હીરા ઉદ્યોગના પડકારોને પણ પડકારતુ પરિવર્તન નામનું પ્રેરક પરિબળ

DIAMOND TIMES : ઈતિહાસ સાક્ષી છે કે ભારતીય હીરા ઉદ્યોગે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ હીરા ઉદ્યોગ જેટલો તપ્યો છે તેટલો સોનાની જેમ ચમકીલો, સ્થિતિ સ્થાપક અને મજબૂત બન્યો છે. નોંધનિય છે કે વિશ્વના લગભગ 90 ટકા હીરા સુરત અને ગુજરાતમાં પોલિશ્ડ કરવામાં આવે છે. પરંતુ યુક્રેન કટોકટીના પગલે રફ હીરાની અછતથી ભારતનો કટીંગ અને પોલિશિંગ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. આ અણધારી રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિથી હીરા ઉદ્યોગ હચમચી ગયો હતો. પરંતુ તૂટ્યો ન હતો. જો કે હાલમાં ભારતનો હીરા ઉદ્યોગ પડકારોને પડકાર આપીને ફરીથી તેજ ગતિએ દોડી રહ્યો છે. આ સકારાત્મક સ્થિતિ માટે ભારતીય હીરા ઉદ્યોગની હંમેશા અનુકૂલતા સાધવાની ક્ષમતા અને કેટલીક પરિવર્તનશીલ નવીનતાઓને આભારી છે. ભારતના હીરા ઉદ્યોગ માટે મુખ્ય પડકાર માત્ર રફ સપ્લાયની સમસ્યા પુરતો સિમિત ન હતો પરંતુ તેનાથી પણ અનેક ગણો અધિક હતો, કારણ કે ટિફની એન્ડ કંપની, ચોપાર્ડ, પાન્ડોરા સહિતની જાયન્ટ જ્વેલરી કંપનીઓએ રશિયામાંથી મેળવેલી રફ માથી તૈયાર કરવામાં આવેલા પોલિશ્ડ ખરીદવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ, ‘નેવર-સે-ડાઇ ’ના સુત્રને સાર્થક કરતા સુરતના હીરા ઉદ્યોગે તેમના ઉત્પાદન એકમો અને કામદારોના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ લેબગ્રોન હીરા (LGD) ને પોલિશ્ડ કરવા માટે ઝડપી લીધો છે. અહેવાલ મુજબ કુદરતી હીરાના કટીંગ અને પોલિશિંગ એકમોએ ઉત્પાદનના 20 ટકા હિસ્સાને લેબગ્રોન હીરાને તૈયાર કરવામાં રૂપાંતરિત કર્યા છે.

ગત વર્ષની તુલનાએ 91 ટકાની જંગી વૃદ્ધિ સાથે તૈયાર લેબગ્રોન હીરાની નિકાસ ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 3696 કરોડને પાર થઈ ગઈ છે. આ આંકડાઓ પરથી વિશ્વમાં લેબગ્રોન હીરાની માંગ અને સતત વધી રહેલી તેની લોકપ્રિયતાનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે. વર્તમાન સમયે કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની વિકાસ ગતિ વધુ તેજ હોવાથી ઉદ્યોગકારો લેબગ્રોન તરફ વળી રહ્યાં છે. બીજી તરફ સુરત લેબગ્રોન રફ હીરાના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. સુરતમાં પ્રતિમાસ પાંચ લાખ કેરેટ લેબગ્રોન રફનું ઉત્પાદન થાય છે. વળી અન્ય એક બાબત પણ સામે આવી છે. જે મુજબ લેબગ્રોનનો જંગી જથ્થો સુરતના બજારમાં ઠાલવવા ચીનની લેબગ્રોન ઉત્પાદન કંપનીઓ તૈયાર હોવાનો જાણકારો દ્વારા માહિતી મળી રહી છે. વૈશ્વિક બજારમાં લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની પાછળ અનેક સકારાત્મક પરિબળો છે. જેમાં કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરા ઇકો ફ્રેન્ડલી અને સંઘર્ષ રહીત હોવા ઉપરાંત કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની ઓછી કિંમત મુખ્ય પરિબળો છે.

ખાસ કરીને યુએસ અને યુરોપના દેશોમાં લેબગ્રોન યુવાઓમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. બીજી તરફ હવે યુએસ અને યુરોપ ઉપરાંત ચીન, મધ્યપુર્વ અને એશિયા-આફ્રિકાના દેશોમાં પણ લેબગ્રોન જ્વેલરીની માંગ વધી રહી છે. લેબગ્રોન હીરા માટે વૈશ્વિક માર્કેટની આદર્શ સ્થિતિના કારણે ભારતમાંથી લેબગ્રોનની નિકાસ પાછલા 5 વર્ષમાં 1400 કરોડથી વધી 8500 કરોડ થઈ છે. લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ચીન વિશ્વમાં પ્રથમ નંબરે જ્યારે ભારત બીજા સ્થાને છે. લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ચીન ભારતનું મુખ્ય હરીફ છે. ચીન HPHT ટેકનિકની મદદથી લેબગ્રોન હીરા તૈયાર કરવામાં મહારત ધરાવે છે. તો સુરતની કંપનીઓ લેબગ્રોન હીરા તૈયાર કરવા માટે CVD ટેકનિકનો ઉપયોગ કરે છે. વિદેશથી મળતા અહેવાલ મુજન ચીનની કંપનીઓ દ્વારા પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન ખુબ મોટી માત્રામાં લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. પરંતુ ચીનમાં કોવિડ મહામારીને અંકુશમાં લેવા માટે કરેલા લોકડાઉન પ્રતિબંધના પગલે ઉત્પાદિત લેબગ્રોન હીરાની નિકાસ થઈ શકી નથી. જેથી ચીનની લેબગ્રોન ઉત્પાદક કંપનીઓ પાસે ખુબ મોટી માત્રામાં લેબગ્રોન હીરાનો જથ્થો જામ થઈ ગયો છે. જેથી ચીનની કંપનીઓ તેમની પાસે જામ થઈ ગયેલા લેબગ્રોન હીરાના જંગી જથ્થાનો કોઇ પણ ભોગે નિકાલ કરવા તત્પર છે.

ચીનમાં હવે કોવિડ મહામારી પર મહદ અંશે અંકુશ આવી ગયો છે. આગામી સમયમાં લોકડાઉન પ્રતિબંધ પણ હળવા થવાના છે. બીજી તરફ ચીનની લેબગ્રોન ઉત્પાદક કંપનીઓ હીરાની નિકાસ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઇને તાકમાં બેઠી છે. વૈશ્વિક હીરા બજાર અંગે વાકેફ રહેતા કેટલાક જાણકારો આગાહી કરી રહ્યાં છે કે ચીનની સરકાર કોવિડ પ્રતિબંધો હળવા કરશે કે તરત જ ભારતના હીરા બજારમાં ચીનની કંપનીઓ દ્વારા ઉત્પાદિત જંગી જથ્થો બજારમાં ઠલવાશે. આ અહેવાલની પૃષ્ટિ કરતા સુરતના કેટલાક સ્થાનિક કારખાનેદારોએ જણાવ્યું કે જેવી ચીનમાંથી લેબગ્રોન હીરાની આયાત માટેના રસ્તાઓ ખુલશે ત્યારે ચીનની કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં લેબગ્રોન હીરાનો જથ્થો બજારમાં આવવાની સંભાવનાઓ છે. જેના કારણે લેબગ્રોન રફ હીરાની કિંમતોમાં પણ મોટા ગાબડા પડવાની પણ શક્યતાઓ છે. તેઓએ ઉમેર્યું કે લેબગ્રોન રફ હીરાની કિંમતો તુટવાની શક્યતો વચ્ચે હાલ તો મોટી ખરીદી અટકાવી જરૂરીયાત મુજબ જ ખરીદી કરવાની લેબગ્રોન હીરાનું મેન્યુફેકચરીંગ કરતા કારખાનેદારોએ વ્યુહ રચના અપનાવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન એચપીએચટીના ઉત્પાદન માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે ટૂંકસમયમાં જ પોલિસી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. થોડા દિવસો પહેલા સુરતના ઉદ્યોગકારો અને જીજેઇપીસીના પદાધિકારી કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી હતી. નેચરલ હીરાના સાથે હવે સુરત લેબગ્રોન ડાયમંડનું હબ બની ગયું છે. જોકે સુરતમાં અત્યાર સુધી લેબગ્રોન ડાયમંડમાં સીવીડી ડાયમંડનું ઉત્પાદન મોટા પાયે થાય છે. જ્યારે એચપીએચટી ડાયમંડ મોટાભાગે ચીનથી આયાત કરવામાં આવે છે. સુરતના હીરા ઉદ્યોગકારો તેનું ઉત્પાદન પણ અહીં થાય તેવું ઇચ્છે છે. તેના માટે સરકાર મદદ કરે તેવી ઉદ્યોગકારોની માંગ છે.

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનના પદાધિકારીઓ અને લેબગ્રોન ડાયમંડ સાથે જોડાયેલા મોટા વેપારીઓ કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત કરી આવ્યા હતા.જેને લઇને સરકાર પણ સકારાત્મક હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યાં છે. દિવાળી પહેલાજ આ અંગે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નેચરલ હીરાની જેમ હવે લેબગ્રોન ડાયમંડ પણ તેજીથી આગળ વધી રહ્યું છે. જો સરકાર વેપાર-ઉધોગને પ્રોત્સાહન આપે તો સ્વાભાવિક રીતે ઝડપી વિકાસ થશે. લેબગ્રોન ડાયમંડ માટે પોલિસી જાહેર કરવામા આવે તો ઉધોગકારોને વધુ તક મળશે.

પોલિસીમાં મળનારી સંભવિત રાહત

વીજળીના દરોમાં રાહત
લેબગ્રોન ડાયમંડ પાર્ક બનાવવા
માટેની યોજના
વ્યાજ પર સબસિડી
લેબગ્રોન ડાયમંડ મશીનરી
ખરીદવામાં રાહત
એક્સપોર્ટ સંબંધિત સવલતો