રફ હીરાના ભાવ વધારાએ નાના કારખાનેદારો માટે વિષમ પરિસ્થિતિનું કર્યુ નિર્માણ

1114

રફ હીરાના ભાવ વધારાએ નાના કારખાનેદારો માટે એક તરફ યુદ્ધ અને બીજી તરફ ખીણ જેવી કપરી અને વિષમ પરિસ્થિતિ ઉભી કરતા કારખાનેદારોનો પ્રોફીટ માર્જીનનું ધોવાણ,રફ હીરાની તુલનાએ તૈયાર હીરાની કિંમત નહી વધતા નાના કારખાનેદારોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી

DIAMOND TIMES – કોરોનાની પ્રથમ વેવ બાદ જાન્યુઆરી થી જૂલાઈ-2021 દરમિયાન અમેરીકા, યુરોપિયન દેશો,મધ્ય પુર્વના દેશો અને ચીન સહીત વૈશ્વિક બજારમાં હીરા અને હીરા જડીત દાગીનાની ખૂબ માંગ રહી હતી કોરોના અને લોક ડાઉનના અંકુશોના લીધે પાછલા એક વર્ષથી મુખ્ય ખાણ ઉત્પાદક કંપનીઓએ રફ ઉત્પાદન મર્યાદિત કર્યુ હતુ.પરંતુ વિશ્વના દેશોમાં પોલિશ્ડ હીરાની વધતી માંગને પહોંચી વળવા ભારતીય હીરા ઉત્પાદકોએ જ્યારે રફ હીરાની ખરીદી વધારી દીધી કે તેના પગલે તરતજ રફ કંપનીઓએ પણ રફ હીરાની કીંમતોમાં કમરતોડ વધારો કર્યો છે.જાન્યુઆરી થી જુલાઈ- 2021 સુધીના સાત મહિના દરમિયાન અગ્રણી રફ કંપની ડી બિયર્સએ 3.04 અબજ ડોલરના રફ હીરાનું વેચાણ કર્યુ હતુ.ઉલ્લેખનિય છે કે ગત વર્ષમાં આ સમાનગળામાં ડીબિયર્સ માત્ર 1.09 બિલીયન ડોલરની રફનું વેંચાણ જ કરી શકી હતી.

રફના પુરવઠાની તુલનાએ માંગમાં વૃદ્ધિ થતા આ તકનો લાભ ઉઠાવી રફ કંપની ડીબિયર્સએ જુલાઈના અંતિમ સપ્તાહમાં રફ હીરા ની સરેરાશ કીંમતોમાં 4થી 5 ટકાનો વધારો કરાયો હતો.વહેતી ગંગામાં હાથ ધોવા અલરોઝાએ પણ રફની કીંમતમાં સરેરાશ 7 ટકાનો ભાવ વધારો કર્યો હતો. આમ જુન અને જુલાઇ એટલે કે પાછલા બે મહીનામાં રફ હીરાની વિવિધ કેટેગરીમાં સરેરાશ 20 થી 25 ટકાનો ભાવવધારો થયો છે.પતલા રફ હીરાની કેટલીક કેટેગરીમાં 30 ટકા સુધી પણ કિંમતો વધી ગઈ છે. જેની તુલનાએ તૈયાર હિરામાં ભાવવધારો થયો નથી.રફની એવરેજ કીંમતમાં 25 ટકાના ભાવ વધારાની તુલનાએ પોલિશ્ડની સરેરાશ કીંમતોમાં માત્ર 12 ટકા જ ભાવ વધારો થવાથી આવનારા સમયમાં કારખાનેદારો મુશ્કેલીમાં મુકાવાના એંધાણો દેખાઈ રહ્યા છે.

હિરા ઉદ્યોગમાં સૌથી વધારે કફોડી પરિસ્થિતિ વારંવાર જો કોઈની થતી હોય તો એ નાના કારખાનેદારોની છે.તૈયાર હીરાની માંગ નિકળે ત્યારે રફ હીરાની કીંમતો આ રીતે એકા એક વધારી દેવામાં આવી હોય તેવુ ભુતકાળમાં બન્યુ નથી. જેથી ઘણા કારખાનેદારો તૈયાર માલના ભાવ વધારાનો લાભ લઇ શકતા હતા . પરંતુ વર્તમાન સમયમાં પોલિશ્ડમાં થોડી પણ હલચલ થાય એટલે બરફ જેવુ ઠંડુ રફ બજાર તુરંત ગરમ થઇ જાય છે. મોટાભાગના કારખાનેદારો રફ માર્કેટ સ્થિર હોય ત્યારે એક સાથે રફની ખરીદી કરી લેતા હોય છે. પછી ધીમે ધીમે એ રફ ચડાવી બનાવવા લાગે છે. જેથી ભુતકાળ માં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ અને ભાવ વધારાનો ફાયદો નાના કારખાનેદારોને મળી ચુક્યો છે.બાકી જો કરંટમાં રફની ખરીદી કરી તેમાથી પોલિશ્ડ તૈયાર કરવામાં આવે તો ક્યારેય આંકડા ઉભા થતા નથી.

માર્કેટ હંમેશા એવું તંદુરસ્ત હોવું જોઈએ કે કરંટમાં માલ લઈને બે પૈસા રળી શકાય.અનેક વખત એવા સંજોગો ઉભા થાય છે કે રફને તૈયાર કરવા કરતા તેનુ બારોબાર વેંચાણ કરવાથી વધુ નફો કરી શકાય છે. વર્તમાન સમય એવો વિક્ટ છે કે પોલિશ્ડ બનાવવા જતા પૈસા તૂટે છે. પહેલા એવો સમય હતો કે તમે કોઈ પણ રફને બનાવો તો પૈસા જ ઉભા થતા. હવે એવો સમય નથી રહ્યો. જેવી પોલિશ્ડ માર્કેટમાં થોડી ડિમાન્ડ આવે એટલે તુરંત જ એ આર્ટિકલ્સના રફના ભાવ ઉપર જતા રહે છે.તૈયાર માલમાં આવેલી હલચલનો રફ ઉત્પાદકો ભરપુર લાભ ઉઠાવે છે.જે કારખાનેદારો પાસે જૂનો સ્ટોક પડ્યો હોય માત્ર એટલા ગણતરીના કારખાનેદારોને જ ફાયદો થાય છે.બાકી કરંટમાં રફ લઈ તૈયાર કરીને પોલિશ્ડ હીરા વેચવા વાળાને પૈસા તૂટે છે.

વળી તમામ કારખાનેદારો રફ હીરાનો મોટો સ્ટોક કરી શકે એટલા આર્થિક સધ્ધર નથી.જેથી કરંટ રફ લઈને તૈયાર બનાવીને વેચવું પડતું હોય છે. એ તમામ કારખાનેદારોની હાલત સૌથી વધુ કફોડી બની જતી હોય છે. કારણકે ગરમ રફ લઈને પણ તૈયારનાં પૈસા ઉભા થતા નથી.આ ઉપરાંત તૈયાર હીરાની ખરીદી કરતા ટ્રેડર્સ પણ નિર્ધારીત કીંમતે તૈયાર હીરા મળે ત્યા સુધી જ ખરીદી કરે છે. એટલે કે ભાવની રેન્જમાં માલ મળે તો લે છે નહીંતર શાંતિથી બેસી જાય છે . પરંતુ કારખાનેદારો માટે આ શક્ય નથી. એક વખત કારખાનું બંધ કર્યા પછી તેને ફરીથી શરૂ કરવું ખુબ મુશ્કેલ કામ છે. ભાડેથી જગ્યા લઈ રત્નકલાકારોથી -મેનેજર શોધવા સહીતનું નવુ માળખુ ઉભુ કરવામાં ખુબ સમય શક્તિ અને નાણા વેડફાઇ જતા હોય છે.

જેથી કારખાનેદારો માટે નુકશાનીમાં પણ કોઈપણ હિસાબે કારખાનું શરૂ રાખવું મજબૂરી બની જતું હોય છે. ઘણી વખત તેઓ જંગી ખોટ ખાઈને પણ કારખાનું શરૂ રાખતા હોય છે. કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે જો એક વખત ફેકટરી બંધ કરીશુ તો ફરીથી તેને શરૂ કરવામાં ખુબ જહેમત લાગી જશે. નવુ માળખુ ઉભુ કરી ટ્યુનિંગ લાવતા ખુબ સમય લાગશે.નાના કારખાનેદારોની મજબૂરીનો આ ગેરલાભ રફ વાળા ઉઠાવે છે.રફમાં જ્યારે ભાવ વધારો આવે ત્યારે મોટી કંપનીઓ ના માલિકો સાઈડ થઈ જતા હોય છે. કારણકે એમની પાસે રફનો પુરતો સ્ટોક હોય છે. પરંતુ નાના કારખાનેદારો પાસે રફનો સ્ટોક નહી હોવાથી તેમને મજબુરી થી ઉંચી કીંમતે ગરમ રફ લેવી પડે છે. કારણ કે તેઓની પાસે ગરમ રફની ખરીદી કરવા અથવા તો કારખાનું બંધ કરવા સિવાય ત્રીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

ઉપરાંત નાના કારખાનેદારોનું કોઈ સંગઠન નહી હોવાથી એમનો અવાજ ઉપર સુધી પહોંચી શકતો નથી. જેથી યોગ્ય સમયની રાહ જોયા સિવાય બીજો કોઈ છૂટકો નથી.હીરા ઉધોગમાં હંમેશા સૌથી વધુ કફોડી હાલત થતી હોય તો એ નાના કારખાનેદારોની છે.જેવું પોલિશ્ડ ચાલે એટલે તરત જ રફ વાળા ભાવ વધારી દે છે. બીજી તરફ તૈયાર હીરાની ખરીદી કરવા વાળા ભાવની રેન્જમાં આવે તો જ માલ લે છે. રત્નકલાકારો સહીત તમામ સ્ટાફને કાયમી સાચવવો આ નાના કારખાનેદારો માટે ખુબ કઠીન કામ છે. હીરાનું કારખાનું ચલાવવામાં વિશેષતાના બદલે વિષમતા વધુ હોવાથી ધીમે ધીમે નાના કારખાનેદારો ઓછા થતા જાય છે.

જો કે તૈયાર માલમાં તેજી આવે ત્યારે અનેક જુના જોગી ફરીથી કારખાનું શરૂ કરી દેતા હોય છે. કોરોનાકાળ પછી આવી  અનેક ઘટનાઓ બની છે. હીરાને તિલાંજલી આપી ટેક્સટાઇલમાં ગયેલા અનેક કારોબારીઓએ સાઈડમાં ફરીથી હીરાની ઘંટીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ આ બધું ચાર દિન કી ચાંદની જેવું છે . કારણ કે આ એવું માર્કેટ છે કે જ્યાં તમારું પહેલાથી જ આયોજન અને ગણતરીપૂર્વકની સ્ટેટર્જી હોય તો જ તમો માર્કેટમાં ઉભા રહી શકો છો.બાકી બિલાડી ના ટોપ ની જેમ ગમે ત્યારે ઉગીને છવાઈ જવું એવો સમય હવે રહ્યો નથી.

રફમાં ભાવ વધારાના કારણે રફને ઘસી પોલિશ્ડ બનાવનારા સુરતના હીરા કારખાનેદારોના મનમાં નફો ઘસાઈ જશે એવો ભય ઉભો થયો છે.આ પ્રકારનો ભય રાખવો પણ વ્યાજબી છે.કારણ કે આવી સ્થિતિ વચ્ચે સુરતની કંપનીઓને તેમના કારખાનાઓ ચાલુ રાખવા જરૂરી રફનો પુરવઠો મેળવવા ભારે સ્પર્ધા અને સંઘર્ષ કરી રહ્યા છે.જેનો ગેરલાભ ઉઠાવી ડીબિયર્સ અને રશિયાની કંપની અલરોઝા સહીતની દિગ્ગજ રફ કંપનીઓએ રફ હીરાની કીંમતો વધારી છે. રફ કંપની ઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી રફ હીરામાં કરાયેલા ભાવ વધારાથી સુરતની મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ભારે નારાજ છે. પરંતુ સૌથી વધુ તકલીફ નાના કારખાનેદારોને છે. તેમના માટે તો રફ હીરાના કમરતોડ ભાવ વધારાએ એક બાજુ યુદ્ધ અને બીજી બાજુ ખીણ જેવી કપરી અને વિષમ પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે.