સોનાનો ભાવ ટોચના સ્તરેથી 17 ટકા નીચો હોવાથી કોરોનાના કારણે ગત વર્ષની ફેઈલ ગયેલી સિઝન સરભર થઈ જવાનો ઝવેરીઓનો આશાવાદ, આગામી મહીનાઓમાં લગ્નગાળાની સિઝન પણ ફળશે
DIAMOND TIMES- દેશમાં એક તરફ કોરોનાના કેસ ઘટતા હવે તહેવારોનો જબરો ઉમંગ છે અને સરકારી બોનસ ની પણ જાહેરાત થવા લાગી છે છેલ્લા બે વર્ષથી બજારોમાં જે સાવ ફિકકો માહોલ દેખાતો હતો તે બદલાઈ ગયા છે અને બજારોમાં પણ ભારે ભીડ છે. શેરબજારમાં તેજીના કારણે જે કમાણી છે તે પૈસા પણ બોલવા લાગ્યા છે અને સૌથી મોટું દેશમાં દિપાવલી પુર્વે જ સોનાના ભાવમાં જે 17% જેઓ મોટો ઘટાડો આવ્યો છે તેથી આ વર્ષે તહેવારોના સમય માં તથા દિપાવલી બાદ લગ્નના જે મુર્હુત છે તેના કારણે સોનાની-આભૂષણોની ખરીદી ખૂબ જ વધશે તેવો અંદાજ છે.
છેલ્લા બે વર્ષથી કોરોના ખેલ બગાડતો રહ્યો હતો તેથી લગ્ન સહિતના સમારોહમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો પણ આ વર્ષે સસ્તુ સોનુ સૌથી મોટું આકર્ષણ બની રહે તેવી ધારણા છે. ગત વર્ષ કરતા સોનાના ભાવ 17% નીચા આવ્યા છે અને હજુ લાંબા સમય સુધી આ સપાટીની આસપાસ જ ભાવ રહેશે અને હાલ ટોપના લેવલથી રૂા.48000ની આસપાસ 10 ગ્રામ સોનાનો ભાવ છે.જે નવી ખરીદી માટે આકર્ષણ છે.છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ ઉંચા રહેતા અને રૂા.50000થી પણ ઉંચા ચાલ્યા જતા ઈન્વેસ્ટમેન્ટ માટે જે સોનુ પડયું હતું તે વેચાવા આવ્યું હતું.
તો બીજી તરફ ઉંચા ભાવના કારણે લાખો પરિવારોએ તેમના પ્રસંગ કે આવશ્યકતા સમયે ઘરમાં પડેલા દાગીના વેચીને કામ ચલાવ્યું હતું અને હાલના નીચા ભાવે ઈન્વેસ્ટર્સ પણ પાછા દાખલ થશે તો પરિવારો પણ સોનું ખરીદી કરશે. ભારતમાં લગ્ન ઉપરાંત સલામત રોકાણમાં સોનુ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તહેવારોના સમયે જ 186 ટન સોનુ વેચાય છે અને કોરોના કાળમાં દેશમાં સોનાની ખરીદી- આયાત બન્ને ઘટયા હતા.
2020માં સોનાની ખરીદી 20 વર્ષના સૌથી નીચા 446.4 ટન પર પહોંચી હતી અને તેથી હવે વેચાણ 50% જેટલું વધવાની આશા છે. ભારતમાં દિપાવલીના તહેવારો સોનાની ખરીદીમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને તેથી હવે નવી ડિઝાઈન તથા શોરૂમ પણ નવા આકર્ષણ સાથે સજવા લાગ્યા છે.
હીરા જડીત જ્વેલરીનું બજાર વિસ્તરી રહ્યુ છે. : સુરેશભાઈ પટણી
ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા એક ઝવેરીએ કહ્યુ કે સોનાના સાદા દાગીનાના સ્થાને હવે 70 થી 80 ટકા ગ્રાહકો હીરા જડીત ઝવેરાતની ડીમાન્ડ કરી રહ્યા છે.તેમા પણ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની કીંમત 30 ટકા જેટલી હોવાથી લેબગ્રોન હીરા જડીત દાગીનાના વેંચાણમાં અનેક ગણો વધારો થયો છે.