ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આતંકથી વૈશ્વિક હીરા કારોબાર આંશિક પ્રભાવિત

1164

24 દેશોના મુસાફરોને બેલ્જિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ તો આજથી દશ દીવસ અગાઉ કોરોના નિયમ નિયત્રંણ મુક્તિની જાહેરાત કરનાર ઇઝરાયેલએ ફરજીયાત માસ્ક સહીત કોરોનાના નિયત્રંણો ફરીથી અમલી બનાવ્યા

DIAMOND TIMES – યુનાઇટેડ કિંગડમ સહિત 24 દેશોના મુસાફરો માટે બેલ્જિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.વિશ્વના અનેક દેશોમાં કોરોનાના વધુ ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિયન્ટના તીવ્ર ફેલાવાની દહેશતથી વધુ જોખમ ધરાવતા વિશ્વના 24 દેશોને બેલ્જિયમ સરકારે દેશમા પ્રવેશ પ્રતિબંધની સૂચિમાં સામેલ કર્યા છે.ઉલ્લેખનિય છે કે ગત એપ્રિલ મહીનાના અંતમાં બેલ્જિયમે ભારત,બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના મુસાફરો પર પ્રવેશ પ્રતિબંધ લગાવી દીધો હતો.

ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ઉપરાંત હવે યુકે સહીત 24 દેશોની યાદીમાં અર્જેન્ટીના, બાંગ્લાદેશ બોલિવિયા બોત્સ્વાના,ચિલી, કોલમ્બિયા,ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો , ઇસ્વાટિની , જ્યોર્જિયા , જોર્ડન, મોઝામ્બિક, લિસોથો, નામિબીઆ, નેપાળ,પાકિસ્તાન,પેરાગ્વે,પેરૂ, કતાર,સુરીનામ,ત્રિનિદાદ અને ટોબેગો,યુગાન્ડા, ઉરુગ્વે અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.બેલ્જિયમના આરોગ્ય પ્રધાન ફ્રેન્ક વાન્ડેન બ્રોકને કહ્યુ કે અમો આ નિર્ણયથી ખુશ નથી,પરંતુ કોરોનાથી દેશને બચાવવા આ પગલુ ભરવાની અમને ફરજ પડી છે.

બીજી તરફ મુંબઈ સહીત મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આતંકથી ફરીથી લોકડાઉન લાદવાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્દેશો આપ્યા છે.કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જેના પગલે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાદવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિર્દેશો આપ્યા છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ સહીત 7 જિલ્લાઓમાં કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ફુંફાડા મારી રહ્યો છે.જેને પગલે તાબડ તોબ મહારાષ્ટ્ર સરકારની કેબીનેટની બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે ગહન ચર્ચાઓના અંતે જો કોરોનાના કેસમાં વધારો થશે તો રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાદવા તમામ મંત્રીઓ સહમત થયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વકરતા ભારતના હીરા ઉદ્યોગમાં ચિંતાના વાદળો છવાયા છે.સુરત હીરા મેન્યુફેકચરીંગ ક્ષેત્રનું હબ છે તો મુંબઈ હીરાના કારોબારનું મુખ્ય કેન્દ્ર છે. મુંબઈના બાન્દ્રા કુર્લાનું ભારત ડાયમંડ બુર્સ વિશ્વનુ સહુથી મોટુ હીરા બજાર છે.જેમા સુરતની અનેક મોટી હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓ સહીત કુલ 2500થી વધુ હીરાની ઓફીસો ધમધમે છે.વર્તમાન સમયે અમેરીકા સહીત વિશ્વના મુખ્ય બજારોમાં તૈયાર હીરા અને ઝવેરાતની માંગના પગલે પાછલા બે વર્ષથી મંદીના સપડાયેલા હીરા ઉદ્યોગમાં તેજીનો પવન ફૂંકાયો છે. આવા સકારાત્મક વાતાવરણ વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉનની સંભાવનાઓના પગલે હીરા કારોબાર ઠપ્પ થવાની ભીતીથી ભારતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે.