ડાયમંડ ટાઈમ્સ
ખાસ મિત્ર દેશ ગણાતા ઈઝરાયેલ પાસેથી ભારત પાછલા અનેક વર્ષોથી અબજો ડોલરના હથિયારો ખરીદી રહ્યુ છે.હવે આ ઈઝરાયેલના જ એક ઈજનેર જુથે ભારત માટે ખતરો ઉભો કર્યો છે.એક અહેવાલ મુજબ ઈઝરાયેલના બેહદ મારક ગણાતા હારોપ નામના સુસાઈડ ડ્રોનની ટેકનોલોજી ઈઝરાયેલના 20 જેટલા ઇજનેરોએ ચોરી છુપીથી કોઇ દેશને વહેંચી નાખી હોવાનુ બહાર આવ્યુ છે.તાજેતરમાં જ હારોપ ડ્રોનનો પરચો અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે થયેલા જંગમાં દુનિયાને જોવા મળ્યો હતો.અઝરબૈજાને આ ડ્રોનની મદદથી આર્મેનિયાની ડઝનબંધ ટેન્કો- મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાંખી હતી.

બીજી તરફ સુસાઈડ ડ્રોનની ટેકનોલોજી ઈઝરાયેલના 20 જેટલા ઇજનેરોએ ચોરી છુપીથી ચીનને વેચી નાખી હોવાના મજબુત પુરાવાઓ હાથ લાગ્યા હોવાના અહેવાલ છે.જેના પગલે ઈઝરાયેલની સરકાર પણ ચોંકી ઉઠી છે.ઈઝરાયેલી મીડિયાના અહેવાલ પ્રમાણે 20 લોકો સામે આ આરોપ બદલ તપાસ શરુ કરવામાં આવી છે.આ તમામ લોકો પર ગેરકાયદેસર રીતે ડ્રોનની ડિઝાઈન બનાવવાનો, તેનુ ઉત્પાદન કરવાનો અને વેચવાનો આરોપ લાગ્યો છે.બીજી તરફ ઈઝરાયેલ આબરૂ જવાના ડરથી કયા દેશને આ ડ્રોન ટેકનોલોજી અપાઈ છે તેનુ નામ જાહેર કરી રહ્યુ નથી.આમ છતા શંકાની સોય ચીન તરફ તકાઈ રહી છે.ઈઝરાયેલી અધિકારીઓ નિવેદન આપતા કહ્યુ કે આ ડ્રોન વેચવાના બદલામાં અઢળક નાણા મેળવ્યા હોવાની શંકા છે.