લેબગ્રોનના કારોબારને ગતિ આપવા આ પડકાર પણ ઝીલવો રહ્યો

784

DIAMOND TIMES – હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સારી રીતે જાણે છે કે કુદરતી હીરાના ક્ષેત્ર માં રફ હીરાના ઉત્પાદન,વાર્ષિક કે ત્રિમાસિક કારોબાર, રફ અને તૈયાર હીરાની કીંમત એટલે કે માઇન્સથી માર્કેટ સુધી ની તમામ પારદર્શક માહિતી સમાંયંતરે જાહેર કરવામાં આવે છે. તેની તુલનાએ લેબગ્રોન હીરાનું ઉત્પાદન, ત્રિમાસિક કારોબાર, રફ કે તૈયાર લેબગ્રોન હીરાની કીંમત સહીતની જરૂરી પારદર્શક માહિતીનો અભાવ લેબગ્રોનના કારોબાર માટે મોટો અવરોધ છે.

જાણકારોનું કહેવુ છે કે જે પ્રકારે કુદરતી હીરાના ક્ષેત્રમાં માઇન્સથી માર્કેટ સુધીની ઝીણામાં ઝીણી અધિકૃત  માહીતી જો લેબગ્રોનના ક્ષેત્રમાં પણ એકઠી કરી જાહેર કરવામાં આવે તો લેબગ્રોન ક્ષેત્ર ની પ્રોફાઇલમાં સુધારો કરવામાં મદદ મળશે. જેનાથી લેબગ્રોન હીરાના કારોબારને ગતિ મળશે.પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન, વેંચાણ ખરીદી, નફો કે કીંમતને લઈને લેબગ્રોનના કારોબાર સાથે સંકળાયેલી એક પણ કંપની ડેટા જાહેર કરવા તૈયાર નથી !!!

પ્રાકૃતિક હીરા બજારના કદ અને વલણનું આસાનીથી કરી શકાય છે આંકલન – કુદરતી હીરાના કારોબારમાં અલરોઝા,ડીબિયર્સ,પેટ્રા સહીતની દરેક રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફનું ઉત્પાદન,વેંચાણ  કીંમત સહીતની માહિતી અંગેનો અહેવાલ નિયમિત અને સમયાંતરે જાહેર કરવામાં આવે છે. રફ હીરા અને પોલિશ્ડની કીંમત અને ઉત્પાદન સહીતની તમામ વિગત જાહેર કરવામા આવતા આ ડેટા ના આધારે પ્રાકૃતિક હીરા બજારના કદ, વલણનું આસાનીથી આંકલન કરી શકાય છે.

આ ઉપરાંત અમેરીકાની ટીફની, હેરી વિસ્ટન, કાર્ટીયર, ચોપાર્ડ, ક્રાફ, સિગ્નેટ ઉપરાંત હોંગકોંગ અને ચીનની ચૌઇ તાઈ ફુક, રિચેમોન્ટ અને એલવીએમએચ સહીતની હીરા અને ઝવેરાત ક્ષેત્રની અગ્રણી જ્વેલરી કંપનીઓ દ્વારા પણ જ્વેલરી વેંચાણ સહીતના ડેટા જાહેર કરવામાં આવે છે. જેનાથી જ્વેલરી ક્ષેત્રનું વલણ અને બજારની વર્તમાન સ્થિતીનો અંદાજ લગાવી શકાય છે.વધુમાં ભારત,બેલ્જિયમ,ઈઝરાયેલ,યુએઈ,અમેરીકા,હોંગકોંગ સહીતના હીરાના મોટા કેન્દ્રોની સરકાર તરફથી બહાર પાડવામાં આવતા આયાત-નિકાસના અહેવાલથી કુદરતી હીરા અને ઝવેરાતના વૈશ્વિક વેપાર વિશે સમજ મળે છે.

લેબગ્રોન માટે માત્ર ભારતમાં જ છે અલગ એચએસ કોડ – અન્ય એક મહતવની અને નોંધનિય બાબત એ છે કે કુદરતી અને લેબગ્રોન સિન્થેટીક હીરા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માત્ર ભારત સરકારે જ લેબગ્રોન હીરા માટે અલગ હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ(એચએસ)કોડ જાહેર કર્યો છે.આ હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ કોડની મદદથી ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસ કે અન્ય દેશોમાથી ભારતમાં આયાત થતા લેબગ્રોન હીરાનો ડેટા ઉપલબ્ધ થાય છે.પરંતુ બીજી તરફ અમેરીકા સહીત વિશ્વના દરેક દેશોમાં કુદરતી અને લેબગ્રોન હીરાની આયાત-નિકાસ માટે સમાન કોડ હોવાથી લેબગ્રોન હીરાનું ઉત્પાદન કે આયાત-નિકાસ સહીતની સચોટ કે વધુ માહીતી ઉપલબ્ધ થતી નથી.

લેબગ્રોન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા મજબુત વૈશ્વિક સંગઠનનો અભાવ- કુદરતી હીરાના માઈન્સથી માર્કેટ સુધીના કારોબારનું પ્રતિનિધિત્વ કરતા અનેક મોટા વૈશ્વિક સંગઠનો  મજબુતીથી કાર્ય કરી રહ્યા છે.જેમા રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી), વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ(ડબ્લ્યુડીસી), વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન – સિબ્જો, નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) તેમજ ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (આઈડીએમએ)નો સમાવેશ થાય છે. આ વૈશ્વિક અગ્રણી સંગઠનો કુદરતી હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં નક્કર વેપાર નીતી નિર્ધારિત કરે છે.કોઇ સમસ્યા અવે તો જેતે દેશની સરકાર સમક્ષ લોબિંગ અને કુદરતી હીરાનું પ્રમોશન પણ કરે છે.

તેની તુલનાએ લેબગ્રોન ક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા અગ્રણી સંગઠનોનો અભાવ વર્તાય રહ્યો છે. જો કે આ ક્ષેત્રમાં પણ  કેટલાક સંગઠનોની રચના કરવામાં આવી છે. તેમ છતા આ કામગીરી અપુરતી છે.વળી આ સંગઠનો સમક્ષ કુદરતી હીરા ના કારોબારમાં રચાયેલી માઇન્સથી માર્કેટ સુધીની સપ્લાય ચેઈનને લેનગ્રોનના ક્ષેત્રમાં ઉભી કરવાનો એક મોટો પડકાર છે.કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેના તફાવતની આ ખાઈ પુરવામાં જ્યારે સફળતા મળશે ત્યારે કારોબારને વધુ ગતિ મળશે.