હીરા ઉદ્યોગની ચમક વધતા રત્‍નકલાકારો રાજીના રેડ

617
વૈશ્વિક ડીમાન્ડના પગલે કારીગરોને આકર્ષવા મોટાભાગની હીરાની કંપનીઓએ મજૂરી વધારી દેતા હીરા ઉદ્યોગની તેજીનો લાભ સહુ કોઇને મળી રહ્યો છે.

DIAMOND TIMES – સુરત સહીત સમગ્ર ગુજરાતમાં કાર્યરત હીરા ઉદ્યોગ દ્વારા અનેક લોકો ગર્વભેર રોજગારી મેળવી રહ્યા છે.કોઇ પણ પ્રકારના સરકારના ટેકા વગર સતત પ્રગતિ કરતો ભારતનો હીરા ઉદ્યોગ તેજીમંદીના અનેક ચક્રોમાથી પસાર થયો છે.પાછલા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ મંદીના પંજામા સપડાયેલો હતો.એમાય કોરોના મહામારીના સમયમા તો હીરા ઉદ્યોગ સાવ જ ઠપ્પ થઈ ગયો હતો.પરંતુ વિદેશમાં હીરા અને ઝવેરાતની માંગ નિકળતા ઉદ્યોગે ઝડપથી રીકવરી કરતા હીરા ઉદ્યોગમાં તેજી તરફી માહોલ છવાઈ ગયો છે.પરિણામે વર્તમાન હીરા ઉદ્યોગની ચમક વધતા રત્‍નકલાકારો સહીત સહુ કોઇ રાજીના રેડ છે.

જીજેઇપીસીના અહેવાલ મુજબ ગત એપ્રિલ મહિનામાં તૈયાર હીરાની નિકાસ વધીને કોરોના અગાઉના લેવલે પહોંચી જતાં હીરાઉદ્યોગમાં હાલ અચ્છેદીન ચાલી રહ્યા છે. નેચરલ હીરાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં સિન્થેટીક ડાયમંડની માંગમા પણ જોરદાર ઉછાળો આવ્યો છે.હીરાની નિકાસનો અપેક્ષા કરતા ખૂબ જ સારી રહી છે.અહેવાલ અનુસાર ગત એપ્રિલ મહીનામાં 2.3 અબજ ડોલરના હીરાની નિકાસ થઈ હતી.

ગત એપ્રિલ મહીનામાં ભારતમાથી વિદેશમાં થયેલી હીરાની કુલ નિકાસમાં એકલા અમેરીકામાં 1.6 અબજ ડોલરના હીરાની નિકાસ થઈ હતી. હીરા ઉદ્યોગકારોના કહેવા મુજબ અમેરીકા ઉપરાંત હવે ચીન પણ નવા બજાર તરીકે ઉભરી રહ્યુ છે.આ ઉપરાંત યુરોપના દેશોમાં પણ હીરાની જંગી નિકાસ થઈ રહી છે.તૈયાર હીરાની નિકાસ વધતા રફ હીરાની આયાત પણ વધી છે.આમ છતા સુરતના સ્થાનિક બજારમાં રફ હીરાની શોર્ટેજની સમસ્યા ઉદ્યોગકારોને સતાવી રહી છે.

રફ હીરાની તેંગીની સમસ્યા વચ્ચે ભારતમાં કોરોનાની બીજી વેવ ખતરનાક સાબિત થતાં હીરાના પ્રોડકશન પર તેની ગંભીર અસર પડી છે.અનેક કારીગરો વતનમાં જતા રહ્યા હોવાથી પણ પ્રોડકશનની ગાડી હજુ પણ પાટે ચઢી નથી . ગુજરાત બહારના રાજ્યોમાથી કારીગરો નહી આવતા હાલ હીરા ઉદ્યોગમાં કારીગરોની અછત છે.વળી સૌરાષ્ટમાં અમરેલી,ભાવનગર,જુનાગઢ,જસદણ સહીતના શહેર અને ગ્રામ્ય મથક કે જ્યા હીરાના કારખાનાઓ ચાલી રહ્યા છે તેવા વિસ્તારો તૌકતે વાવાઝોડાંના કારણે પ્રભાવિત થતા હીરાના પ્રોડકશન પર અસર પડી છે.આવી સ્થિતિ વચ્ચે હવે કારીગરો ધીમે ધીમે સુરતમાં પરત ફરી રહ્યા છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગના પગલે કારખાનેદારો દ્વારા કામદારોને આકર્ષવા મજુરીના દર વધારી રહ્યા છે.પરિણામે રત્નકલાકારો પણ રાજીના રેડ થઈ ગયા છે.આમ હીરા ઉદ્યોગની તેજીનો લાભ સહુ કોઇને મળી રહ્યો છે.