સરકારને ભાન થવુ જોઇએ કે આ લોકશાહી છે, નહી કે ઇજારાશાહી : અરવિંદ કેજરીવાલ

258

ડાયમંડ ટાઈમ્સ

દીલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના સરથાણામાં જંગી જાહેરસભાને સંબોધિત કરી હતી.કેજરીવાલે સરકારી શાળાઓ , વિજળી , રસ્તા અને ગટર સહીતના દીલ્હીમાં કરેલા વિકાસકાર્યોથી લોકોને માહિતગાર કર્યા હતા.દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરતા તેમણે કહ્યુ કે અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું ? આજે ગુજરાતમાં યુવકો સરકારી કોલેજ શરૂ કરાવવા માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા ખાય છે.ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે દીલ્હીમાં 5 વર્ષમાં કરી દેખાડ્યું છે.અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે પાછળાના 25 વર્ષ ભુલી જશો.

દિલ્હીમાં આજે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં દાખલ કરાવવા લાગ્યા છે.દિલ્હીની ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ છે.આ વખતે દિલ્હીની સરકારી શાળાઓનું 98 ટકા પરિણામ આવ્યું છે.ગુજરાતમાં શિક્ષણની તો વાત એક તરફ રહી પરંતુ શાળાઓની સ્થિતી પણ જર્જરિત છે.જેથી 25 વર્ષથી પલાઠી મારીને બેસી ગયેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે, ઇજારાશાહી નહી.પાંચ વર્ષ જો આપની સરકાર આવશે તો ગુજરાતનો વિકાસ બેવડાઇ જશે.કેજરીવાલે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે નગર નિગમની ચૂંટણીમાં લોકો તરફથી ખુબ જ સારો સહકાર મળ્યો છે.આગામી 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે.તેમાં પણ આમ આદમીને ભવ્ય પ્રતિસાદ આપી બટન માત્ર ઝાડુના જ દબાવા જોઇએ.તમે પણ તમારા ગામમાં લોકો અને મિત્રોને પરમ દિવસે ઝાડુનું બટન દબાવવાની ભલામણ કરજો.

તક્ષશિલા આર્કેડમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો.જેમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો.જેમા ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખૂલી ગઈ હતી.કોર્પોરેશનમાં જ્યારે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જઈ રહ્યા છે ત્યારે આ મૃતક બાળકોને જરૂરથી ન્યાય અપાવશે.કોર્પોરેશનની કામગીરીને દેશભરમાં ટીકા થઈ હતી. ફાયર વિભાગ તેમજ જે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે શહેરી વિકાસ અધિકારીએ મંજૂરી આપી હતી જે અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે હજી સુધી તેમણે યોગ્ય ન્યાય મળ્યો નથી.તક્ષશિલા સાથે સમગ્ર શહેર લાગણીથી જોડાયેલું છે.