લેબગ્રોન હીરાની આભામાં અંજાઈ ગયુ અમેરીકા

બદલાતી ફેશનનો લાભ લેવા અમેરીકાની વિવિધ કંપનીઓએ પરિવર્તનનો રસ્તો અપનાવ્યો છે.એ જ પ્રકારે સુરતની પણ અનેક મોટી કંપનીઓ લેબગ્રોન હીરાના ક્ષેત્રમાં પ્રવેશવા થનગની રહી છે.જેમા કેટલીક સાઈટ હોલ્ડર્સ કક્ષાની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.આ માટે સુરતની કંપનીઓએ સર્વેક્ષણ હાથ ધર્યા છે,જેના ખુબ જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયા છે.

બીજી તરફ લેબગ્રોન ક્ષેત્રના ઝડપી વિકાસ માટે બજેટમા કેટલાક જરૂરી પગલા ભરવાની માંગ ઉઠી છે.જેમા લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા આયાત ડયુટી નાબુદ થાય તે ખાસ જરૂરી છે.લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા ડયુટી નાબુદ થાય તો હીરાની નિકાસ અને રોજગારીમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

DIAMOND TIMES – નાતાલ અને નવા વર્ષના વેકેશનના સમયગાળામાં અમેરીકા,યુરોપ સહીત વિશ્વના અનેક દેશોમાં હીરા અને ઝવેરાતનું અકલ્પનિય રીતે વિક્રમ જનક વેંચાણ થયુ છે.અમેરીકાની અગ્રણી માર્કેટ રિચર ફર્મ ધ નોટના તાજા સર્વેક્ષણ પછીના પરિણામોમાં બહાર આવ્યુ છે કે હીરા જડીત સોનાની સગાઈ રીંગની પસંદગીમાં અમેરીકા ના યુવાઓમાં ભારે પરિવર્તન આવ્યુ છે.આ યુવા હૈયાઓને હીરા જડીત સોનાની સગાઈ રીંગમાં કઈંક અલગ અને અધિક જોઇએ છે. સર્વેક્ષણના મુખ્ય તારણોમાંથી એક વાત કેન્દ્ર સ્થાને છે કે યુગલો સગાઈના આયોજન અને તેને સંલગ્ન ઝવેરાતની ખરીદી માટે અત્યંત વ્યક્તિગત અભિગમ અપનાવી રહ્યા છે.

ગત વર્ષ 2021ના ​​પ્રથમ 11 મહિના દરમિયાન સગાઈ કરનારા 5000થી વધુ લોકો પર ધ નોટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે 93 ટકા યુગલોની પ્રથમ પસંદગી હીરા જડીત સગાઈ રીંગ છે.કેટલાક ગણતરીના યુગલોએ તેની ઓનલાઈન ખરીદી કરી છે.પરંતુ 67 ટકા યુગલોએ સ્થાનિક જ્વેલર કે પછી જ્વેલરી સ્ટોર્સમાથી ખરીદી કરવાનું મુનાસિબ માન્યુ છે.મોટાભાગના યુગલોએ સગાઈ રિંગ પાછળ સરેરાશ 6000 ડોલર જેટલો ખર્ચ કર્યો હતો.જે વર્ષ 2019 ના 5,900 ડોલરના પ્રી-પેન્ડેમિક ખર્ચની તુલનાએ સુસંગત રહ્યો છે. બ્રિલિયન્ટ કટ ધરાવતા હીરા જડીત સગાઈ રીંગની સરેરાશ કિંમત 6800 ડોલર રહી છે.લગભગ 30 ટકા જ્વેલરી શોખિનોએ કહ્યું કે તેઓએ આ વર્ષે જ્વેલરીની ખરીદીમાં નિર્ધારીત બજેટ કરતા વધુ ખર્ચ કર્યો છે.

ધ નોટના સિનિયર ફેશન અને બ્યુટી એડિટર શેલી બ્રાઉને કહ્યુ કે ઓવલ કટ હીરા જડીત સોનાની રીંગમાં લેબગ્રોન હીરા અને અન્ય રત્નો લોકપ્રિયતા મેળવી રહ્યા છે.સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જનરલ ઝેડ સગાઈની વીંટી માટે લેબગ્રોન હીરામાં વધુ રસ દાખવી રહ્યાં છે. વિતેલા વર્ષ 2021માં સગાઈની રીંગના વેંચાણમાં લેબગ્રોન હીરા જડીત રીંગનો ત્રીજા ભાગનો હિસ્સો રહ્યો છે.જે છેલ્લા બે વર્ષમાં 11 ટકાનો વધારો દર્શાવે છે.

રાઉન્ડ હીરા 41 ટકા સાથે સૌથી વધુ લોકપ્રિય કટ રહ્યાં છે.તદ્દઉપરાંત ઓવલ કટ હીરાની લોકપ્રિયતામાં સતત વધારો જોવા મળ્યો છે. વ્હાઇટ ગોલ્ડ એન્ગેજમેન્ટ રિંગ્સની લોકપ્રિયતા ઘટી રહી છે.વર્ષ 2017માં વ્હાઇટ ગોલ્ડ એન્ગેજમેન્ટ રિંગ્સની લોકપ્રિયતા 61 ટકા હતી. પરંતુ ગત વર્ષ 2021 માં ઘટીને 45 ટકા થઈ ગઈ છે.સોનાની સગાઈની વીંટી લોકપ્રિયતા મેળવી રહી છે.જેમાં 11 ટકાનો વધારો થયો છે. 1.5 કેરેટ વજનના હીરા જડીત સગાઈ રીંગનું વેંચાણ પ્રથમ ક્રમે રહ્યુ છે.જ્યારે બે કેરેટથી વધુ વજનની હીરા જડીત સગાઈની વીંટીની ચાર પૈકી એક યુગલે પસંદગી કરી છે.ટૂંકમાં એમ કહી શકાય કે તહેવારોની મોસમમાં લેબગ્રોનનું વૈશ્વિક વેંચાણ પુરબહારમાં ખિલ્યુ હતુ.

સૌથી વધુ વેચાતી વસ્તુઓમાં એસ્ટેટ જ્વેલરી અને લેબગ્રોન હીરા મોખરે રહ્યાં : ઇલીન હોપમેન (હોપમેન જ્વેલર્સના માલિક) 

અમેરીકા સ્થિત એક વિખ્યાત જવેલરી કંપનીના જણાવ્યા અનુસાર ક્રિસમસના તહેવારોની સિઝન લેબગ્રોન હીરા-ઝવેરાતના મજબૂત વેચાણ પાછળનું પ્રેરક બળ હતું.જો કે તહેવારની સિઝન અગાઉ જ લેબગ્રોનનું વૈશ્વિક વેંચાણ એકંદરે અપેક્ષા કરતાં વધુ હતું.આવા સમયે લેબગ્રોન હીરા જડીત જ્વેલરીનું વેંચાણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યુ હતુ.સામાન્ય બ્રાઈડલ કેટેગરીમાં લેબગ્રોન જવેલરી વધુ મજબૂત હતી.વિતેલા કેલેન્ડર વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં તે ગ્રાહકોમાં અત્યંત લોકપ્રિય રહી હતી.

અમેરીકા સ્થિત જવેલરી કંપની હોપમેન જ્વેલર્સના માલિક ઇલીન હોપમેને કહ્યું કે વિતેલા સમગ્ર વર્ષમાં અમોએ સગાઈ રીંગનું ધુમ વેંચાણ કર્યુ હતુ.પરંતુ ક્રિસમસના તહેવારોની સિઝનમાં લોકો સગાઈની વીંટીની ખરીદીથી અલિપ્ત રહ્યાં હતા. અમારી કંપની દ્વારા સૌથી વધુ વેચાતી વસ્તુઓમાં એસ્ટેટ જ્વેલરી અને લેબગ્રોન હીરા મોખરે હતા.અમારી કંપની પ્રાકૃતિક હીરાના ઉત્પાદનોના વેંચાણને પ્રાધાન્ય આપતી હોવા છતા પણ સ્ટોરમાં ખરીદી માટે આવતા ગ્રાહકોમાં લેબગ્રોન હીરા જડીત બ્રેસલેટ અને સ્ટડ્સની વધુ માંગ જોવા મળી હતી.

ઓહિયો સ્થિત હગ જ્વેલર્સના માલિકે કહ્યુ કે હું લેબગ્રોનનો સમર્થક નથી.આમ છતા પણ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને તેનું વેંચાણ કરી રહ્યો છુ.અમારી અપેક્ષા કરતા લેબગ્રોન હીરા જડીત જવેલરીનું વેંચાણ ખુબ જ વધારે થયુ છે. વળી લેબગ્રોનની કિંમતમાં થયેલો ઘટાડો પણ એક મહત્વનું પાસુ હતુ.મને લાગે છે કે આગામી વર્ષે લેબગ્રોન હીરા હજુ પણ વધુ સસ્તા થઈ શકે છે.

આયોવા સિટીમાં આવેલા હર્ટીન એન્ડ સ્ટોકર જવેલરી સ્ટોરના માલિક વિલા ડિકન્સે કહ્યુ કે માત્ર ક્રિસમસના તહેવારોના સમયે જ લેબગ્રોન લોકપ્રિય થયા છે એવુ નથી.પરંતુ ક્રિસમસ અગાઉના કેટલાક મહીનાઓ દરમિયાન લેબગ્રોન હીરાના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. અન્ય કેટલાક રિટેલર વેપારીઓએ કહ્યુ કે કોવિડ -19 ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોની વચ્ચે પણ સ્ટોરમાં ભારે ટ્રાફિક સાથે લેબગ્રોન હીરાનું નક્કર વેચાણ તહેવારોની મોસમમાં ટોચ પર રહ્યુ હતું.

એક જ્વેલર્સના માલિક સ્ટુઅર્ટ બ્રાંડે કહ્યું કે આમ તો લેબગ્રોન દાગીનનું વેંચાણ દર વર્ષે લગભગ 20 ટકાના દરે વધી રહ્યુ છે.પરંતુ 2020 અને 2019ની સરખામણીમાં વર્ષ 2021 માં લેબગ્રોનના વેંચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.તેમણે તહેવારોની સીઝન દરમિયાન લેબગ્રોનના વેંચાણમાં 2020 ની સરખામણીમાં 60 ટકા અને અગાઉના વર્ષ કરતાં 45 ટકાનો વધારો થયો હોવાની અપેક્ષા વ્યકત કરી હતી.જો કે બજારના હકારાત્મક વાતાવરણ વચ્ચે જ્યારે વેંચાલા માલના પુરવઠાને ફરીથી ભરવાની વાત આવી ત્યારે કેટલાક જ્વેલર્સ માટે શિપિંગ-સંબંધિત પુરવઠાનો અભાવ સૌથી મોટી સમસ્યા હતી.

લેબગ્રોન હીરા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા બ્રાઈડલ માર્કેટથી લઈને ફેશન માર્કેટ સુધીનો મજબુત વિકલ્પ બની રહેશે : રિચાર્ડ ગારર્ડ 

લેબગ્રોન હીરા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા બ્રાઈડલ માર્કેટથી લઈને ફેશન માર્કેટ સુધીનો મજબુત વિકલ્પ બની રહેશે એમ ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશનના સ્થાપક સભ્ય રિચાર્ડ ગારર્ડએ એક અગ્રણી વેબસાઈટને આપેલી મુલાકાતમાં પોતાનો મત્ત વ્યકત કર્યો હતો. પાછલા ત્રીસ વર્ષથી લેબગ્રોન હીરાના શોધ-સંશોધન કાર્ય સાથે સંકળાયેલા રિચાર્ડ ગારર્ડ ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશન (IGDA)ની એક્ઝિક્યુટિવ કમિટીમાં પ્રમુખ અને સેક્રેટરી જનરલ તરીકે સેવા આપે છે.IGDAની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી.આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય લેબગ્રોન હીરાના ફાયદા અને વિશેષતાઓ વિશે ગ્રાહકોને શિક્ષિત કરવા તેમજ લેબગ્રોન હીરાનું પ્રમોશન કરવાનો છે.

લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં વપરાતી સીવીડી ટેક્નોલોજીનું નિર્માણ કરતી કંપની માઈક્રોવેવ એન્ટરપ્રાઈઝીસના તેઓ સીઈઓ છે.તેમણે લેબગ્રોન હીરાના કારોબાર સાથે સંકળાયેલી દરેક સભ્ય કંપનીઓને FTCની માર્ગદર્શિકાનો ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરતા કહ્યું કે લેબગ્રોન હીરાન્યં ભવિષ્ય ચમકદાર છે.ગ્રાહકો સારી રીતે સમજી ચુક્યાં છે કે કુદરતી હીરા અને લેબગ્રોન હીરાના ભૌતિક ગુણધર્મો સમાન છે.કુદરતી અને લેબગ્રોન હીરાના અલગ અલગ બજારો છે જે કુદરતી અને લેબગ્રોન એમ બંને માટે સારી બાબત છે.ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા લેબગ્રોન હીરા બ્રાઈડલ માર્કેટથી લઈને ફેશન માર્કેટ સુધીનો મજબુત વિકલ્પ બની ગયા છે.આમ કુદરતી અને લેબગ્રોન હીરા માટે બજારમાં ખુબ મોટી તક છે.
ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ્સ મોંઘી હોય છે.પરંતુ હવે લેબગ્રોન હીરાને કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે.કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરા જડીત સગાઈની વીંટીની કીંમત 50 ટકાથી પણ ઓછી હોઈ શકે છે.અનેક મોટી જ્વેલરી બ્રાન્ડ્સએ લેબગ્રોન હીરા જડીત દાગીના વેચવાનું શરૂ કર્યું છે.લેબગ્રોન હીરા જડીત સગાઈની વીંટી ઝડપથી લોકપ્રિય પસંદગી બની રહી છે.તેનું કારણ એ પણ છે કે નવી પેઢી હીરાની ખાણ સાથે સંબંધિત નૈતિક મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત અને સભાન બની રહી છે.

લેબગ્રોન ક્ષેત્રના ઝડપી વિકાસ માટે લેબગ્રોન સિડઝ પરની 10 ટકા આયાત ડયુટી નાબુદ કરવાની માંગ

જે રીતે આ બદલાતી ફેશનનો લાભ લેવા અમેરીકાની વિવિધ કંપનીઓએ પરિવર્તનનો રસ્તો અપનાવ્યો છે બરાબર એ જ પ્રકારે સુરતની પણ અનેક મોટી કંપનીઓ લેબગ્રોન હીરાના ક્ષેત્રમાં પ્રવેશવા થનગની રહી છે.જેમા કેટલીક સાઈટ હોલ્ડર્સ કક્ષાની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.આ માટે આ કંપનીઓએ સર્વેક્ષણ હાથ ધર્યા છે,જેના ખુબ જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયા છે.બીજી તરફ લેબગ્રોન ક્ષેત્રના ઝડપી વિકાસ માટે બજેટમા કેટલાક જરૂરી પગલા ભરવાની માંગ ઉઠી છે.જેમા લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા આયાત ડયુટી નાબુદ થાય તે ખાસ જરૂરી છે.લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા ડયુટી નાબુદ થાય તો હીરાની નિકાસ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

ભારત લેબગ્રોન હીરા તૈયાર કરવા માટે સિડઝનો ઉપયોગ કરે છે.જેની વિદેશમાથી આયાત કરવી પડે છે.આ સિડ્ઝ પર 10 ટકા આયાત ડયુટી છે.જેનાથી અન્ય દેશોની તુલનાએ ભારતમા ઉત્પાદીત લેબગ્રોન હીરાની કોસ્ટ વધુ આવે છે.જેના કારણે વૈશ્વિક હરીફાઈનો સામનો કરવામાં ભારતના ઉદ્યોગકારોને મુશ્કેલી ઉભી થાય છે.સહુથી ખાસ બાબત તો એ છે કે હવે સુરત સહીત ગુજરાતના અન્ય નાના શહેરો અને ગામડાઓમાં ચાલતા કારખાનાઓમાં લેબગ્રોન હીરા તૈયાર કરતા કારખાનાઓની સંખ્યા વધુ છે.આવા કારખાનાઓ દ્વારા લાખો રત્નકલાકારો રોજીરોટી મેળવી રહ્યા છે.વળી ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા મથકે ચાલતા હીરાના કારખાનાઓ આધારીત અન્ય પણ કેટલાક ધંધા રોજગાર છે.જો લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા આયાત ડયુટી નાબુદ થાય તો લેબગ્રોન ઉદ્યોગને ટેકો મળાવાથી હીરાની ચમક, નિકાસ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીમાં વૃદ્ધિ થાય તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મેઈક ઇન ઇન્ડીયા અભિયાન પર ભાર મુકી દેશમાં રોજગારી વધે તેવા સધન પ્રયાસ કરી રહ્યાં છે.ઉપરાંત વિઝનરી મોદી સરકાર હીરા ઝવેરાત સહીતના દેશમા ઉત્પાદીત અન્ય ચીજ-વસ્તુઓની વિદેશમાં નિકાસ વધે તે માટે પણ અત્યંત પ્રયત્નશીલ છે.પરંતુ આ નિકાસ લક્ષ્યાંકને સાકાર કરવા વર્તમાન સમયે લેબગ્રોન હીરાના સિડઝ પરની 10 ટકા ડયુટી એક મોટી અવરોધરૂપ મુખ્ય સમસ્યા છે.આ ટેક્સના કારણે લેબગ્રોન હીરાની ઉત્પાદન કોસ્ટ વધે છે.જેથી ભારતિય કંપનીઓ ચીન સહીતના દેશોની કંપનીઓની સામે પ્રતિસ્પર્ધા કરી શકતી નથી.જેની સીધી નકારાત્મક અસર રોજગારી અને નિકાસ પર થાય છે.લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ચીન ભારતનું મુખ્ય હરીફ છે.વર્તમાન સમયમા લેબગ્રોન હીરાનો કારોબાર જેટ ગતિએ વિસ્તરી રહ્યો છે.ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ રહી છે

રફ હીરાની ઓનલાઈન ઓવરસિઝ ખરીદી પર પર બે ટકા ઈક્વિલાઈઝેશન ડ્યુટી પણ રદ્દ કરવાની માંગ 

નાણા મંત્રાલયે રફ હીરાની ઓનલાઈન ઓવરસિઝ ખરીદી પર પર બે ટકા ઈક્વિલાઈઝેશન ડ્યુટી લગાડી છે.તેની સહુથી મોટી અસર MSME સેક્ટરમાં સમાવિષ્ટ હીરાની નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓને થઈ રહી છે.નિયમ મુજબ વિદેશમા ઓફીસ ધરાવતી મોટી કંપનીઓને રફ હીરા પર બે ટકા લેવી લાગુ પડતી નથી.જેથી મોટી કંપનીઓને તેની ઓછી અસર થાય છે.વળી રફ હીરાની ઓનલાઈન ઓવરસિઝ ખરીદીમાં બે ટકાની લેવી નાબુદીનો લાભ લેવા માટે ફરજીયાત વિદેશી બેંકો પાસેથી ધિરાણ લેવુ પડે છે,અથવા તો વિદેશમાં ઓફીસ કરવી પડે છે.પરંતુ નાના અને મધ્યમ કક્ષાની કંપનીઓ પાસે આ ક્ષમતા હોતી નથી.જો કે આ બે ટકા લેવીની ચુકવણી રફ કંપનીઓએ કરવાની હોય છે.પરંતુ રફ કંપનીઓ તેની ચુકવણી કરવા માટે તૈયાર થતી નથી.જો રફની ઓનલાઈન ઓવરસિઝ ખરીદી કરનાર કારખાનેદાર રફ કંપની પાસે લેવીની ચુકવણીનો આગ્રહ રાખે તો રફ કંપનીઓ કારખાનેદાર સાથે વેપાર કરવા તૈયાર થતી નથી, પરિણામે નાના કારખાનેદારને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે.