પોલિશ્ડની પ્રાઈસ, વિદેશીઓની ગુલામ, ક્યારે મળશે આઝાદી ?

750

કુદરતી રફ હીરા સહીત અન્ય મોટા ભાગના ઉત્પાદનોની કીંમતો જેતે ઉત્પાદક કંપની નિર્ધારીત કરતી હોય છે . પરંતુ તેનાથી વિપરીત પૃથ્વી પરની રેર ચીજ પ્રાકૃતિક તૈયાર હીરાની કીંમતો તેને મેન્યુફેકચરીંગ કરનાર કંપનીઓ દ્વારા નિર્ધારીત થવાના બદલે કોઇ વિદેશી કંપનીની ગુલામ બની તેમના ઇશારે નૃત્ય કરે એ ભારતના હીરા ઉદ્યોગ માટે ખુબ જ નાલેશી જનક બાબત છે.

આજે સમગ્ર ભારત 75માં સ્વતંત્રતા પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં વ્યસત છે.ભારતના નિર્મલ અને નિલ ગગન માં તિરંગો આન,બાન અને શાનથી લહેરાઈ રહ્યો છે.આજે સમગ્ર ભારત આત્મવિશ્વાસથી તરબતર છે . સપનાઓને સંકલ્પની સાથે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને દેશ નવી ઊંચાઈઓને પાર કરી રહ્યો છે.આજનો સૂર્યોદય એક નવી ચેતના, નવો ઉમંગ,નવો ઉત્સાહ અને નવી ઊર્જા લઇને આવ્યો છે.ત્રિરંગા ઝંડામાં રહેલુ અશોક ચક્ર સતત ગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપી રહ્યો છે. આવા એક હકારાત્મક માહોલમાં,નિરંતર સકારાત્મક ઘટનાઓની શ્રૃંખલાની વચ્ચે આજે આપણે આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ.

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ડાયમંડ ટાઇમ્સ પરિવાર તેમના તમામ વિજ્ઞાપન દાતાઓ, સુજ્ઞ વાચકો, શુભેકચ્છકો, હિતેચ્છુઓ , મિત્રો તેમજ સાહસિક હીરા ઉદ્યોગપતિ એવા અમુલ્ય હીરલા ઓ સહીત તમામને અનન્ય દેશપ્રેમ,બેજોડ સામાજીક સેવાઓ પ્રચંડ અને પ્રબળ પુરૂષાર્થ બદલ શત-શત નમન સાથે 75 માં સ્વતંત્રતા પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવતા ગૌરવની લાગણી અનુભવે છે.

મહાપુરુષોએ કહ્યુ છે કે ભારત પૂરી દુનિયાના દરેક પ્રકારના બંધનોથી મુક્તિ મેળવવાનો રસ્તો બતાવશે.પરંતુ નિશાન ચૂક માફ પરંતુ નહી માફ નીચું નિશાનની યુક્તિ મુજબ લક્ષ્ય મોટા હોવા જોઈએ,સપના મોટા હોવા જોઈએ. પરંતુ જો લક્ષ્ય મોટા કે દુરના નહી હોય તો પછી પ્રગતિની યાત્રા અટકી જાય છે.જેથી આપણે મોટા લક્ષ્યો લઈને સંકલ્પની સાથે આગળ વધવાની દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે. હીરા ઉદ્યોગે જે પ્રગતિ કરી છે એનાથી અનેકગણી પ્રગતિ ભવિષ્યમાં પણ થાય એવી તમામની ઇચ્છા છે. અટકવું,સ્થિર થઈ જવું અને ઝુકવાનું તો સ્વભાવમાં જ નથી. જેથી નવી ઊઁચાઈઓ હાંસલ કરવા સતત આગેકૂચ કરવાની જરૂર છે.

DIAMOND TIMES – હીરા ઉદ્યોગની ક્ષમતાને વ્યકત કરવા ભુતકાળની એક ઘટના અહી રજુ કરી રહ્યો છુ.વર્ષ 2008માં હીરાઉદ્યોગમાં આવેલી ભયંકર મંદીના કારણે મોભાગના હીરાના કારખાનાઓ બંધ કરવાની નોબત આવી હતી.સમગ્ર હીરા ઉદ્યોગમા ભારે નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો.મંદીના ચક્રવ્યુહને તોડવા અને ઘોર નિરાશામાથી બહાર આવવા માત્ર એક નાનકડા સંનિષ્ઠ પ્રયાસની જ જરૂર હતી.પરંતુ એ પ્રકારનો પ્રયાસ કરે કોણ ??.

જેથી અંધકારમય વાતાવરણ વચ્ચે આશાનો દીપક પ્રજ્જવલિત કરવાની જવાબદારી સુરત ડાયમંડ એસોસિયેશન તેમજ હીરા ઉદ્યોગના અગ્રણી સેવંતિભાઈ શાહ અને ગોવિંદકાકા ધોળકીયાના શિરે આવી હતી.આ માટે એક અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત કતારગામ ખાતે આઈડીઆઈના કોન્ફરન્સ હોલમાં આગળની રણનીતી ઘડવા એક સભા બોલાવવામાં આવી હતી.જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગકારોને ગોવિંદકાકા ધોળકીયા અને સેવંતિભાઈ શાહે સંબોધન કરીને મંદીના ભ્રમ અને નિરાશામાથી બહાર આવવા પ્રેરણા આપી હતી . અગ્રણીઓની એ શિખામણનો ચમત્કાર એ થયો કે હીરા ઉદ્યોગે ફીનિક્સ પંખીની જેમ રાખમાથી બેઠા થઈને તેજી તરફી અકલ્પનિય રફતાર પકડી હતી.ત્યારબાદ આગામી વર્ષ 2009માં હીરા ઉદ્યોગમાં કેવી તેજી આવી હતી તેનો આપ સહુને જાત અનુભવ છે જ…!!

એ સમયે એટલે કે વર્ષ 2008ની મંદીમાં એક અગ્રણી ઉદ્યોગકારે સભામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા વેળા બિઝનેસ પોલિસી ખોલેલા રહસ્યનો એક એક શબ્દ આજે પણ મને યાદ છે.ઉલ્લેખનિય છે કે 2008ની મંદી પણ એ અગ્રણીઓની કંપની પર કોઇ જ નકારાત્મક અસર કરી શકી ન હતી.તેઓની કંપનીએ રાબેતા મુજબ જ હીરા તૈયાર કરવાની કામગીરી ચાલુ રાખી હતી.પરિણામે તેઓને એક પણ કર્મચારીને છૂટા કરવાની ફરજ પડી ન હતી.એ સમયે આપણી નબળી બિઝનેસ પોલિસી પર પ્રહાર કરતા અગ્રણીઓએ કહ્યુ હતુ કે તૈયાર હીરાની કીંમતોને લઈને આપણે વિદેશી કંપનીઓના ગુલામ બની ગયા છીએ.હીરા આપણે તૈયાર કરીએ છીએ અને કીંમતો વિદેશીઓ નિર્ધારીત કરે છે.આ માટે આડેધડ ઓવર પ્રોડકશન અને બેજવાબદારી રીતે રફ હીરાની ખરીદી જવાબદાર છે.જેથી આપણે આ ચુંગાલમાથી બહાર આવી અર્થશાસ્ત્રના નિયમ મુજબ ડીમાન્ડ અને સપ્લાયને ધ્યાનમાં રાખી ગુણવત્તાયુકત ઉત્પાદન લેવાની ખાસ જરૂર છે.તેઓએ ઉમેર્યુ હતુ કે જો આ પોલિસી હેઠળ ઉત્પાદન કરીને કારોબાર કરવામાં સફળ રહીશુ તો આપણે તૈયાર હીરાની કીંમત નિર્ધારીત કરવા બાબતે વિદેશી કંપનીઓની ગુલામીમાથી સ્વંતંત્ર અને આત્મનિર્ભર બનીશુ.

આ અગ્રણીઓએ કહ્યુ હતુ કે અમે હીરાની કીંમત અંગે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાના બદલે અમારા હીરાની કીંમત જાતે જ નક્કી કરીએ છીએ.જેના માટે આપણે ક્ષમતા કેળવવાની જરૂર છે.ડીમાન્ડ અને સપ્લાયના સુત્રને વળગી રહી ગુણવત્તા યુક્ત માલ તૈયાર કરવાનો આ મોટો ફાયદો છે.ખોટી દેખાદેખીમાં આવવાના બદલે તંદુરસ્ત હરીફાઈ હોવી જોઇએ.ઉપરાંત રફ હીરાની ખરીદી બાબતે પણ સંયમ અત્યંત જરૂરી છે.અગ્રણીઓએ હીરાના ગ્રેડીંગ માટે પણ આત્મ નિર્ભર બનવા પર ભાર મુક્યો હતો.

अपने मन में एक लक्ष्‍य लिए, मंजिल अपनी प्रत्‍यक्ष लिए,
हम तोड़ रहे है जंजीरें, हम बदल रहे हैंतस्वीरें,
ये नवयुग है, ये नवभारत है,“खुद लिखेंगे अपनी तकदीर,
हम निकल पड़े हैं प्रण करके, अपना तनमन अर्पण करके,
ज़िद है, ज़िद है, ज़िद है,एक सूर्य उगाना है,अम्बर से ऊंचा जाना है,
एक भारत नया बनाना है, एक भारत नया बनाना है।।

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપરોક્ત રચના આપણને દરેક ક્ષેત્રમાં આઝાદી મેળવવા ઝઝૂમવાની તાકાત આપે છે.વડાપ્રધાને તાજેતરમાં જ ભારતમાથી વિદેશમા થતી હીરા ઝવેરાત સહીતની વિવિધ ઉત્પાદનો અને ચીજ વસ્તુઓની નિકાસ વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે દેશના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો,ચેમ્બર્સ ઓફ કોમર્સ સહીત જીજેઈપીસી અને અગ્રણી હીરા ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલ ઇન્ટરેક્ટિવ બેઠક યોજી હતી.2021-22માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસને 400 અબજ ડોલર સુધી પહોંચાડવા અને વિસ્તૃત કરવા આ કોન્ફરન્સમાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.તેમણે કહ્યુ હતુ કે આધુનિક મશીનરીના ઉપયોગ થકી જ હીરા-ઝવેરાત ક્ષેત્ર વૈશ્વિક ચેમ્પિયન બની શકે છે.

આ કોન્ફરન્સમાં જોડાયેલા હીરા અને ઝવેરાત ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યુ કે ભારત પાસે અપાર સંભાવનાઓ છે.મુખ્ય ચાર નિકાસકાર ક્ષેત્રોમાં સમાવિષ્ટ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નવા શોધ સંશોધન દ્વારા નિર્મિત આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ ક્ષેત્રમાં ભારત વૈશ્વિક ચેમ્પિયન બની શકે તેમ છે.આધુનિક મશીનરી દ્વારા હીરા અને ઝવેરાતનું ઝડપી અને ગુણવત્તા યુક્ત ઉત્પાદનથી આંતરરાષ્ટ્રીય માંગ વધારી શકાય છે.જેને ધ્યાનમાં રાખી હીરા અને ઝવેરાત સેક્ટરમાં વેલ્યુ એડિશન વર્ક માટે ટેક્નોલોજી અને ઇન્ડિજિનિયસ મશીનરી ડેવલપ કરવામાં આવે તો ભારત ચીનને હરીફાઈમાં પછાડી શકે છે.ચીન પાસે આધુનિક ટેક્નોલોજી યુક્ત મશીનરી હોવાથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને વેલ્યુ એડિશનમાં આપણાથી તે ખુબ આગળ નીકળી ગયું છે.ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયે હીરા અને ઝવેરાતની નિકાસ 37.4 અબજ ડોલર છે.પરંતુ નાણાકીય વર્ષ 21-22માં તેની નિકાસ 44 અબજ ડોલર સુધી વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

GJEPC ના ચેરમેન કોલિન શાહે કહ્યું કે હું માનું છું કે વડા પ્રધાનના આ સંબોધનથી ઉદ્યોગ સાહસિકોના મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે.વડાપ્રધાને 2021-22 માં 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે.મને ખાતરી છે કે હીરા અને જ્વેલરી ક્ષેત્રમાં આ સિધ્ધિ મેળવવા આપણે સહુ સાથે મળીને સકારાત્મક ભૂમિકા ભજવવા કામ કરીશું.

કોલિન શાહે ઉમેર્યુ કે અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોમાં પુન રિકવરી વધી રહી છે.વળી અમારી પાસે જબરદસ્ત સ્થાનિક નેટવર્ક છે.અમને વિશ્વાસ છે કે ભારત સરકારના સમર્થનથી ભારતીય નિકાસકારો નિર્ધારિત લક્ષ્યાંક હાંસિલ કરવા વિદેશોમાં હીરા-ઝવેરાત પ્રદર્શન કરી શકશે.ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વૈશ્વિક મોરચે હરીફાઈનો મજબુતીથી સામનો કરી શકે એ માટે નીતિગત સુધારા માટે અમે સરકારને વિનંતિ કરી છે.જેમા બિઝનેસમાં સરળતા લાવવા,બેંકો દ્વારા પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવા,કરવેરાનું તર્ક સંગતકરણ અને અનુકુળ સેઝ નીતિઓ ઘડવા,આ ક્ષેત્રને એફડીઆઈ અને વિશ્વ દ્વારા મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવા સહીતના સુચનો સામેલ છે. અમને પુર્ણ વિશ્વાસ છે કે સરકારના સહયોગથી ભારતને ચીન,થાઇલેન્ડ, વિયેતનામ અને તુર્કી જેવા સ્પર્ધકોની સમકક્ષ લાવવામાં મદદ મળશે.

જીજેઇપીસીની નવરત્ન ગેલેરી આપશે રફ કંપનીઓની મોનોપોલીમાથી આઝાદી 

આગામી સમયમા સુરતના હીરાઉદ્યોગની ચમક વધે અને રફ કંપનીઓની મોનોપોલીમાથી આઝાદી મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે.સુરતના હીરાના વેપારીઓએ રફ હીરાની ખરીદી માટે હવે દુબઈ , રશિયા , બેલ્જિયમ , ઓસ્ટ્રેલિયા,આફ્રિકા સહીતના દેશોમાં લાંબા નહી થવુ પડે. કારણ કે હવે મોટી રફ કંપનીઓ દ્વારા સુરતમાં જ રફ હીરાના ઓકશન અને ટેન્ડરના આયોજન કરી શકે એ માટેના દરવાજા ખુલી ગયા છે.જેના માટે સુરતના ભીમરાડ રોડ સ્થિત ટીટેનિયમ બિઝનેસ હબમાં સાતમા મળે આકાર પામેલી જીજેઇપીસીની “નવરત્ન ગેલેરી”રફ હીરા,પ્રેસિયસ-સેમી પ્રેસિયેસ સ્ટોન,લેબગ્રોન ડાયમંડ,પ્લેન અને સ્ટડેડ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી, ફેશન અને કસ્ટ માઈઝ જ્વેલરી – આર્ટીકલ્સનું ટ્રેડીંગ પ્લેટફોર્મ છે.જ્યા વિદેશમાથી ભારતમા આયાત થતા રફ હીરા સહીત અન્ય માલને બાયર્સ નિહાળી શકે, ચકાસી શકે અને પછી ખરીદી કરી શકે તે માટે ખાસ અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે.સુરતના હીરા ઉદ્યોગનુ ભાવી બદલવાની ક્ષમતા ધરાવતી આ “નવરત્ન ગેલેરી” નું 16 -ઓગષ્ટના દબદબાભેર ઓપનીંગ થવાની જાહેરાત થઈ ચુકી છે.

આમ તો આ કાર્યની ધીમી શરૂઆતતો ઘણા મહીના અગાઉથી જ થઈ ચુકી હતી.પરંતુ હવે તે વધુ ઝડપી,અસરકારક અને નિયમિત બનવાનું છે. સુરત હીર ઉદ્યોગનું હબ ગણાય છે.પરંતુ કાચા માલ એટલે કે રફ હીરા માટે સુરતના કારખાનદારોએ વિદેશના ચક્કર લગાવવા પડે છે.જેમા સમય શક્તિ અને નાણાનો વ્યય થાય છે.પરંતુ હવે સુરતમાં જ કુદરતી રફ હીરા,એચપી એચટી તેમજ સીવીડી રફ હીરા સહીતના અન્ય કીંમતિ રત્નો પણ આસનીથી ઉપલબ્ધ થવાથી સુરતના હીરા ઉદ્યોગના વિકાસને ગતિ મળવાની છે.સુરતની ચમક વધારનારી ઉપરોક્ત સુવિધાઓ ઉભી કરવામાં કેન્દ્ર સરકારની નોડલ એજન્સી જીજેઇપીસીનું ખુબ જ મહત્વપુર્ણ અને સરાહનિય યોગદાન છે. સુરતના અગ્રણી વેપારીઓના સહયોગથી જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની સંનિષ્ઠ અને અસરકારક કામગીરીનું આ સુંદર પરિણામ છે.દીનેશભાઈ નાવડીયા દ્વારા હીરા અને ઝવેરાત ઉદ્યોગની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે અનેક સરાહનિય કામગીરી કરવામાં આવી છે. પરંતુ તેમની સર્વોત્તમ કામગીરીમાં જીજેઇપીસીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “નવરત્ન ગેલેરી”નો સમાવેશ થાય છે.

તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજજ છે નવરત્ન ગેલેરી

સુરત એરપોર્ટથી માત્ર 9 કિ.મી,રેલ્વે સ્ટેશનથી 12 કિ.મી અને સુરત ડાયમંડ બુર્સથી 1 કિ.મીની અંતરે આવેલી અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી “નવરત્ન ગેલેરી”માં હાઈ રિઝ્યુલેશન કેમેરા ધરાવતા 11 એરકંડિશન્ડ વ્યુઇંગ રૂમ,વજન કરવાની કાંટીઓ,યુવી લાઇટ્સ, ડેલાઇટ લેમ્પ્સ,ઇન્ટરકોમ સહીતની જરૂરીયાત મુજબની તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ છે.આ ઉપરાંત અધતન સિક્યુરિટી સિસ્ટમમાં સુરક્ષા કર્મીઓનો ચોકી પહેરા સાથે 24/7 સીસીટીવી કેમેરા,બાયોમેટ્રિક આધારિત રજીસ્ટર પ્રવેશ પ્રક્રીયા , બાયો- ન્યુમેરિક લોકર અને સ્ટ્રોંગરૂમ,ફાયર અલાર્મ સિસ્ટમ અને અગ્નિ શામકો સાધનો,પીએ સિસ્ટમ, વાઇફાઇ,મીટીંગ રૂમ, રિસેપ્શન અને પ્રતીક્ષા ખંડ, પેન્ટ્રી તેમજ મોનીટરીંગ રૂમમાં વિશાળ સ્ક્રીનમાં પરીસરની અંદરની તમામ ગતિવિધી નિહાળવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.

સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એચપીએચટી અને સીવીડી રફ હીરાની પણ હરાજી

સુરતના હીરા ઉદ્યોગનુ ભાવી બદલવાની ક્ષમતા ધરાવતી આ “નવરત્ન ગેલેરી” નું 16 -ઓગષ્ટના દબદબાભેર ઓપનીંગ થયા પછી સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત કુદરતી રફ હીરાની સાથે એચપીએચટી અને સીવીડી રફ હીરાની હરાજી અને ટેન્ડરનું આયોજન થયુ છે.જેને જીજેઇપીસી,ચેમ્બર્સ ઓફ કોમર્સ,સુરત ડાયમંડ એસોસિયેશન અને સુરત લેબગ્રોન એસોસિયેશન સહીત વિવિધ સંગઠનોનો ટેકો છે.ઉલ્લેખનિય છે કે આગામી ડીસેમ્બરના અંત સુધીમા સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગને બળ મળે તેવી આ સકારાત્મક ગતિવિધી સોનામાં સુગંધ સમાન છે.