લગ્નસરામાં પરત ફર્યો પરંપરાગત અલંકારોનો ટ્રેન્ડ

DIAMOND TIMES – લગ્નસરાની સિઝનમાં સ્વાભાવિક રીતે જ મહિલાઓ પરંપરાગત ઘરેણાં પહેરતી હોય છે.ખરેખર તો માનુનીઓ આ અલંકારો પહેરવાની કાગડોળે રાહ જોતી હોય છે.ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે જ પહેરવા મળતાં પરંપરાગત આભૂષણો જોઇને આંખોમાં અનેરી ચમક આવી જાય છે. તેની ઘડામણ,તેની ચમક, તેના રંગો જોઇને મન પ્રફૂલિત થઈ જાય છે.

વાસ્તવમાં આપણા દેશમાં ઘરેણાં પહેરવાની પરંપરા લગભગ 5000 વર્ષ પુરાણી છે.તે વખતથી લઇને અત્યાર સુધી ભારતના પ્રત્યેક પ્રાંતમાં અલગ અલગ પ્રકારની જ્વેલરી બનાવવામાં આવે છે.જે તે અલંકારો સંબંધિત પ્રાંતની ઓળખ બની જાય છે.આજે આપણે આવા પરંપરાગત ઘરેણાં વિશે માહીતી મેળવવાનો પ્રયાસ કરીએ.

મીનાકારી ભાારત ભરમાં બનાવવામાં આવે છે.પરંતુ તેનો આરંભ રાજસ્થાનમાં થયો હતો. આમેરના રાજા માનસિંહે સૌપ્રથમ વખત સોના ના ઘરેણાંમાં મીનાકારી કામ શરૂ કરાવ્યું હતું. મીનાકારી કામ સોના અને ચાંદીના ઘરેણાંમાં રંગબેરંગી મીનો ભરીને કરવામાં આવે છે. મીનાકારી અલંકારો જોયા પછી આપણને કલ્પના પણ ન આવે કે તે બનાવવાં કેટલાં મુશ્કેલ છે.

તેને માટે બે રંગોનું મિશ્રણ કરીને ત્રીજા રંગનો મીનો તૈયાર કરવામાં આવે છે.મીનાકારી વર્કમાં કુંદન-મીનાનું કામ સૌથી લોકપ્રિય છે. તેમાં મોર,વેલ, ફૂલ,પાન જેવી ડિઝાઇનો અત્યંત સુંદર લાગે છે.સોના-ચાંદી પર મીનાકારી વર્ક કરાવવાથી તેની સુંદરતા અનેકગણી વધી જાય છે. વળી પામેલાઓ તેને પોતાના વસ્ત્રો સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકે છે. મઝાની વાત એ છે કે મીનાકારી અલંકારો વિદેશીઓમાં પણ પ્રિય થઇ પડયાં છે.

હવે જડાઉની વાત કરીએ તો તેની શોભા જ નિરાળી હોય છે.એક વખત તેના ઉપર નજર પડયા પછી તમારી આંખો ખરેખર તેના ઉપર જડાઇ જ જાય.આવા અલંકારો બનાવવાની પરંપરા મોગલ કાળમાં શરૂ થઇ હતી.મોગલ શહેનશાહોએ રાજસ્થાન અને ગુજરાતના કારીગરો પાસંથી સૌથી વધુ જડાઉના દાગીના બનાવડાવેલા.આ ઘરેણાંમાં સોનામાં કિંમતી નગ જડવામાં આવે છે.સામાન્ય રીતે સોનાના નખથી જ વિવિધરંગી નગ જડવામાં આવે છે.પણ હવે આધુનિક સમયમાં નગ જડવા માટે ઘણી નવી રીતો વિકસાવાઇ છે.

જડાઉના અલંકારોમાં નાના-મોટા હાર,બુટિયા,નથ, દામડી (માંગ ટીકો),વીંટી, બંગડીઓ કે પાટલાં ખૂબ જચે છે. આજની તારીખમાં નવોઢાઓ તેમના ચણિયા-ચોળી સાથે જડાઉના સેટ પહેરવાનું પસંદ કરે છે.

પરંપરાગત દાગીનાઓમાં કુંદનનું પણ આગવું સ્થાન છે.કુંદનના આભૂષણોની વિશેષતા એ છે કે તે જેટલા પરંપરાગત છે એટલાં જ આધુનિક પણ છે.કુંદન વર્ક માટે શુધ્ધ સોનાને ગાળી લેવામાં આવે છે.ત્યાર પછી તેમાં જે નગ જડવાના હોય તેને લાખના ખાંચામાં સેટ કર્યા પછી તેની ચારે તરફ ગાળેલું સોનું ઢાળવામાં આવે છે.સોનું જ્યારે ઠંડુ થઇ જાય ત્યારે નગ ચારે તરફથી સેટ થઇ જાય છે.

મોટાભાગે નવવધૂઓ માટે કુંદનના ભારે સેટ બનાવવામાં આવે છે. બાકી તેમાં હળવી જ્વેલરી બનાવવાનો ટ્રેન્ડ પણ ખિલ્યો છે. નાના-મોટા તહેવારો દરમિયાન કુંદનની હળવી જ્વેલરી પહેરવાનું ચલણ હવે સામાન્ય થઇ ગયું છે. તેમાં હવે અલંકારો ઉપરાંત બ્રોચ અને હેરપીન જેવી એક્સેસરીઝ પણ બનાવવામાં આવે છે.

જોક ે સોનાના વધતાં જતાં દામને કારણે લોકોને સોનામાં બનાવેલા કુંદનના અલંકારો ખરીદવાનું નથી પોસાતું. પરંતુ તેના વિકલ્પરૂપે હવે વન ગ્રામ ગોલ્ડનો ઉપયોગ થઇ રહ્યો છે. તેેમાં બ્રાસ અને તાંબા જેવી પ્રમાણમાં સોંઘી ધાતુઓનો ઉપયોગ કર્યા પછી તેના ઉપર સોનાનો ઢોળ ચડાવી દેવામાં આવે છે. આમ માનુનીઓ કુંદનના દાગીના પહેરવાનો શોખ પૂરો કરવા વન ગ્રામ ગોલ્ડનો વિકલ્પ પણ અપનાવવા લાગી છે.

છેલ્લા ઘણાં વર્ષથી ટેમ્પલ જ્વેલરી પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ દાગીનાને વાડાસેરી કે પછી કેમ્પ જ્વેલરી પણ કહેવામાં આવે છે.વાસ્તવમાં અસલના વખતમાં આ ઘરેણાં દેવી-દેવતાઓને પહેરાવવામાં આવતાં. ધીમે ધીમે મંદિરની દેવદાસીઓ તે ધારણ કરવા લાગી.આ પ્રકારના પરંપરાગત અલંકારોમાં પ્રકૃતિ સાથે સંકળાયેલી કે પછી ધાર્મિક પ્રતિકો સમાન ડિઝાઇન જોવા મળે છે.તેમાં સુવર્ણ સાથે મોતી, રૂબી અને પન્ના જડવામાં આવે છે.ટેમ્પલ જ્વેલરી દક્ષિણ ભારતીય દુલ્હનોમાં અત્યંત માનીતી ગણાય છે. દક્ષિણ ભારતની મહિલાઓ અન્ય શુભ પ્રસંગોએ પણ ટેમ્પલ જ્વેલરી હોંશે હોંશે પહેરે છે. અલબત્ત, ઘરેણાંની આ ડિઝાઇન હવે મહાનગરો સહિત સર્વત્ર પ્રિય બની ગઇ છે.

– જડાઉ, કુંદન, મીનાના મોટા બુટિયા પશ્ચિમી પોશાક સાથે અત્યંત સુંદર દેખાય છે.

– સિંપલ વાઇટ ડ્રેસ સાથે સોનાના ચોકરનું કોમ્બિનેશન લાજવાબ લાગશે.

– પરંપરાગત ફ્લોરલ ડિઝાઇનની દામડી અનારકલી સુટ સાથે શોભી ઉઠશે. અને આ માંગ ટીકા સાથે અન્ય સઘળાં અલંકારોને કોરાણે મૂકીને માત્ર મોટા બુટિયા પહેરવામાં આવે તો જે તે માનુની વધુ યુવાન દેખાય.

– જડાઉ અલંકારમાં પન્નો સૌથી વધુ સુંદર લાગે છે. તમે ચાહો તો તેને વીંટીમાં જડાવો કે પછીહારમાં.

– કાંજીવરમ્ સાડી સાથે ખાસ કેરળની પરંપરાગત ડિઝાઇનની કાસૂ માળા,પલક્કા માળા કે પછી ઝિમકી માળા ધારણ કરો.હવે વિદેશીઓમાં પણ તે ખાસ્સી માનીતી બની ગઈ છે.

– આધુનિક રમણીઓને કાનમાં મોટા મોટા ઝૂમખાં બહુ ગમી રહ્યાં છે. તેઓ સાડી કે અન્ય ટ્રેડિશનલ પોશાક સાથે મોટાં કડાં પણ હોંશે હોંશે પહેરે છે. જોકે મોટાં ઝૂમખાં પશ્ચિમી પોશાક સાથે પણ સરસ દેખાય છે.

– રંગબેરંગી રત્નોમાં મરૂન કલર સૌથી વધુ પહેરાય છે. આ રંગના રત્નને અલગ અલગ રંગના ઘણાં પોશાક સાથે પહેરી શકાય છે.