ડિએગો પેરિલાની આગાહી : સોનાની કિંમત પાંચ વર્ષમાં તોડશે તમામ રેકોર્ડ

656
gold

DIAMOND TIMES – 25 કરોડ ડોલરના કવાડરિગા ઇગ્નિયો ફંડ સંભાળતા ફંડ મેનેજર ડિએગો પેરિલાએ આગાહી કરી છે કે આગામી પાંચ વર્ષમાં સોનાની કિંમત તમામ રેકોર્ડ તોડીને 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે કે અંદાજે રૂપિયા 90 હજારની આસપાસ પહોંચી શકે છે. વર્તમાન સમયે સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ ચાલુ છે.પરંતુ કોરોના મહામારી ના સમયમાં અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોએ જાહેર કરેલા રાહત પેકેજના પરિણામે કેન્દ્રીય બેંકોને પડી રહેલી આર્થિક મુશ્કેલીથી સોનાની કિંમત સતત વધતી જશે.

ફંડ મેનેજરનું કહેવું છે કે ખરાબ મોનેટરી અને ફિસ્કલ પોલિસીઝને કારણે લાંબી અવધિ દરમિયાન થતાં નુકસાન અંગે રોકાણકારો જાગૃત નથી. તેમણે જણાવ્યું કે વ્યાજદરોને જાણી જોઈને નીચા રાખવાના કારણે થયેલા નુકશાનથી કેન્દ્રીય બેંકોને સામાન્ય સ્થિતિમાં પરત આવવું ખૂબ મુશ્કેલ બનશે.ડિએગોનું કહેવું છે કે સોનામાં તેજીના તમામ કારણ ખૂબ મજબૂત છે.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની પોલિસી ખતમ કરવાના સંકેત બાદ જૂન-2021માં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગોનું માનવું છે કે કેન્દ્રીય બેંકોનું સ્થિતિ પર એવું નિયંત્રણ નથી કે જેવું લોકો વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2016માં પણ ડિએગોએ સોનાની કિંમત પાંચ વર્ષમાં સર્વોચ્ચ સપાટી પર પહોંચશે તેવી આગાહી કરી હતી . ડિએગો ગોલ્ડમેન સાકસ અને બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કરી ચુકી છે.જયારે તે કિંમતી ધાતુઓના વેપાર માં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.