DIAMOND TIMES – નવા વર્ષમાં ભારત ફરી સામાન્ય સ્થિતિમાં આવી જશે અને વિકાસ દરમાં ગતિ જોવા મળશે એવી બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે. નાણાં વર્ષ 2022-23 માટે બેન્કે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ 8.20 ટકા મૂકયો છે. આર્થિક વિકાસમાં રિકવરી અને ફુગાવામાં નિયંત્રણ સાથે ભારતે 2021 માં આશાવાદ સાથે પ્રવેશ કર્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરે સ્થિતિને અસ્થિર કરી નાખી હતી, જેને કારણે પૂરવઠા ખેંચ ઊભી થઈ હતી અને ભાવો પર દબાણ આવ્યું હતું.
2022૨માં ભારત માટે સ્થિતિ સામાન્ય બની જવાનું અમે જોઈ રહ્યા છીએ. ઉપભોગ માગ વધવા સાથે વિકાસમાં રિકવરીને ગતિ મળવાની અપેક્ષા છે એમ બેન્કે નવા વર્ષના પોતાના આઉટલુકમાં જણાવ્યું હતું.વેક્સિનેશનના નીચા દર અને ઓમિક્રોનના કેસો એવા પરિબળો છે જે વિકાસ સામે નોંધપાત્ર અનિશ્ચિતતા ઊભી કરી શકે એમ છે.
ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો, નાણાં વર્ષ 2023માં કૃષિ, ફોરેસ્ટ્રી તથા ફિશિંગનો આર્થિક વિકાસ દર 3.50 ટકા રહેવા ધારણાં છે જે વર્તમાન નાણાં વર્ષ માટે 4 ટકા અંદાજાયો છે. સેવા ક્ષેત્ર માટે આ દર 7.90 ટકા અને 9 ટકા અંદાજાયો છે.
આગળ જતા ફુગાવામાં વધારો થશે અને રિટેલ ફુગાવો નાણાં વર્ષ ૨૦૨૩માં 5.60 ટકા રહેવા ધારણાં છે. આને કારણે રિઝર્વ બેન્ક પર વ્યાજ દર વધારવાનું દબાણ છે. આગામી નાણાં વર્ષમાં આરબીઆઈ રેપો રેટમાં એક ટકા જેટલો વધારો કરશે તેવી પણ બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે.