રત્નકલાકારોની શોર્ટેજથી હીરા ઉદ્યોગકારનોની ચિંતા વધી

596
હીરા ઉદ્યોગકાર મહેન્દ્ર નાવડિયાએ કહ્યુ કે હાલ ઇન્ડસ્ટ્રીમાં ઓર્ડર તો મળી રહ્યા છે પરંતુ રત્નકલાકારોની શોર્ટેજ વર્તાઇ રહી છે.જેને લીધે ઓર્ડર સમય પર પૂર્ણ કરવામાં પરેશાની થઇ રહી છે.કેટલાક રત્નકલાકારો ખેતીકામમાં જોડાઇ ગયા છે.જોકે આગામી 15 દિવસમાં રત્નકલાકારો પરત ફરે તેવી આશા છે.

DIAMOND TIMES – એક વર્ષ પહેલા જ્યારે સુરતમાં કોરાનાને લીધે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ એ સમયે અનેક હીરા ઉદ્યોગકારોએ રત્નકલાકારોને સાચવી લીધા હતા. મોટાભાગના હીરાના યુનિટોએ રત્નકલાકારોને પગારની સાથે શક્ય તમામ મદદ પણ કરી હતી.પરંતુ કેટલાક હીરા ઉદ્યોગકારોએ રત્નકલાકારોને સાચવવાની તસ્દી લીધી નહતી.જેથી આવી નાની કંપનીઓમા કામ કરતા રત્નલાકારોની હાલત કફોડી બની હતી.તેઓની પાસે જીવનનિર્વાહના પણ નાણા ન હતા.પરિણામે આવી કંપનીમા મોટી સંખ્યામાં કામ કરતા રત્નકલાકારો જેમ તેમ કરીને મહામુશ્કેલીએ માદરે વતન પહોંચ્યા હતા.આટલી વેદના સહન કર્યા બાદ વતન પહોંચેલા રત્નકલાકારો પૈકી કેટલાક રત્નકલાકારોએ સુરત પરત નહી ફરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર પછી પરિસ્થિતિ નિયત્રંણમા આવી જતા આગામી દિવસોમાં લગ્નસરાને લીધે જ્વેલર્સોને ઓર્ડર મળી રહ્યા છે.બરાબર એજ પ્રકારે અમેરિકા-યુરોપ સહીત વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાની પરિસ્થિતિ નિયત્રંણમાં છે.જેથી સુરતના હીરા ઉદ્યોગકારોને એક્સપોર્ટના મોટાપાયે ઓર્ડર મળી રહ્યા છે.હવે હીરા ઉદ્યોગકારો પર સમય પર ઓર્ડર પુરા કરવાની મોટી જવાબદારી આવી ગઇ છે.પરંતુ સુરતના હીરા ઉદ્યોગમાં લોકડાઉન સમયે જે રત્નકલાકારો વેદના સહીને તેમના માદરે વતન ગયા છે તેઓ હવે સુરત ફરી હીરા ઉદ્યોગમાં આવવા તૈયાર નથી. પરિણામે રત્નકલાકારોની તંગીથી હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

20 ટકા રત્નકલાકારોએ હીરા ઉદ્યોગને તિલાંજલિ આપી : ભાવેશ ટાંક

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકનું કહેવુ છે કે લોકડાઉન સમયે કેટલાક હીરા ઉદ્યોગકારોએ રજાઓમાં રત્નકલાકારોને પગાર આપ્યો ન હતો.ખાસ કરીને નાના કારખાનેદારોએ રત્નકલાકારોને મદદ નહીં કરતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આવા કારીગરો જેમ તેમ કરીને મહામુશ્કેલીએ માદરે વતન ગયા હતા.આ રત્નકલાકારો હવે સુરત પરત તો ફરી રહ્યા છે,પરંતુ તે પૈકી 20 ટકા રત્નકલાકારો હીરા ઉદ્યોગને કાયમ માટે તિલાંજલિ આપી અન્ય વેપાર ઉદ્યોગમાં જોડાઈ રહ્યા છે.પરિણામે હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોની શોર્ટેજ ઉભી થઇ છે.