એપ્રિલથી જુલાઈ-2021 : હીરા ઉદ્યોગના ઇતિહાસનો સહુથી શ્રેષ્ઠ સુવર્ણ સમય : જીજેઇપીસી

836
સુરતના હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવરત્ન ગેલેરીના ઓપનિંગ માટે જીજેઇપીસી ના ચેરમેન કોલિન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ,ડાયમંડ પેનલ કમિટીના સંજય ભાઈ શાહ સુરત ના મહેમાન બન્યા હતા.  નવરત્ન ગેલેરીના ઓપનિંગ પછી સુરતની મેરીડીયન હોટલ ખાતે ડાયમંડ કમિટીની અગત્યની બેઠક મળી હતી. જેમા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયા , ઉદ્યોગ અગ્રણીઓ શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, શ્રીવલ્લભભાઈ લખાણી (કીરણ જેમ્સ) શ્રીલાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ),પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શ્રી દીયાળભાઈ પટેલ (કપ્પુ જેમ્સ), શ્રી કેશુભાઈ ગોટી (ગ્લોસ્ટાર),શ્રીકીશોરભાઈ વિરાણી (માલદાર) ,શ્રીનાનુભાઈ વાનાણી તેમજ મુંબઈથી પધારેલા હીરા ઉદ્યોગપતિઓશ્રી મનિષભાઈ જીવાણી ( આનંદ ઇન્ટરનેશનલ), શ્રી મહેશભાઈ વાઘાણી (મેટલર) લક્ષ્મી ડાયમંડના શ્રી અશોકભાઈ ગજેરા, શ્રી નરેશભાઈ લાઠીયા તેમજ સુરત ડાયમંડ એસોસિયેસનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરીયા,મંત્રીશ્રી દામજીભાઈ માવાણી તેમજ લેબગ્રોનના વ્યવસાયમાં કાર્યરત ડો. શ્રી સ્નેહલ પટેલ (સીઈઓ, ભંડેરી લેબગ્રોન ડાયમંડ), નવરચિત લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનના પ્રમુખ શ્રી બાબુભાઈ, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ નારોલા સહીતના ચાવીરૂપ હોદ્દેદારો- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

DIAMOND TIMES – સુરત ખાતે મળેલી ડાયમંડ કમિટીની અગત્યની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમ એન્ડ જ્વેલરની નિકાસ વૃદ્ધિ માટે આપેલા રૂપિયા 4 લાખ કરોડનાં લક્ષ્યાંકને સિધ્ધ કરવા ઉદ્યોગને અવરોધરૂપ સમસ્યાના નિવારણ માટે જીજેઇપીસીના હોદ્દેદારો અને ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચે વિચાર-વિમર્શ અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ડાયમંડ ડાયમંડ પેનલ કમિટીના સંજયભાઈ શાહ તેમજ કોલિન શાહે વર્તમાન સમયે જેમ એન્ડ જ્વેલરીની નિકાસનો આંકડાઓ દ્વારા વાસ્તવિક ચિતાર (અહેવાલ) રજુ કર્યો હતો . અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે કેલેન્ડર વર્ષ – 2021માં એપ્રિલથી જુલાઈ મહીનાનો સમયગાળો હીરા ઉદ્યોગના ઇતિહાસનો શ્રેષ્ઠ અને સુવર્ણ સમયગાળો રહ્યો છે.અહેવાલ એમ પણ જણાવવામાં આવ્યુ હતુ કે જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં પ્રથમ ક્રમે અમેરીકા જ્યારે બીજા ક્રમે હોંગકોંગ નું યોગદાન રહ્યુ છે.

જુલાઈ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસમાં 60.91 ટકાનો વધારો

સંજયભાઈ શાહે જુલાઈ મહીનામાં થયેલી જેમ એન્ડ જ્વેલરીની નિકાસના આંકડાઓ આપતા કહ્યુ કે ગત વર્ષે-2020 માં કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વમાં કારોબાર થંભી ગયા હતા.પરિણામે ચાલુ વર્ષે થયેલી નિકાસ વૃદ્ધિની તુલના ગત વર્ષ 2020ની સાથે કરવાના બદલે 2019 સાથે કરવી વધુ યોગ્ય રહેશે. તેમણે કહ્યુ કે વર્ષ 2019 ની તુલનાએ 2021 ના જુલાઈ મહીનામાં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસમાં 60.91 ટકાનો વધારો થયો છે.કીંમતની દ્રષ્ટ્રીએ જુલાઈ 2019 માં કુલ રૂપિયા 10342.25 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવી હતી.જેની તુલનાએ જુલાઈ 2021 માં રૂપિયા 16648.71 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરા એક્સપોર્ટ થયા હતાં.

એપ્રિલ થી જુલાઈ-2021ના ત્રિમાસિક ગાળામાં કુલ રૂપિયા 62390.23 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ

અમેરિકા,હોંગકોંગ,ચાઈના સહિત વૈશ્વિક બજારમાં ડાયમંડ જ્વેલરીની માંગમાં વધારો થતાં હીરાની નિકાસ વધી છે.એપ્રિલથી જુલાઈ 2019ની તુલનાએ વર્ષ 2021ના સમાન સમયગાળામાં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસમાં 34.13 ટકાનો વધારો થયો છે.એપ્રિલથી જુલાઈ 2019ના ત્રિમાસિક ગાળામાં મુલ્યની દ્રષ્ટ્રીએ રૂપિયા 46515.91 કરોડના હીરાની નિકાસ થઈ હતી.જ્યારે તેની તુલનાએ એપ્રિલથી જુલાઈ- 2021ના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 62390.23 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ થઈ હતી.

એપ્રિલથી જુલાઇ-2021 ના ત્રિમાસિક ગાળામા થયેલી નિકાસ લેબગ્રોન હીરાની નિકાસમાં 204 ટકાનો વધારો થયો છે.વર્ષ-2019ના એપ્રિલથી જુલાઇના ત્રિમાસિક ગાળામાં મુલ્યની દ્રષ્ટ્રીએ રૂપિયા 889.81 કરોડના લેબગ્રોનની નિકાસ થઈ હતી.જેની તુલનાએ એપ્રિલથી જુલાઈ 2021ના સમાન ગાળામાં રૂપિયા 2328.73 કરોડની નિકાસ થઈ હતી . ડાયમંડ કમિટીએ લેબગ્રોન હીરાના વિકાસ અને નિકાસની ગતિને ધીમી ગણાવી વૈશ્વિક ફલક પર લેબગ્રોનના કારોબાર ની વૃદ્ધિની વિશાળ તક જોતા તેને ગતિ આપવા ઉદ્યોગકારોને આહ્વાન કર્યુ હતુ.

રફ હીરાની આયાત વધીને 11 મિલિયન કેરેટ

ડાયમંડ કમિટીએ રફ હીરાની આયાત અંગે પ્રેઝન્ટેશનમાં આપતા કહ્યુ કે વર્ષ 2021ના એપ્રિલથી જુલાઇ સુધીના ચાર મહીના દરમિયાન 11 મિલિયન કેરેટ રફ હીરાની આયાત થઈ હતી.માત્ર ત્રણ જ મહીનાના સમય ગાળામા રફ હીરાની થયેલી આયાતનો આંકડો ખુબ મોટો છે.જેથી રફ હીરાની જંગી માંગના પગલે રફ હીરાની કીંમતમાં ભારે વૃદ્ધિ થઈ છે.