DIAMOND TIMES – સરકારની ” વતન પ્રેમ યોજના ” હેઠળ માતૃભૂમિનું ઋણ ચૂકવવા ઇચ્છતા દેશ- વિદેશમાં વસતા દાતાઓ વતનમાં ગામડાઓ માટે શાળામાં સ્માર્ટ કલાસ,કોમ્યુનિટી હોલ,આંગણવાળી- મધ્યાન ભોજનના રસોડા, પુસ્તકાલય,વ્યાયામ શાળા, સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ,સ્મશાન ગૃહ,વોટર રીસાયકલીંગની વ્યવસ્થા રોલર એનર્જી,ગટર, સ્ટ્રીટ લાઇટ અને પાણીના ટ્યુબવેલ- કુવાની-પાણીની ટાંકીની મોટર,તળાવ બ્યુટીફિકેસન, એસ.ટી.સ્ટેશન સહીતની પાયાની સુવિધાઓ માટે 60 ટકા અનુદાન આપીને ઉભી કરાવી શકશે.
રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ અને ગ્રામ જનોને પ્રાથમિક અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા ખાસ “વતન પ્રેમ યોજના ” અમલી બનાવી છે.આ વતનપ્રેમ યોજના હેઠળ દાતાઓ પોતાના વતનમાં કોઈ પણ સુવિધા ઉભી કરવામાં કુલ ખર્ચના 60 ટકા રકમ અનુદાન તરીકે આપશે તો 40 ટકા રકમ સરકાર ચુકવશે. સરકારની આ વતન પ્રેમ યોજનાથી ગામડાઓને પણ શહેર જેવો વિકાસ અને સુવિધાઓ મળશે.ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જનસુવિધાઓ માટે વતન પ્રેમીઓને જન્મભૂમિ – માતૃભૂમિનું રૂણ ચૂકવવાની ઉત્તમ તક આપવા વિકાસ કાર્યોમાં જનભાગીદારીનું સૌથી મોટા અભિયાન તરીકે આ યોજના રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે.
આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વતન પ્રેમ યોજના સોસાયટીની રચના કરવાની રહેશે.આ સોસાયટી અંતર્ગત ગવનીંગ બોડી અને કારોબારી સમિતિ રહેશે અને આ ગવર્નિંગ બોડી અને કારોબારી સમિતિના સભ્યોની સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવશે.ઉપરાંત વતન પ્રેમ યોજના સોસાયટી હેઠળ અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવાનુ રહેશે.ખાસ વાત તો એ છે કે આ યોજના હેઠળ પુર્ણ થતા કામોમાં દાતા સૂચવે તે મુજબ નામાભિધાન અથવા નામની તકતી સરકારે નક્કી નિર્ધારીત કરેલી એક સમાન ડિઝાઇન પ્રમાણે રાખવાની રહેશે.