હોંગકોંગે ભારતની ફલાઇટ સ્થગિત કરતા હીરા કારોબાર પ્રભાવિત થવાની આશંકા

DIAMOND TIMES– હોંગકોંગે ભારતમાથી આવતી તમામ ફ્લાઇટ્સ પર આવતી કાલ તારીખ 20 એપ્રિલથી 14 દિવસ સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે. કોરોનાના સતત વધતા જતા કેસોને અટકાવવા હોંગકોંગના સત્તવાળાઓએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે.ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઇન્સની ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.હોંગકોંગના સરકારી પ્રતિનિધીએ કહ્યુ કે પાછલા અઠવાડીયા દરમિયાન ભારત,પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાંથી હોંગકોંગમાં આવેલા લોકોમાંથી કોરોનાનો ખતરનાક વાયરસ મળી આવ્યો છે.પરિણામે કોરોના સર્કિટ બ્રેકરની વ્યવસ્થાના ભાગ રૂપે આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત અને હોંગકોંગ વચ્ચે વર્ષોથી હીરા અને ઝવેરાતનો ખુબ મોટો કારોબાર ચાલે છે.હીરાની અનેક મોટી ભારતિય કંપનીઓની હોંગકોંગમા સેલ્સ ઓફીસો આવેલી છે.આ સેલ્સ ઓફીસના માધ્યમથી હોંગકોંગ ઉપરાંત ચીનમાં પણ હીરા અને ઝવેરાતનો ખુબ મોટા પાયે વેપાર થાય છે. હોંગકોંગ સરકાર દ્વારા ભારતથી આવતી તમામ ફલાઈટ પર બે અઠવાડીયાનો પ્રતિબંધ લદાતા બંને દેશો વચ્ચે ચાલતો હીરા અને ઝવેરાતનો કારોબાર પ્રભાવિત થવાની આશંકા છે.જો કે હોંગકોંગમાં ચીન દ્વારા બનાવેલી સિનોવાકનું રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યુ હોવાથી કોરોના પર ઝડપથી કાબુ મેળવી લેવાની સરકારને અપેક્ષા છે.

હોંગકોંગ ફ્લાઈટ પર પ્રતિબંધથી હીરા ઉદ્યોગને અસર થવાની ભીતી : પ્રવિણભાઈ નાણાવટી

હીરાના કારોબારમાં વર્ષોનો અનુભવ ધરાવતા તેમજ હીરા ઝવેરાત ક્ષેત્રની અનેક નામાંકિત સંસ્થાઓમાં ખુબ જ મહત્વની જવાબદારી સફળતા પુર્વક અદા કરી હીરા ઉદ્યોગના સર્વાંગી વિકાસમાં યશસ્વી યોગદાન આપનાર પ્રવિણભાઈ નાણાવટીએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ કે હોંગકોંગે ભારતમાથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકતા ભારતના હીરા વેપારીઓ તકલીફમાં આવી શકે છે.તેમણે કહ્યુ કે ભારતિય કંપનીઓની હોંગકોંગમાં અંદાજે 150 થી પણ વધુ સેલ્સ ઓફીસો આવેલી છે.આ સેલ્સ ઓફીસ દ્વારા માત્ર ચીનમા જ નહી,પરંતુ વિશ્વના અનેક દેશો સાથે વર્ષે દહાડે અબજો રૂપિયાનો હીરા અને ઝવેરાતનો કારોબાર થાય છે.ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે હોંગકોંગ ખુબ જ મહત્વનું પેરેડાઈઝ છે.પરિણામે ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને અસર થવાની ભીતી છે.જો કે હોંગકોંગમાં રસીકરણ અભિયાનના પગલે આગામી થોડા દીવસોમાં જ સ્થિતી સામાન્ય થઈ જવાની અને હીરા કારોબાર પુન: પ્રસ્થાપિત થઈ જવાની મને પુર્ણપણે અપેક્ષા છે.