સફળતાની માસ્ટર કી : ટીમવર્ક

703

ફર્ક  નથી પડતો કે તમે કેટલા ટેલેન્ટેડ છો, તમારી સ્ટ્રેટેજી કેટલી કમાલની છે, પરંતુ જો તમે એકલા કામ કરી રહ્યા છો તો તમે હંમેશા વ્યક્તિથી હારશો જ, કે  જે પોતાની મજબુત ટીમની સાથે કામ કરે છે.” –  જેફ બેજોસ ( એમેઝોન)

DIAMOND TIMES – ટીમ એટલે મજબુતાઈ. એક લાકડી તોડવી સરળ છે, પણ ચાર લાકડી માટે મહેનત કરવી પડે છે.એ જ રીતે ટીમ જેટલી મોટી, કંપનીની મજબુતાઈ એટલી વધુ. બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવીએ ત્યારે જે સરસ મજાનું જોડકું રચાય છે, તે એટલે કંપની. ટીમમાં દરેકનું કામ, મગજ, આવડત અલગ અલગ છે, અસીમિત છે.કોઈપણ કંપનીની સ્ટ્રેન્થ કેવી રીતે માપી શકાય ? તમે જો એક બિઝનેસમેન છો તો વિચારો કે, તમને તમારા બિઝનેસ સર્કલમાંથી કોઈ અન્ય બિઝનેસમેન કે પછી અજાણ્યા ગ્રાહક તમારા વિષે શું જાણવા કરશે ? – તમારી ટીમમાં કોણ કોણ છે ? એમની લાયકાત ? કેવા ગ્રાહકો સાથે કામ કરે છે ? પ્રોડક્ટ કે સર્વિસની ગુણવતા અને સમયસર ડિલિવરી માટે કેપેબલ છે કે નહિ ? વગેરે… આ દરેક પ્રશ્નનો જવાબ એક બિઝનેસમેન તરીકેની આપણી કેપેબીલીટી અને આપણા વ્યવસાયની ક્ષમતાઓને નિર્ધારિત કરશે.યોગ્ય ટીમ બનાવવી અને એને જાળવી રાખવી એ લીડરશીપ માટેની અતિ આવશ્યક કળા છે. જેના માટે કેટલાક મુખ્ય પરિબળો સમજીએ.

નેતૃત્વ શૈલી

લીડરશીપ સ્ટાઇલ સમગ્ર ટીમની સફળતામાં કેવો રોલ ભજવે છે, તે જાણવું ખુબ જરૂરી છે.એક લીડર તરીકે તમારા વર્તન પર ટીમનાં દરેક સભ્યનું ધ્યાન હોય છે.ટીમ સમક્ષ તમારો દેખાવ અને તમારું વ્યક્તિત્વ એક ઉદાહરણ પૂરું પાડનારું હોવું જોઈએ.હાલના સમયમાં મોટા ભાગની ઓર્ગેનાઇઝેશન, કોઈપણ પ્રોજેક્ટ માટે ટીમ આધારીત વલણ અપનાવી રહી છે. લીડર આદેશ આપે અને ટીમને કંટ્રોલ કરે એ જમાનો ગયો અને મહદઅંશે હવે સફળ પણ નથી. લીડરનો રોલ હવે ટીમ મેમ્બરને પુરી સુવિધા પુરી પાડવાનો,તેમને શીખવવાનો અને તેમને નિર્ણયો લેતા કરવા નો થઇ ગયો છે. મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનાં મીડલ લેવલ મેનેજરોને ટીમ લીડર બનાવવા ઇચ્છતી હોય છે કે, જેનાથી તેઓ ટીમને નોલેજથી અપડેટ કરે,પ્રોત્સાહિત કરે અને સશક્ત બનાવે.જેથી કંપનીની ઉત્પાદકતા વધે.આ જ પોલિસી આપણા નાના કે મોટા બિઝનેસમાં પણ અપ્લાય કરી શકાય.

ટીમ સાથે કામ કરવા માટે કોઈપણ લીડર માટે મુખ્ય ચાર શરતો આ છે :

પ્રામાણિક બનો  : –  તમે તમારી ટીમ સાથે પ્રામાણિક હોવા જોઈએ. પ્રામાણિકતા વિશ્વાસને આમંત્રણ આપશે અને વિશ્વાસથી તમારા પ્રત્યે આદરભાવ નો જન્મ થશે.
પ્રેક્ટિકલ બનો :– ક્યારેક આપણી નબળાઈ ને કારણે ટીમનો આત્મવિશ્વાસ ઢીલો પડી શકે છે.કામની સાથે ક્યારેક રમૂજ પણ કરવી જોઈએ.પોતાની જાતને નોર્મલ રાખીને ગંભીરતાપુર્વક કામ કરવાની આપણી કળા બાકીના સભ્યો નો માનસિક તણાવ ઓછો કરી શકે છે.
સારા કમ્યુનિકેટર બનો : –

સારા કમ્યુનિકેટર તરીકે પોતાના વિચારોને એટલી સરળતાથી અને સ્પષ્ટતાથી મુકવાના છે કે, સામેની વ્યક્તિ સમજી શકે. ઘણીવાર તમે સહમત ના હો છતાં પણ ટીમમેમ્બર ના અભિપ્રાયોને મહત્વ આપવું જરૂરી છે, જેથી તેમના મનમાં પોતાના પ્રત્યે લઘુતાગ્રંથિ ન ઉભી થાય.

નિયમિત બનો : –  સમયસર ઓફિસ આવવું અને ટાઈમ-લાઈન પ્રમાણે ધારેલા કામને પૂરું કરવું એ લીડરની જવાબદારી છે. તમારી નિયમિતતા તમારી ટીમને નિયમિત બનવા માટે પ્રેરણા આપશે.
ટીમ વિશે પુરતી માહિતી રાખો

ટીમનું પરફોર્મન્સ અને પરિણામ સુધારવા કે વધારવા માટે કરવા પડતા જરૂરી પ્રયાસો માટે જેમ આપણે જવાબદાર છીએ તેમજ આપણી ટીમના દરેક મેમ્બરને જણાવવું, સમજાવવું અને તેને હંમેશા પ્રોત્સાહિત કરવા એ પણ એક જવાબદારી છે.ટીમ મેમ્બરની જરૂરિયાતોને સમજીને પુરી કરવી, ટીમ મેમ્બર્સ વચ્ચે થતા મતભેદોને સ્વીકારી તેનો ઉકેલ લાવવો અને પોતાના સહકર્મીની મદદ કરવી એ બધું અત્યંત આવશ્યક છે. ઉપરાંત, ટીમની તાકાત અને ક્ષમતાને ઓળખવી જેથી જયારે કામ લઇ રહ્યા હોય ત્યારે આપણને એ વ્યક્તિની સ્કિલ હંમેશા ધ્યાનમાં રહે.દરેક સારો લીડર એ તો જાણતો જ હોય છે કે ટીમ માટે ક્યારે ક્યુ બટન દબાવવું ,તેમની આજુબાજુમાં રહેલા ટેલેન્ટને ઓળખવામાં તેઓ બહુ પાવરધા હોય છે.ઉપરાંત, દરેક ટીમ મેમ્બર ઉપર પરોક્ષ નજર પણ હોવી જોઈએ જેને 360 એંગલથી ‘સોફ્ટ સુપરવિઝન ‘ પણ કહી શકાય,  જેનો મતલબ કડક વોચ નહિ પણ ટીમમેમ્બર્સની કાર્યક્ષમતાને બારીકાઈથી સમજવી, એના લક્ષણ-સ્વભાવ અને કંપની પ્રત્યે ડેડિકેશનને ઓળખવા માટે  તેમજ કોઈ ભૂલ કે ખોટા ઈરાદા ને શરૂઆતમાં જ ડામી દેવા મદદરૂપ થાય.

‘ વિચારો કે ટીમ મેમ્બર્સ પઝલના ટુકડાઓ છે, જેને એકબીજા સાથે ઘણી  બધી રીતે ગોઠવી શકાય છે, અને યોગ્ય જગ્યાએ ગોઠવાય તો આખી કંપની પરફેક્ટ બની જાય.’

વિચારોની વિવિધતા

ટીમના દરેક સભ્યની પોતાની વિચારવાની અને કામ કરવાની ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે. યોગ્ય રીતે ગઠિત થયેલી ટીમ ની કાર્યક્ષમતા તેના દરેક સભ્યની વ્યક્તિગત આવડત કરતા હંમેશા વધુ હોય છે. અગત્યની વાત સમજવાની એ છે કે ટીમનો દરેક સભ્ય ઉત્તમ હશે તો જ આખી ટીમ ઉત્તમ બનશે એ જરૂરી નથી,મહત્વનું છે એનું ગઠન.એવી ટીમનું નિર્માણ કરી શકાય જેની વિચાર કરવાની ક્ષમતા અદ્રિતીય હોય, પ્રોડક્ટિવ હોય.કેટલાક પ્રેક્ટિકલ ટેસ્ટ અને રિસર્ચ મુજબ,

– સામાજીક રીતે ભાવુક લોકો ટીમમાં વધુ હોવા જોઈએ કે,જે પોતાના સહકર્મીના વિચારો કે મંતવ્યો સાથે સંવેદનશીલ રહી શકે.

– ટીમ મેમ્બર્સ એવા હોવા જોઈએ કે તેઓ બીજાના અવાજ નીચે દબાવવાના બદલે તેમની સાથે ખભો મિલાવીને ચાલી શકે.

– જ્ઞાનની દ્રષ્ટિએ દરેક ટીમ મેમ્બરમાં વિવિધતા હોવી જોઈએ. ટેક્નિકલ અને નોનટેક્નિકલ ટીમનું પૂરતું બેલેન્સ હંમેશા જીત અપાવે છે. 

ફિડબેક સિસ્ટમ

આપણી કંપનીની ટીમ સાચા રસ્તા પર જઈ રહી છે કે નહિ એની ખાતરી કરવા માટે ફિડબેક અત્યંત જરૂરી છે. અગત્યનું એ છે કે ફિડબેક સમયાંતરે સુધરવા જોઈએ અને બદલતા રહેવા જોઈએ. ફીડબેક એ એક પારદર્શક કોઈ પુર્વગ્રહ કે સંકોચ રાખ્યા વગર વાતચીત કરવાની સિસ્ટમ છે. જે ઔપચારિક કે અંનૌપચારિક, પ્રત્યક્ષ કે ગુપ્ત રીતે થઇ શકે. જો કોઈ કંપનીનું સ્ટ્રક્ચર કડક હોય તો ફીડબેક આવવો થોડો મુશ્કેલ છે અને કદાચ આવે તો પણ એ સાચો કે પ્રમાણિત છે તે કહી ન શકાય. એટલે ટીમ કે કંપનીમાં કઠોરતાની જગ્યાએ ફ્લેક્સિબિલિટી અને સક્રિયતા હોવી જોઈએ. સક્રિય ફીડબેક ને આવકારો અને તેમની સરાહના  કરો, કારણકે એના થકી જ ટીમમાં નિયમિતપણે સુધારા થશે. આપણી ટીમ સક્રિય છે કે કેમ, તે નક્કી કરવા નીચેના પોઈન્ટ્સ ધ્યાનમાં  લો.

નેગેટિવિટી ધરાવતી ટીમનાં લક્ષણો :

– પ્રોજેક્ટ / કાર્ય  કમ્પ્લીટ કરવામાં સ્ટ્રગલ કરી રહેલ ટીમ મેમ્બર

– પોલીટીક્સથી ભરપૂર ટીમ, એકબીજાની ફરિયાદ કે ઉપેક્ષા

– ઓપન કન્વર્ઝેશનની ઉણપ

ટીમને સક્રિય બનાવવા માટેની કેટલીક ટિપ્સ :

– ટીમ મેમ્બરને સુધારાના અવકાશ બતાવો.

– ટીમ મેમ્બર્સના સૂચનો અને તેના માટે કરવી પડતી જરૂરી પ્રક્રિયા વિશે તેમને જ પુછો.

– ટીમને રીઝલ્ટ ઓરિયેન્ટેડ બનાવો.

– સક્રિય વર્તન ધરાવતા ટીમ મેમ્બરને રીવોર્ડ આપી સન્માનિત કરો.

દહીં- હાંડી નાં પ્રસંગ દ્વારા દુર રહેલા અશક્ય લક્ષ્યને ટીમવર્ક દ્વારા સહજતાથી પ્રાપ્ત કરી શકાય એવો સુંદર સંદેશ દેનાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની સૌને બધાઈ..

પોતાની જાતને આગળ વધતી જોવાનો સૌથી સરળ માર્ગ છે બીજાઓને આગળ વધવામાં મદદ કરવી..”