યુવા ગ્રાહકોની માંગને સંતોષવા ટ્રેસિબિલીટી પોગ્રામ સક્ષમ : ડેવિડ બ્લોક

791
જીજેઇપીસી દ્વારા આયોજીત વેબિનારમાં ડાયમંડ પાઇપ લાઇનમાં ટ્રેસિબિલીટી ટેકનોલોજીના ફાયદાઓ અંગે નિષ્ણાંતો દ્વારા ગહન ચર્ચાઓ…

DIAMOND TIMES – ગત તારીખ 24 મી મેના રોજ નેચરલ ડાયમંડ ઇકોસિસ્ટમમાં ટ્રેસિબિલીટી વેલ્યુ પર જીજેઇપીસી દ્વારા એક ખાસ વેબિનાર યોજવામાં આવ્યો હતો.આ વેબિનારમાં ડાયમંડ પાઇપ લાઇનમાં ટ્રેસિબિલીટી ટેકનોલોજીના ફાયદાઓ અંગે નિષ્ણાંતો દ્વારા ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. નિષ્ણાંતોની આ પેનલમાં ઈઝરાયેલની  કંપની સરીન ટેકનોલોજીના સીઇઓ ડેવિડ બ્લોક, જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ, જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી- રે તેમજ જીજેઇપીસીના રિજિયનલ અધ્યક્ષ દિનેશ નાવડિયા જોડાયા હતા.

David Block- CEO Sarin Technologies
David Block- CEO Sarin Technologies

ટ્રેસીબિલીટી ટેક્નોલોજીની કાર્ય પ્રણાલી અને પર્યાવરણીય રીતે સભાન યુવા ગ્રાહકોની માંગને પુર્ણ કરવામાં ટ્રેસિબિલીટી ટેકનોલોજીના મહત્વ અંગે ચર્ચા કરતા નિષ્ણાંતોએ કહ્યુ કે વર્તમાન સમયે યુવા ગ્રાહકો પર્યાવરણ બાબતે વધુ સભાન બન્યા છે.તેઓ સમજવા માંગે છે કે હીરાનું ઉત્પાદન ક્યાં અને કેવી રીતે થાય છે,તેમજ ગ્રાહકો સુધી પહોંચવાનો તેનો પ્રવાસ કેવો હોય છે.ગ્રાહકો આ પ્રકારની તમામ જરૂરી માહીતી આસાનીથી પ્રાપ્ત કરી શકે તે માટે ખાસ ટ્રેસિબિલીટી પોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.આ પોગ્રામના માધ્યમથી વિશ્વના કોઇ પણ દેશમાં થતા રફ હીરાના ખાણકામ અને ત્યારબાદ ભારત જેવા ઉત્પાદન કેન્દ્રો સુધીની હીરાની સફર એટલે કે માર્કેટથી માઈન્સ સુધીની સમગ્ર ચેઈન અંગે કોઇ પણ લોકો માહીતી પ્રાપ્ત કરી શકે છે.ઉલ્લેખનિય છે કે અગ્રણી રફ ઉત્પાદક કંપની ડી બિયર્સ સહીત સરીન ટેકનોલોજી દ્વારા પણ ખાસ ટ્રેસિબિલીટી પોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.

સરીન ટેકનોલોજીના સીઇઓ ડેવિડ બ્લોકએ કહ્યુ કે સરિને ટ્રેસિબિલીટીના ત્રણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેમા હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અગાઉથી જ ટ્રેસબિલીટી પોગ્રામને એકીકૃત કરવામાં આવેલ છે.જેથી ટ્રેસિબિલીટી પોગ્રામ એપ્લાય કરવાની ઇચ્છા રાખનાર કંપનીએ ઉપકરણોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પડતી.સરીન દ્વારા નિર્મિત નવી ટેકનોલોજીમાં ઉચ્ચ સ્તરની ટ્રેસિબિલીટી સક્ષમ હોવાથી તેના ઉપયોગ થકી હીરાની શોધખોળ , ખાણકામથી લઈને ગ્રાહક સુધીની સમગ્ર સફર અંગે સરળતાથી માહીતી મેળવી શકાય છે.ઉલ્લીખનિય છે કે એલોરોઝા અને લ્યુકારા ડાયમંડ કોર્પોરેશન સરિનના ટ્રેસિબિલીટી પ્રોગ્રામ સાથે સફળતા પુર્વક કામ કરી રહી છે.