SDB વર્સિસ BDB વિવાદનો અંત : એકતા રૂપી અમુલ્ય હીરો તુટવો ન જ જોઇએ!

વર્ષ 2014 માં મુંબઈના હીરા વેપારીઓના સંયુકત નિર્ણય પછી સુરતમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો,તો પછી વિવાદની આગ ભડકાવવા માટે કોણ જવાબદાર ??

DIAMOND TIMES COVER STORY –  અગાઉ આપણે વાંચી ગયા છીએ કે આપણો હીરા ઉદ્યોગ પરિવર્તનની પ્રક્રીયામાથી પસાર થઈ રહ્યો છે.હવે હીરા ઉદ્યોગમાં પણ ઉત્ક્રાંતિ વાદ મુજબ સક્ષમ જ ફાવવવાના છે,જ્યારે નિર્માલ્ય આજે નહી તો કાલે જરૂરથી હાંફવાના છે એ વાત નક્કી છે. વળી સફળતાનો આધાર વાતોના વડા કે દેખાડા પરથી નિર્ધારીત નથી થતો, પરંતુ નક્કર અને સ્માર્ટ કામગીરી પરથી નિર્ધારીત થાય છે.

સહુથી અગત્યની બાબત તો સંગઠનની આવે છે. વર્તમાન સમયે સુરત ડાયમંડ બુર્સના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી સમગ્ર કમિટીએ સંગઠન શક્તિનું એક ઉમદા ઉદાહરણ સેટ કર્યુ છે.ઉપરાંત આ કમિટીમાં સમાવિષ્ટ દરેક સભ્ય ખુબ અનુભવી,કાબેલ અને નિષ્ઠાવાન છે.આ સદ્દગુણો અને ઉમદા કામગીરીના પરિણામ સ્વરૂપ સુરતને SDBની ભવ્ય ભેટ મળી છે.આ બેજોડ સ્થાપત્ય અને તેની ભવ્યતા પરથી સુરત ડાયમંડ બુર્સ કમિટીની તાકાત અને ક્ષમતાનો આસાનીથી અંદાજ લગાવી શકાય તેમ છે.

વર્ષ 2014માં મુંબઈના હીરા વેપારીઓના સંયુકત નિર્ણય પછી સુરતમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.માયા નગરી મુંબઈની ભાગદોડ વાળી જીંદગીની તુલનાએ સુરતમાં સહપરિવાર શાંતિથી રહીને હીરા ઝવેરાતનો કારોબાર કરી શકાય તેવો SDB નિર્માણ પાછળ સહુનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.સુરતની તુલનાએ મુંબઈમાં જીવન નિર્વાહ અને કારોબાર ચલાવવામાં ખર્ચ વધુ આવે છે.

વળી સુરત હીરા તૈયાર કરવાનું હબ છે. જેથી જે સ્થળે હીરા પોલિશ્ડ થતા હોય ત્યાથી જ હીરાની નિકાસ કરવામાં આવે તો એમા કશુ ખોટુ નથી.જો આ શક્ય બને તો સુરતથી-મુંબઈ વચ્ચે હીરાની આપ-લે કરવામાં સમય,શક્તિ અને નાણા નો પણ બચાવ થાય તેમ છે.આ બધી માથાકુટ હીરાના નાના અને મધ્યમ કક્ષાના કારોબારીઓને વધુ સવલત આપવા માટેની છે.

મોટા અને સક્ષમ ઉદ્યોગપતિઓને ખર્ચ બાબતે વધુ ચિંતા હોતી નથી.હીરાના કેન્દ્ર ગણાતા વિશ્વના દરેક દેશોમાં મોટી કંપનીઓની ઓફીસ કાર્યરત જ છે. વળી સુરતમાં હીરાનો કારોબાર ડાયવર્ટ કરવા અંગે વર્ષ 2014માં મુંબઈના હીરા વેપારીઓ એકમત્ત હતા.ઉપરાંત SDBના નિર્માણમાં મુંબઈના હીરાના વેપારીઓનું પણ ખુબ મોટૂ યોગદાન રહ્યુ છે.

જો SDBએ કોઇ પણ યોજના જાહેર કરી ન હોત તો પણ આગામી બે-ત્રણ વર્ષમાં SDB તો આપમેળે ધમમધમતુ થઈ જવાનું છે.ત્યારે સવાલ એ થાય કે સાવ સામાન્ય બાબતે અત્યારે વિવાદની આગ કોણે અને શા માટે ભડકાવી ??

આ સવાલનો જવાબ આપતા એક અગ્રણી હીરા ઉદ્યોગકારે પોતાનું નામ નહી જણાવવાની શરતે કહ્યુ કે આ વિવાદનો કોઇ અર્થ નથી. વળી તેમા સુરત કે મુંબઈના વેપારીઓને જરા પણ રસ નથી. આજની તારીખે પણ મુંબઈના મોટા ભાગ ના હીરા વેપારીઓ અને હીરાની કંપનીઓ SDBમાં આવવા ઉત્સુક છે.

કારણ કે હીરાના કારોબારીઓને શાંતિ જોઇએ છે. તેઓ સહપરિવાર સુરતમાં રહીને પરિવારને વધુ સમય આપી શકે તેવી તેમની મહેચ્છા ઝડપથી પુર્ણ થાય તેવુ ઇચ્છે છે. જેથી વિવાદ માત્ર ગણ્યા ગાંઠયા લોકો પુરતો જ મર્યાદીત છે. જે ઝડપથી શાંત પડે તે સમગ્ર હીરા ઉદ્યોગના હીતમાં છે.દરેકે આ વિવાદને ભુલીને SDB ઝડપથી કાર્યરત થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ.

સમગ્ર ગુજરાત માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 2600 કરોડના ખર્ચેનો અંદાજ છે.સુરત ડાયમંડ બુર્સમાં સેવન સ્ટાર હોટલ,રેસ્ટોરેન્ટ,ઓફિસ,બેંક,ગોલ્ફ કોર્સ, મેટ્રો ટ્રેન,ટેક્સટાઇલ યુનિવર્સિટી સહીતની અનેક વિશ્વ કક્ષાની સુવિધા મળવાની છે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક,સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની એક આગવી ઓળખ બની છે.

એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનવાનું છે.સુરત અને ગુજરાતની અકલ્પનિય પ્રગતિથી તેના હરીફોને અદેખાઈ આવે તે સ્વાભાવિક છે.એમ અન્ય એક હીરા કારોબારીએ કહ્યુ હતુ.

66 લાખ સ્ક્વેર ફૂટમાં પંચતત્વની થીમ પર તૈયાર થઈ રહેલુ આ ડાયમંડ બુર્સ કાર્યરત થતાની સાથે જ મુંબઇનો હજારો કરોડોનો ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ સુરતમાં ડાયવર્ટ થવાની ધારણા છે.વિશ્વના11 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીસિંગનું કામ સુરતમાં થાય છે.પરંતુ સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટી ડાયમંડ કંપનીઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં છે.

સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થશે એટલે મોટા ભાગની કંપનીઓએ મુંબઈથી સુરતમાં શિફટ થવાની તૈયારીઓ કરી લીધી છે.આ પરિવર્તન પછી અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમાથી હીરાની ખરીદી માટે બાયર્સ સુરત આવતા થશે. પરિણામે ઇન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી પણ મળશે.આમ સુરત ડાયમંડ બુર્સ ખરા અર્થમાં ગુજરાત માટે આર્થિક પરિવર્તન લાવનારો એક ચમકદાર હીરો સાબિત થશે.

એકતામા કોણે ચાપ્યો પલિતો ??

સુરત ડાયમંડ બુર્સમાં પોલિશ્ડ ટ્રેડીંગ કામગીરી ઝડપથી કાર્યરત કરવા નિર્માણ કમિટી દ્વારા સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધર્યા છે.જેને અનુલક્ષીને કમિટીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2022ના અંત સુધીમાં મુંબઈમાં હીરાના કારોબારનો સંપુર્ણ સંકેલો કરી સુરત ડાયમંડ બુર્સમાં પોલિશ્ડ હીરાનો કારોબાર શરૂકરનાર કંપનીને કાયમી સભાસદ આપી તેઓના નામની યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રીશેપ્સન એરિયામાં આજીવન માટે મુકવામાં આવશે.બીજી જાહેરાત છ મહીના સુધી મેઇન્ટેનન્સમાથી મુક્તિ આપવાની હતી.

પરંતુ સુરત ડાયમંડ બુર્સ કમિટીની આ જાહેરાતના પગલે કેટલાકના પેટમાં જાણે કે તેલ રેડાયુ હતુ. જે પૈકી કેટલાકે તો મુંબઈના સ્થાનિક અખબારને ભારે વિવાદાસ્પદ નિવેદ્દન આપી એકતામા પલિતો ચાપ્યો હતો.એ લોકોએ અખબારને આપેલા હીન પ્રકારના નિવેદ્દન પરથી અનુમાન લગાવી શકાય તેમ છે કે તેઓ SDBની ભવ્યતા અને ક્ષમતાથી રીતસર ડરી ગયા છે.

ભારત ડાયમંડ બુર્સ(BDB)ના ટ્રેઝરર અનુપભાઈ ઝવેરીએ કહ્યુ કે SDBનું આ પગલું જરા પણ વ્યાજબી નથી.આવુ કોઇ વેપારી માણસ કરી શકે નહી,પરંતુ કોઇ ઝગડાળુ વ્યક્તિ જ આવુ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી. અત્યાર સુધી અમો સુરત ડાયમંડ બુર્સને અમારો ભાઈ માનતા હતા.પરંતુ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યાં છે.!

આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે ?  અખબારે કરેલા આ સવાલના જવાબમાં અનુપભાઈ ઝવેરીએ આ વિવાદને શાંત પાડતા કહ્યુ કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.  સુરત ડાયમંડ બુર્સને વેપારીઓ મુંબઈમાં પૉલિશ્ડ હીરા વેચે એની સામે વાંધો છે,પણ એણે પોતાના સરક્યુલરમાં એવી પણ સ્પષ્ટતા પણ કરી છે કે સભાસદ મુંબઈ કે બીજી કોઈ પણ જગ્યાએથી ખરીદી કરશે તો એમાં એસડીબીને કોઈ વાંધો નથી.

એક હીરા વેપારીએ આ વિવાદની ઘટનાને વખોડી કાઢતા કહ્યુ કે આ બિનજરૂરી વિવાદથી કેટલાકે આબરુના ધજાગરા કાઢ્યા છે.આ મુદ્દો વાતચિત દ્વારા ઉકેલી શકાય તેમ હતો.જેથી વિવાદ ઉભો કરવામાં ફાયદો નથી અને હીરા ઉદ્યોગની એકતા તુટી જવાની બીક છે.જેમા સરવાળે તો સમગ્ર હીરા ઉદ્યોગને જ નુકશાન થાય તેમ છે.

અન્ય એક કારોબારીએ કહ્યુ કે હીરા ઉદ્યોગને જેન્ટલમેનના કારોબાર તરીકેનું માનભર્યુ સ્થાન મળ્યુ છે.જેથી હીરા ઉદ્યોગ ના શાન અને શોભા વધે તેવા પ્રયાસ કરવાની જરૂર છે. હવે જાગ્યા ત્યારથી સવાર મુજબ દરેકે આ નકારાત્મકાથી દુર રહેવાની જરૂર છે. આ વિવાદમાં શિવસેના પણ સ્કાયલેબની જેમ વચ્ચે ખાબક્યુ છે. શિવસેનાએ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વાંધાજનક ટીપ્પણી કરી છે.તેણે તંદુરસ્ત બિઝનેસ સ્પર્ધાને રાજકીય રંગ આપવાનો નાલેશી જનક પ્રયાસ પણ કર્યો છે.જે ખરેખર વખોડવા લાયક છે.

વલ્લભભાઈ લાખાણી વર્ષ 2014માં સર્વસહમતિથી લેવાયેલા નિર્ણયને વળગી રહ્યા !!

વર્ષ 2014માં મુંબઈના હીરા વેપારીઓ દ્વારા લેવામાં આવેલા સંયુકત નિર્ણય પછી સુરતમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. માયાનગરી મુંબઈની ભાગદોડ વાળી જીંદગીની તુલનાએ સુરતમાં સહપરિવાર શાંતિથી રહીને હીરા ઝવેરાતનો કારોબાર કરી શકાય તેવો SDB નિર્માણ પાછળ સહુનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

આ માટે મુંબઈના સહુ હીરા વેપારીઓ એકમત્ત છે.ઉપરાંત SDBના નિર્માણમાં મુંબઈના હીરાના વેપારીઓનું પણ ખુબ મોટૂ યોગદાન રહ્યુ છે.ત્યારે વલ્લભભાઈ લાખાણી વર્ષ 2014માં સુરતમા કારોબાર શિફ્ટ કરવાના સર્વસહમતિથી લેવાયેલા નિર્ણયને આજે પણ વળગી રહ્યા છે.

મુંબઈના અખબારે BDBના ચેરમેન વલ્લભભાઈ લાખાણીનો પણ પ્રતિભાવ લીધો હતો.અખબારે કરેલા સવાલનો જવાબ આપતા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ કહ્યુ કે દરેક યોજના માટે લેવાયેલો નિર્ણય મારો એકલાનો નહીં, પણ કમિટીનો સંયુક્ત નિર્ણય છે.

બુર્સને ઝડપથી ધમધમતુ કરવા કમિટી દ્વારા ઑફર આપવામાં આવતી હોય છે.બાકી જ્યારે સુરત ડાયમંડ બુર્સની સ્થાપના કરવાની હતી એ સમયે વેપારીઓએ મને સુરત આવવા અને આગેવાની લેવા કહ્યું હતુ.એ સમયે એટલે કે વર્ષ 2014માં જ મેં મારા પૂરતી જાહેરાત કરી હતી કે સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થશે ત્યારે હું મુંબઈ છોડીને સુરત આવી જઈશ.ખ્યાલ રહે કે એ જાહેરાત માત્ર મારા પૂરતી જ હતી.

વલ્લભભાઈની જેમ કમિટીના દરેક સભ્યોની આ પ્રકારની હીંમત અને સાહસિકતાના કારણે જ સુરત ડાયમંડ બુર્સનું ભવ્ય નિર્માણ શક્ય બન્યુ છે.ખાસ વાત તો એ છે કે કોઇની પરવા કર્યા વગર કે કોઇની ધમકીથી ડરી જવાના બદલે સુરત માટે અત્યંત મહત્વકાંક્ષી સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને ઝડપથી પુર્ણ કરવા કમિટી દ્વારા સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી સધન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

પીઢ હીરા વેપારી કીરીટભાઈ ભણસાલીએ મામલાને શાંત પાડવાનો કર્યો સરાહનિય પ્રયાસ

બીડીબીના કમિટી મેમ્બર અને પીઢ હીરા વેપારી કીરીટભાઈ ભણસાલીએ મામલાને શાંત પાડવાનો પ્ર્યાસ કર્યો છે. તેમણે કહ્યુ કે BDB અને SDBના ચેરમેનની એકબીજા સાથે એ સર્ક્યુલર બાબતે વાતચીત થઈ છે.બન્ને બુર્સ ફૂલેફાલે અને જવાબદારીપૂર્વક કામ કરીને વિકાસ કરે એમાં જ બધાને રસ છે.એ લોકો હવે ફ્યુચરમાં એવું નહીં કહે કે મુંબઈમાં કામ બંધ કરીને અહીં સુરત આવો.

તેમણે ઉમેર્યુ કે હીરા ઉદ્યોગમાં અત્યારે તેજી છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ગોલ્ડન પિરિયડમાંથી પસાર થઈ રહી છે.આ સમય એકબીજા સાથે હરીફાઈ કરવાનો નથી,પણ એકબીજાને સાથ સહકાર આપવાનો છે. ભારત ડાયમંડ બુર્સ ઓછું ચાલે કે સુરત ડાયમંડ બુર્સ ઓછું ચાલે એવું કોઈ ઇચ્છતું નથી.

વળી હાલ ગ્લોબલ માર્કેટમાં લેબગ્રોન હીરાની પણ બહુ ડિમાન્ડ છે.એ માટેના કારીગરો પણ જોઈશે.ઘણા વિદેશી પ્લેયરો અને કંપનીઓ અહીં આવી રહ્યાં છે.જેથી આપસમાં હરીફાઈ કરવી પાલવે એમ નથી.એસડીબી અને બીડીબી બન્ને એક જ છે. બન્ને મેમ્બરોના હિત માટે જ કામ કરે છે.તેમની વચ્ચે કોઈ ખટરાગ નથી.બન્ને સાથે મળીને કામ કરશે. મોદી સાહેબનું 100 બિલિયન ડોલરની નિકાસનું સપનું છે.તે ગોલને અચીવ કરવાનો પ્રયાસ કરાશે.આ ટાર્ગેટને સામે રાખીને જ એ બન્ને જગ્યાના વેપારીઓ માંધાતાઓ કામ કરી રહ્યા છે.

મુંબઈના હીરા વેપારીએ કહ્યુ : મુંબઈ ‘બાપ’ છે એ ભૂલવું ન જોઈએ !

નવીનભાઈ અદાણી નામના હીરા વેપારીએ અખબારી નિવેદનમાં કહ્યુ કે હીરા બજારમાં મુંબઈ બાપ છે અને સુરત દીકરો છે. બાપ વગર દીકરાને ચાલે નહીં. મુંબઈ ઇન્ટરનૅશનલ હબ છે.હા, હીરા બજાર ઑપેરા હાઉસથી બીકેસી બહુ જલદી સેટ થઈ ગયું,પણ સુરતના કેસમાં એવું નહીં થાય.ત્યાં જગ્યા મોટી છે અને વેપારીઓ ઓછા છે.એથી ભવિષ્યમાં પણ જો કોઈને જવું હોય તો જગ્યા મળી જ રહેવાની છે.નો ડાઉટ,સુરત દેશનું એક ઊભરી રહેલું શહેર છે. એમ છતાં સુરત અને મુંબઈએ સાથે મળીને જ કામ કરવું પડશે.

જોકે સુરત બુર્સે આપેલી એ ઑફર ગેરવાજબી છે.સુરત વાળા અત્યારે પણ મુંબઈમાં ધંધો કરે જ છે.બીજું કે બાંદ્રાથી બીકેસી ત્રણ કિલોમીટર છે.જ્યારે સુરતથી સુરત ડાયમંડ બુર્સ 15 કિલોમીટર દૂર છે.આવાં ઘણાં બધાં ફૅક્ટર્સ અસર કરતાં હોય છે.એમ છતાં એટલું ચોક્કસ કહીશ કે બધાએ સાથે મળીને ચાલવું પડશે અને સાથે રહીને જ ધંધો કરવો પડશે.

કુણાલ ડાયમંડના સંજયભાઈ કોઠારીએ મીડીયાને કહ્યુ કે સુરત ડાયમંડ બુર્સએ આવું કરાઈ નહીં.ઇઝરાયલમાં ઘણા બધા બુર્સ છે.અને બધા જ ધંધો કરે છે.જેને જ્યાં ફાવે ત્યાં ધંધો કરે. જેથી એસડીબીએ આવી શરતો મૂકીએ વાજબી નથી. મુંબઈના જ અનેક વેપારીઓએ એસડીબીમાં જગ્યાઓ લખાવી છે.

એસડીબીને જ્યારે બુર્સ બનાવવું હતું ત્યારે ભારત ડાયમંડ બુર્સે પુષ્કળ સપોર્ટ આપ્યો હતો.ત્યાં કેવી રીતની સિક્યૉરિટી હોવી જોઈએ,કઈ રીતનું આયોજન હોવું જોઈએ એવાં ઘણાં બધાં પાસાંઓ માટે બીડીબીએ તેને મદદ કરી છે.આવી ઑફર કરવા બદલ કદાચ એમને ભવિષ્યમાં અફસોસ થઈ શકે છે.

નાઇન ડીઆમના સંજય શાહે કહ્યુ હતુ કે હીરા લક્ઝરી આઇટમ છે અને એ મુંબઈમાં વેચાઈ છે.મુંબઈ હીરા બજાર મુખ્યત્વે ટ્રેડિંગ અને એક્સપોર્ટ સાથે સંકળાયેલી છે. જ્યારે સુરતમાં કારખાનાં વધુ છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે.અહીંના વેપારીઓ મુંબઈના ત્રણ લાખ જ્વેલરો સાથે સંકળાયેલા છે.વળી હીરા એ કંઈ મામૂલી ચીજ નથી.એ અહીં જ મોટી સંખ્યામાં વેચાય.

લાખો-કરોડો રૂપિયાના હીરામાં ટકા-બે ટકાનો ફરક કોઈ ખાસ ફરક ગણાતો નથી.એને વેપારીઓ ગણતરીમાં પણ લે નહીં.એથી છ મહિનાનું મેઇન્ટેનન્સ ફ્રી આપવું એવી મામૂલી ઑફરથી કોઈ જ ફરક પડતો નથી. આવી ઑફરનો લાભ લેવા અહીંથી ત્યાં કોઈ જાય નહીં.

કોરોનાના એક વર્ષમાં 40 ટકાનો ફરક પડી ગયો છે.એટલું જ નહીં,વેપારીઓ એ ફરક પચાવી ગયા છે.એથી આવી નાની મામૂલી ઑફરો તેમના માટે કંઈ જ નથી.જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે કે ગુજરાતમાં આવો અને એ માટે જો ટૅક્સમાં અને ડ્યુટીમાં ટોટલ માફી આપે તો કદાચ ફરક પડે.બાકી મુંબઈનું હીરા બજાર તો મુંબઈમાં જ રહેવાનું છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ટીપ્પણી કરી તંદુરસ્ત બિઝનેસ સ્પર્ધાને રાજકીય રંગ આપવાનો શિવસેનાએ કર્યો હતો હીન પ્રયાસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સલાહકાર અને મીડીયા ઇન્ચાર્જ હર્ષલ પ્રધાને મુંબઈના અખબારને આપેલા પ્રતિભાવમાં કહ્યુ કે જે રીતે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે.એવી જ રીતે ડાયમંડ માર્કેટને પણ ગુજરાત માં લઈ જવાનો આ પ્રકાર છે.પણ વેપારીઓએ જરા પણ ગભરાવાની કે તેમની વાતમાં આવવાની જરૂર નથી.

નરેન્દ્ર મોદી એક નિષ્ફળ વડાપ્રધાન છે.તેમના રાજમાં મોંઘવારી,બેરોજગારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. તેમણે આમ આદમીને કોઈ રાહત નથી આપી.ભલે તેઓ દેશના વડા પ્રધાન હોય,પણ આજે પણ તેમનું લક્ષ્ય ગુજરાત છે.એ આ કૃત્ય પરથી સિદ્ધ થાય છે.જેમ અચ્છે દિન ગાજર હતું એ જ રીતે સુરત ડાયમંડ બુર્સવાળા જે કહી રહ્યાં છે એ પણ એક ગાજર જ છે. લોકોએ તેમની વાતમાં આવવાની જરાય જરૂર નથી.

સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાની કેમ ઉભી થઈ જરૂરીયાત ? શુ છે વાસ્તવિકતા ?

સુરત ડાયમંડ બુર્સની જરૂરીયાત કેમ ઉભી થઈ? અને વાસ્તવિકતા શુ છે?એ સવાલથી સહુ કોઇ સારી રીતે વાકેફ છે.સુરતની સરખામણીએ મુંબઇમાં ટ્રાફીકની સમસ્યા, મોંઘવારી અને યુનિયનની દાદાગીરી છે.જેનાથી કારોબારીઓ ત્રાસી ગયા છે.વળી ગુજરાતની તુલનાએ મુંબઈમાં જાન-માલની સલામતિનો પણ ખુબ મોટો સવાલ છે.

મુંબઈમા કોની દાદાગીરી છે અને કારોબારીઓ પાસેથી ખંડણી કોણ ઉઘરાવે છે ? આ સવાલનો જવાબ શોધવામાં પણ મગજ ચલાવવાનું નથી. કારણ કે તેનો આસાન જવાબ સહુ કોઇ જાણે છે.એક અગ્રણી હીરાના વેપારીએ તો ત્યાં સુધી કહી દીધુ કે શિવસેનાએ આ પ્રકારનું નિવેદન આપતા પહેલા એક વખત અરીસામાં મોઢુ જોવાની જરૂર હતી.

સુરત હીરા ઉદ્યોગનું હબ છે અને હવે જ્વેલરી ક્ષેત્રે પણ સુરતે વિશેષ સિધ્ધિ મેળવી છે.મુંબઈની તુલનાએ સુરત સસ્તુ અને મજબુત ઇન્ફ્રાસ્ટકચર ધરાવે છે. ટૂકમા કહી શકાય કે હીરા અને ઝવેરાત ક્ષેત્રમાં સુરત ખુબ જ સક્ષમ છે.

વળી બિઝનેસમાં તંદુરસ્ત હરીફાઈ હોવી જોઇએ.જો મહારાષ્ટ સરકારમાં તાકાત હોય તો વિકાસના ક્ષેત્રમાં ગુજરાત સરકારનો સામી છાતીએ મુકાબલો કરવો જોઇએ.આ રીતે વિના કારણે વડાપ્રધાનને ટાર્ગેટ કરવા એ યોગ્ય નથી. વિવાદાસ્પદ નિવેદન દ્વારા પોતાની નિર્બળતા અને નિષ્ફળતાઓ ઢાંકવાનો શિવસેનાએ પ્રયાસ વ્યર્થ છે.