જીએસટી કાયદાની વિસંગતતાથી કારોબારીઓ અને ઉદ્યોગકારોની હાડમારી વધી

163

ઈ વે બિલ પરની 150 ટકા સુધીની પેનલ્ટી સામે રોષ વ્યકત કરતા વેપારીઓએ કહ્યુ કે ચાર વર્ષમાં જીએસટી કાયદામાં 1000  જેટલા સુધારા કરવામાં આવ્યા હોવા છતા આ કાયદો વેપારીઓ માટે મુશ્કેલી રૂપ પુરવાર થયો છે.

DIAMOND TIMES – વેપારીઓના દેશવ્યાપી સંગઠન CAIT (કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ) હોદ્દેદારોની એક બેઠક વડોદરા ખાતે યોજાઈ હતી. જેમાં વેપારીઓને નડી રહેલી જીએસટીની સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં વેપારીઓએ ઈ- વે બિલ પર લગાડાતી ૧૫૦ ટકા સુધીની પેનલ્ટી સામે રોષ વ્યકત કર્યો હતો. વેપારીઓનુ કહેવુ હતુ કે પ્રોડકટસ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ઈ-વે બિલ આપવામાં આવે છે.પણ આ માલ બીજી જગ્યાએ નિર્ધારીત સમયમાં ના પહોંચે તો ૧૫૦ ટકા પેનલ્ટીની સાથે ૧૮ ટકા વ્યાજ ભરવાની નોટિસ આપવામાં આવે છે.વેપારીઓએ માંગણી છે કે આ પ્રકારની નોટિસો મોકલવાનુ સરકાર બંધ કરી ઈ વે બિલમાં સમય મર્યાદાની જોગવાઈને હટાવે તે ખુબ જરૂરી છે.

કેટલાક વેપારીઓનું કહેવું છે કે તેઓ જ્યારે માલની ખરીદી કરે તે સમયે જે જીએસટી લાગતો હોય તો તે વેચનારને ચુકવી દે છે.પરંતુ ત્યારબાદ જો વેચનાર વ્યકિત જીએસટી નહી ભરે તો તેની જવાબદારી ખરીદનાર વેપારીને માથે આવે છે.જેનાથી ઇમાનદાર વેપારીઓને તો બમણો માર પડે છે.

જીએસટીમાં વેપારીઓને પડતી તકલીફ અંગે આગામી દિવસોમાં નાણા પ્રધાન સમક્ષ રજૂઆત કરાશે : CAITના મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ

જીએસટીનો કાયદો આવ્યો ત્યારે કહેવાયું હતું કે વેપારીઓ માટે જીએસટી ભરવો આસાન પ્રક્રિયા હશે.પણ છેલ્લાં ચાર વર્ષમાં આ કાયદો વેપારીઓ માટે મુશ્કેલી રૂપ પુરવાર થયો છે. સરકારે આ કાયદાનું સરળીકરણ કરવાની જરૂર છે. સરકારે જિલ્લા સ્તરે જીએસટી કમિટી બનાવીને તેમાં વેપારીઓને પ્રતિનિધિ તરીકે સ્થાન આપવાની જરૂર છે. જીએસટીમાં વેપારીઓને પડતી તકલીફ અંગે આગામી દિવસોમાં નાણા પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવશે એમ CAIT(કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)ના મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે મીડીયાને જણાવ્યું હતું.

પ્રવિણ ખંડેલવાલે કહ્યુ કે જીએસટી કાયદામાં ચાર વર્ષમાં ૧૦૦૦ જેટલા સુધારા કરવામાં આવ્યા છે.તેના કારણે જીએસટીના કાયદાનું પાલન કરવું મુશ્કેલ બની ગયું છે.તાજેતરમા જ આ કાયદામાં એક મોટો બદલાવ કરાયો છે.જે મુજબ જીએસટીના અધિકારીઓ ઈચ્છે તે વેપારીના બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી સિઝ કરી તેનો જીએસટી રજીસ્ટ્રેશન નંબર પણ કેન્સલ કરી નાખવાની તેમને સત્તા આપવામાં આવી છે. જેની સામે વેપારીને સુનાવણીનો કે તેની વાત સાંભળવાનો અધિકાર પણ અપાયો નથી.

વેપારીઓ જીએસટી રીટર્ન ભરવામાં ભૂલ કરે તો તે સુધારી પણ શકતા નથી. ભૂલથી વધારે રકમ જમા થઈ ગઈ હોય તો તે પ્રમાણે ટેકસ ભરવો પડે છે.પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે. આખા દેશમાં વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, લઘુ ઉદ્યોગો, કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીઝ મળીને ૧૪ લાખ જેટલા વ્યવસાયો છે.નિયમ પ્રમાણે ૪૦ લાખથી વધારેનુ ટર્નઓવર હોય તો જીએસટી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.જેના પરથી ગણતરી કરતા દેશમાં ચાર થી પાંચ કરોડ જેટલા જીએસટી રજિસ્ટ્રેશન હોવા જોઈએ.પરંતુ હાલમાં માત્ર ૧.૨૫ કરોડ જીએસટી રજિસ્ટ્રેશન થયેલા છે.મતલબ કે ૧.૨૫ કરોડ વ્યવસાયીઓ જીએસટી ભરે છે.સરકારને જીએસટી ટેક્સ તરીકે અત્યાર સુધીમાં એક મહિનામાં મળેલી મહત્તમ આવક લગભગ ૧.૧૫ લાખ કરોડ રૂપિયા રહી છે.સરકાર જો જીએસટીના નિયમો સરળ બનાવશે તો બીજા વેપારીઓ પણ રજિસ્ટ્રેશન કરવા પ્રેરાશે.પરિણામે સરકારની જીએસટીની આવક વધીને મહિને બે લાખ કરોડ સુધી પહોંચી શકે છે.પરંતુ તેનાથી વિપરીત જે કારોબારીઓ જીએસટી ભરી રહ્યા છે તેમને પ્રોત્સાહન આપવાના બદલે સરકાર દ્વારા હેરાનગતિ કરાઈ રહી છે.