અમેરિકાએ વ્યાજ દર 0.75 ટકા વધારતા ડોલર સામે રૂપિયો 80.60ના તળિયે

DIAMOND TIMES – અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજ દરમાં મોટો વધારો કરવાને પગલે ડોલર સામે રુપિયો કડડભૂસ થઇને 80.60 ના નવા તળિયે ધસી ગયો છે.

મોંઘવારીનો મુકાબલો કરવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં કેટલો વધારો કરે છે તેના પર દુનિયાભરની નજર હતી.ગઇરાતે 0.75 ટકાનો વ્યાજ દર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.કેટલાક દિવસોથી એવી આશંકા વ્યક્ત થતી હતી કે મોંઘવારી અને આર્થિક મંદીના ખતરાને ધ્યાનમાં રાખીને એક ટકાનો અભૂતપૂર્વ વ્યાજ દર વધારો કરાશે.પરંતુ ફેડરલ રિઝર્વે 0.75 ટકાનો વધારો કર્યો હતો.અમેરિકામાં આ સાથે વ્યાજ દર 3 થી 3.25 ટકા થયો છે. આવતા મહિનાઓમાં પણ મોંઘવારી સામે લડવા આ નીતિ ચાલુ રાખવાનો ઇશારો દર્શાવવામાં આવ્યો હતો.

ગત વર્ષની બોન્ડ યીલ્ડ 5 બેસીસ પોઇન્ટ વધીને 7.28 ટકા થઇ હતી. માત્ર ભારત જ નહીં એશિયાઇ દેશોની કરન્સી પણ દબાણમાં રહી હતી.ભવિષ્યમાં હજુ વ્યાજ દર વધારાનો ખતરો ઉભો હોવાના કારણે કરન્સીમાં દબાણ રહ્યું છે. દક્ષિણ કોરિયાની કરન્સી એક ટકા, ફિલીપાઈન્સની 0.73 ટકા, ચીનની 0.6 ટકા, જાપાનની 0.57 ટકા, થાઈલેન્ડની 0.51 ટકા, તાઇવાનની 0.5 ટકા, મલેશિયાની 0.36 ટકા, સિંગાપુરની 0.28 ટકાનો ઘટાડો સુચવતી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વેના નિવેદનમાં એવો ગર્ભિત ઇશારો પણ કરવામાં આવ્યો છે કે 2023 માં વ્યાજ દર અંદાજ કરતાં પણ વધુ રહી શકે છે અને ચાર ટકાથી પણ વધી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ માસાંતે ધિરાણ નીતિની સમિક્ષા કરવાની છે અને તેના દ્વારા પણ અપેક્ષા કરતાં મોટો વ્યાજ દર વધારો કરવામાં આવે તેવી શંકા ઉભી થવા લાગી છે. લીકવીડીટી ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘટીને અને મોંઘવારી પણ પડકારજનક છે ત્યારે રિઝર્વ બેન્કે પણ વ્યાજ દર વધારવાનું પગલુ લીધા સિવાય છૂટકો ન હોવાનું નિષ્ણાંતોનું માનવુ છે.