિંગ અને મર્યાદિત રિસાઇક્લિંગને લીધે ભારતે સ્થાનિક માગને પહોંચી વળવા માટે મોટે ભાગે બુલિયન આયાત પર આધાર રાખવો પડે છે.
છેલ્લાં વર્ષોમાં ઊંચી આયાત જકાત છતા પણ દેશમાં સોનાની સત્તાવાર આયાત સતત વધી રહી છે.2012માં પ્રથમ ડયૂટી વધારા બાદ અત્યાર સુધીમાં સત્તાવાર આયાત સરેરાશ વાર્ષિક 760 ટન રહી છે.ઊંચી આયાત જકાતને લીધે દક્ષિણ તથા પૂર્વના રાજ્યોમાં બિનસત્તાવાર આયાતમાં વધારો થયો છે.