DIAMOND TIMES – બેલ્જિયમ અને ઇઝરાઇલમાં વેકેશનના પગલે ડાયમંડ ટ્રેડીંગ ધીમુ હોવાથી માર્કેટ શાંત છે. આમ છતા કારોબારીઓ અને ગ્રાહકોનું સેન્ટીમેટલ સકારાત્મક છે.તૈયાર હીરાની વધેલી ઉંચી કીંમતે ખરીદવા બાબતે કારોબારીઓના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે. વૈશ્વિક હીરા ઉદ્યોગ રફ અને પોલિશ્ડની ઉંચી કીંમતોને અનુકુળ થઈ રહ્યો છે. હીરા મેન્યુફેકચરર્સ કંપનીઓ દ્વારા રફ હીરાની જંગી ખરીદીના પગલે પોલિશ્ડનું ઉત્પાદનમાં વૃદ્ધિ થતા તૈયાર હીરાના પુરવઠાની તંગી સહેજ હળવી બની છે. માર્ચ 2020 પછી પહેલી વાર 1.5 મિલિયનથી પણ વધુ તૈયાર હીરાનું વેંચાણ માટે લિસટીંગ થયુ છે. જો કે પોલિશ્ડ હીરાના ઉત્પાદનમાં વિલંબના કારણે સપ્લાયની અછત તો યથાવત જ છે . રફ હીરાની માંગને અનુલક્ષીને રશિયાની રફ કંપની એલોરોઝાએ રશિયન સરકાર હસ્તકની સંસ્થા ગોખરાન પાસેથી રફ ની ખરીદી કરી છે. અલરોઝાએ તેના રફ હીરાની કીંમતોમાં અંદાજિત 7 ટકાનો વધારો કર્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં 138 ટકાની વૃદ્ધિ રફ હીરાના વેંચાણ થકી ડીબીઅર્સએ 2.9 બિલિયન ડોલરનો વકરો કર્યો છે. પ્રાઈસ ઇન્ડેક્ષમાં 14 ટકાની વૃદ્ધિ સાથે ડીબીઅર્સની જુલાઇ મહીનાની સાઈટ 510 મિલિયન ડોલરની રહી છે.
ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ જ સકારાત્મક અને મજબુત છે.પુરવઠાની અછત વચ્ચે સતત વધતી જતી માંગના પગલે મોટાભાગની ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો મજબૂત છે.અમેરીકામાં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગના વેંચાણમાં સતત વધારાના પગલે ઓવલ કટ,પિયર્સ કટ,એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો નોંધાયો છે.તો એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના ભાવ માં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.યુએસ ની સાથે ચીનના બજારો તરફથી માંગ જળવાઈ રહેતા એકંદરે હીરાબજારમાં સકારાત્મક વાતાવરણ છે.
અમેરીકાના બજારો : પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી સરભર કરવા કારોબારીઓ તૈયાર હીરાની ખરીદી કરી રહ્યા હોવાથી જુલાઈના પરંપરાગત ઉનાળૂ વેકેશન છતા પણ ટ્રેડીંગ ગતિશીલ છે.રફ હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે.જો કે કેટલીક નાની કંપનીઓ બજારની સ્પર્ધાનો સામનો કરવામાં અને ઓર્ડર પુર્ણ કરવા માં મુશ્કેલી અનુભવી રહી છે. 1 થી 2.50 કેરેટની રેન્જમાં F-I, SIs કેટેગરીના હીરામાં ડીમાન્ડના પગલે કીંમતોમા વધારો થયો છે.પાછલા કેટલાક વર્ષોની તુલનાએ ચાલુ વર્ષે વેકેશન પીરીયડમાં પણ હીરા અને ઝવેરાતનાં વેંચાણમાં વૃદ્ધિ નોંધાઇ છે. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે રદ્દ થયેલા શુભ પ્રસંગના આયોજનના કારણે ગિફ્ટમાં ઉછાળાથી છૂટક ઝવેરીઓ ઉત્સાહિત છે.મોટાભાગના ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.જો કે તૈયાર હીરાના પુરવઠાની અછતની સ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી.
બેલ્જિયમના બજારો : ત્રણ અઠવાડિયાના ઉનાળાના વેકેશન પૂર્વે ટ્રેડર્સ જરૂરી માલનો સ્ટોક ભરવામાં વ્યસત છે.2થી 22ઓગષ્ટ સુધી બુર્સમાં કામકાજ બંધ રહેશે.પખવાડીયા અગાઉની તુલનાએ રફ માર્કેટમાં કામકાજ ધીમા છે.એલોરોઝા અને ડીબીઅર્સના રફ હીરાની કીંમતો પર પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.પ્રોત્સાહીત કરનારી મહત્વની બાબત એ છે કે મોટા ભાગાની યુરોપિયન લકઝરી કંપનીઓએ મજબુત રીકવરી કરી છે. અમેરીકા અને ચીનના બજારો તરફથી તૈયાર હીરાની માંગમા સતત વૃદ્ધિના પગલે હીરાની મોટાભાગની કેટેગરીમાં સ્થિર માંગ અને સકારાત્મક વલણ છે. ફેન્સી હીરાની ડીમાન્ડ હોવાથી તેના કારોબારમાં વધારો થયો છે.અમેરીકા,ચીન અને યુરોપિયન ઝવેરીઓની સતત માંગથી બજારનુ વલણ સકારાત્મક છે.
ઇઝરાયેલના બજારો : ઉનાળું વેકેશનના કારણે ડાયમંડ ટ્રેડીંગની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.પોલિશ્ડ હીરાની ખરીદી કરતા ડીલર્સ સહીત સહુ કોઇ થોડી સાવધાની સાથે રફ અને તૈયાર હીરાની વધેલી કીંમતોને અનુકુળ થઈ રહ્યા છે. અમેરીકાના બજારોની માંગના પગલે વિદેશના ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે.રફ હીરાની કીંમતોમાં ઉછાળા વચ્ચે પણ તેની સોલિડ માંગ છે.1 થી 1.99 કેરેટમાં G-H, VS-SI કેટેગરીના પોલિશ્ડ હીરાની સારી માંગ છે.રફ હીરાની વધી રહેલી કીંમતો પછી પોલિશ્ડના ભાવને પણ ટેકો મળ્યો છે.
ભારતના બજારો : ભારતની આર્થિક રાજધાની મુંબઈના હીરા બજારમાં મિશ્ર વાતાવરણ છે.મોટી નિકાસકાર કંપની ઓનો દેખાવ ખુબ સારો છે. તો તેની તુલનાએ મધ્યમ કદની કંપનીઓ સાવધાની સાથે કામકાજ કરી રહી છે. અમેરીકાના બજાર તરફથી સારા ઓર્ડર છે.તો બીજી તરફ હોંગકોંગ અને ચીનના બજારો તરફથી ઓર્ડર શાંત છે. મહત્વની બાબત એ છે કે આગામી તહેવારોને અનુલક્ષીને સ્થાનિક બજારમાં હીરાની સારી માંગ છે. રફ હીરાની કીંમતો માં થયેલી વૃદ્ધિ, રત્નકલાકારોની તંગી, હીરાના પરિક્ષણ માટે લેબમાં થયેલો માલનો સ્ટોક તેમજ ડોલરની તુલનાએ વિનિમય દરની અનિશ્ચિતતા સહીતના પરિબળોના કારણે પોલિશ્ડ ઉત્પાદન પ્રભાવિત થયુ છે.
હોંગકોંગના બજારો : હોંગકોંગમાં હીરાનો કારોબાર ધીમો થયો છે. 0.30 થી 1 કેરેટમાં D-J, VS-SI2 કેટેગરીના હીરામાં ખરીદદારો રસ દાખવી રહ્યા છે. 25 થી 29 જુલાઈ દરમિયાન આયોજીત થયેલો હોંગકોંગ ઇન્ટરનેશનલ જ્વેલરી શો આયોજકોના અથાગ પ્રમોશનલ પ્રયત્નો છતાં ખૂબ નબળો રહ્યો છે. પ્રતિબંધોના કારણે પ્રવાસીઓનો અભાવ લક્ઝરી રિટેલરોને નુકસાન પહોંચાડે છે.ચીનની સરહદ બંધ હોવાથી ઓનલાઇન અને સ્થાનિક સોર્સિંગ સુધી ચીનની ખરીદી મર્યાદિત છે.ચીનની જ્વેલરી કંપનીઓએ આગામી સિઝનને ધ્યાને રાખી હાલ તો ઝવેરાતના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.