ભારતીય હીરા ઉદ્યોગ ભવિષ્યને લઈને ખુબ આશાવાદી

116

ડાયમંડ ટાઇમ્સ

કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉન પછી વિશ્વભરના જવેલરી બજારો ખુલી જતા હીરા અને ઝવેરાત ઉદ્યોગ રિકવરીની સ્થિતિમાં છે. અમેરીકા,ચીન, હોંગકોંગ, યુરોપ સહીત વિશ્વના અન્ય દેશોમાં હીરા – ઝવેરાતની નિકાસ શરૂ થઈ ગઈ છે.આગામી સમયમાં પણ નિકાસ વધવા અંગે ભારતીય હીરા ઉદ્યોગ ખુબ જ આશાવાદી છે.કેમ કે અમેરીકા,ચીન અને યુરોપ સહીત વિશ્વના બજારોમાથી પુન: રિકવરી પ્રાપ્તિના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે.ઉપરાંત હિરા અને ઝવેરાતના ઓર્ડરમાં પાછલા ચાર મહીનાઓથી સતત વધારો જોવા મળી રહ્યો છે.

આવી ઉત્સાહજનક સ્થિતિ વચ્ચે ચીનના ગ્વાંગઝો ડાયમંડ એક્સચેંજ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાઇનામાં જ્વેલરીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે.અહેવાલમાં જણાવાયું છે કે ચાઇનામાં રોગચાળો કાબુમાં આવતા મોટાભાગનાં જ્વેલરી સ્ટોર્સ ફરી ધમધમતા થયા છે.ચીન તેમજ હોંગકોંગ અને મકાઉમાં જ્વેલરી સ્ટોર્સમાં અસાધારણ કામગીરી જોવા મળી છે.જ્વેલરીના મજબૂત વેચાણને કારણે હોંગકોંગ અને મકાઉ બજારોમાં સતત સુસ્ત વેચાણને વેગ મળ્યો છે.

નિકાસને વેગ આપવા જીજેઇપીસીની ઝૂંબેશે ખુબ જ અસરકારક રહી

સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 19.60 ટકાનો ઘટાડો થયો હતો.આવી સ્થિતિ વચ્ચે ઉદ્યોગને ગતિ આપવા અને નિકાસ વધારવા જીજેઇપીસીએ અનેક પગલાઓ ભર્યા હતા.જેમા વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ IIJS 2020 મુખ્ય હતી.જે ખુબ જ સફળ રહી હતી.એક અંદાજ મુજબ આઇઆઇજેએસના પ્લેટફોર્મની મદદથી આશરે 137 મિલિયન ડોલરનો કારોબાર થયો હતો.આ શોની સફળતા અંગે ઉદ્યોગકારોએ કહ્યુ કે આઈઆઈજેએસ વર્ચ્યુઅલના છેલ્લા પાંચ દિવસોમાં ખુબ જ ચમત્કારિક પરિણામો મળ્યા હતા.ઓક્ટોબર 2020માં આઇઆઇજેએસ વર્ચ્યુઅલની પહેલી આવૃત્તિમાં પ્રદર્શકો અને ખરીદદારો તરફથી મળેલા જબરદસ્ત સકારાત્મક પ્રતિસાદ પછી જીજેઇપીસીએ જાન્યુઆરી 2021માં IIJSની બીજી ઇવેન્ટ યોજી હતી.જેના પણ શાનદાર પરિણામો મળ્યા હતા. આ ઉપરાંત 25 થી 28 નવેમ્બર 2020 દરમિયાન જીજેઇપીસી દ્વારા આયોજિત પ્રથમ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી વર્ચ્યુઅલ બાયર-સેલર મીટ પણ ખુબ જ મહત્વપુર્ણ રહી હતી.વર્ચ્યુઅલ બાયર-સેલર મીટમાં અમેરીકા, યુ.કે, યુરોપ ,ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ અને રશિયાના ખરીદદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

રફ ઉત્પાદક કંપનીઓનો પણ પ્રાપ્ત થયો સહયોગ

બીજી તરફ અગ્રણી રફ ઉત્પાદક કંપનીઓ અલરોઝા અને ડી-બિયર્સ પણ માર્કેટની વર્તમાન સ્થિતિથી ભારે ઉત્સાહીત છે.આ બંને કંપનીઓ ભારતના હીરા મેન્યુફેકચરર્સને ટેકો આપવાના મુડમા જણાય છે.બંને રફ કંપનીઓએ ભારતિય સાઈટ હોલ્ડર્સ કંપનીઓ સાથેના કરારને લંબાવતા ભારતની સાઈટ હોલ્ડર્સ કંપનીઓ પરનું આર્થિક દબાણ હળવુ થવાની સાથે તૈયાર અને રફ હીરાના સ્ટોકને મેનેજ કરવામા સરળતા રહી હતી.