મહીલા હોકી ટીમ ફાયનલમાં ચક દે ઇન્ડીયા કરશે તો હીરાના આ વેપારી આપશે દરેક ખેલાડીને મોટી ભેટ

737

DIAMOND TIMES- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહીલા હોકી ટીમના ઉમદા અને પ્રસંશનિય દેખાવ પછી ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવવા તેમજ મહિલા સશક્તિકરણના અભિયાનને ધ્યાનમાં રાખી સુરતની અગ્રણી હીરાની કંપની શ્રી હરિકૃષ્ણ એક્સ્પોર્ટના સવજીભાઈ ધોળકિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડેલ જીતી ચક દે ઇન્ડીયાનો નારો બુલંદ બનાવશે તો દરેક મહીલા ખેલાડીને ઘર લેવા રૂપિયા અગિયાર લાખ અને કાર લેવા રૂપિયા પાંચ લાખનું ઇનામ આપશે.

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ સવજીભાઈ ધોળકીયા પરિવાર દ્વારા મુંબઈમાં રૂપિયા 185 કરોડના ખર્ચે ભવ્ય બંગલા ની ખરીદી કરવામાં આવી છે.આ સમાચારની નોંધ ભારતના અગ્રણી મીડીયાએ પણ લીધી છે.આ સમાચાર બાદ આજ રોજ સવજીભાઈએ ભારતીય મહીલા હોકી ટીમ માટે ઉપરોક્ત જાહેરાત કરી છે.સવજીભાઇ ધોળકિયાની કંપનીએ તેમના હજારો કર્મચારીઓને કાર અને ફ્લેટ ભેટમાં આપ્યા છે.કંપનીમા કાર્યરત મોટાભાગના કર્મચારીઓ પ્રતિમાસ લાખોનો પગાર મેળવે છે.આવી જાયન્ટ અને વિખ્યાત હીરાની કંપનીના માલિક દ્વારા થયેલી આ જાહેરાતથી મહીલા ટીમના જોમ અને જુસ્સામાં ચૌક્ક્સ વધારો થયો હશે.

ભારતીય મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.ઇતિહાસમાં પ્રથમવાર આપણી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ભારતની દીકરીઓએ ઇતિહાસ રચી દીધો છે.ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધે તે માટે દરેક નાગરીક પ્રયત્નશીલ છે.સવજીભાઈ ધોળકીયા ની ઉપરોક્ત જાહેરાતની સાથે અન્ય કંપનીઓએ પણ તીમને પ્રોત્સાહીત કરવા ઇનામની જાહેરાત કરી છે.સુરતનાં સમાજસેવી યુવાન અને હંમેશાં રાષ્ટ્રહિતનાં કાર્યોમાં આગળ રહેનાર ટેલિફોન હાઉસના નિતીન જીવરાજભાઇ ઘોરીએ પણ ભારતીય ટીમનાં મહિલા હોકી પ્લેયર ને એક સ્માર્ટફોન ભેટ આપવાની જાહેરાત કરી મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરી છે.