DIAMOND TIMES : બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે લાહોર સંધિ હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનૂર સોંપવાની શરત મૂકવામાં આવી હતી.
બકિંગહામ પેલેસના રોયલ કલેક્શન ટ્રસ્ટની મંજૂરી બાદ પ્રદર્શનમાં આ લખાણ લખવામાં આવ્યું છે. ખરેખર ટાવર ઓફ લંડનના પ્રદર્શનમાં પ્રથમ વખત કોહિનૂર સહિત અનેક કીમતી હીરા અને ઝવેરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ઘણા વીડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા કોહિનૂરનો ઈતિહાસ પણ જણાવવામાં આવી રહ્યો છે.
કોહિનૂર હીરો ‘વિજયનું પ્રતીક’ છે
ક્રાઉન જ્વેલ્સ એક્ઝિબિશનમાં કોહિનૂર પરની ફિલ્મ પણ બતાવવામાં આવી છે. આમાં એનો સમગ્ર ઈતિહાસ ગ્રાફિક મેપ દ્વારા બતાવવામાં આવ્યો છે. કોહિનૂરને ‘વિજયના પ્રતીક’ તરીકે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. ગ્રાફિક્સ દર્શાવે છે કે હીરાને ગોલકુંડાની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. આ પછી મહારાજા દિલીપ સિંહ એક તસવીરમાં તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપતા જોવા મળે છે.
અન્ય એક તસવીરમાં કોહિનૂર બ્રિટનની રાણી માતાના તાજમાં જોવા મળે છે. કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પ્રસંગે લંડનના ટાવરમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાની 6 મેના રોજ તાજપોશી યોજાઈ હતી.
રાણી કેમિલાએ કોહિનૂરજડિત તાજ ન પહેર્યો
કેમિલાએ તાજપોશી વખતે રાણી એલિઝાબેથનો કોહિનૂરજડિત તાજ પહેર્યો નહોતો. એના બદલે તેમના માટે રાણી મેરીનો તાજ નવી રીતે રેનોવેટ કરવામાં આવ્યો હતો. એમાં અનેક કીમતી હીરા અને મોતી જડવામાં આવ્યા હતા. રોયલ પરિવારને ડર હતો કે કોહિનૂર જડેલા તાજનો ઉપયોગ ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતે અનેક વખત કોહિનૂર પરત કરવાની માગ કરી છે
કોહિનૂરજડિત તાજ સૌપ્રથમ બ્રિટનની રાણી માતાએ પહેર્યો હતો. આ પછી તાજ રાણી એલિઝાબેથને આપવામાં આવ્યો. કોહિનૂર સિવાય આ તાજમાં આફ્રિકાનો મૂલ્યવાન હીરો ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા સહિત ઘણાં કીમતી રત્નો જડેલાં છે. એની કિંમત આશરે 40 કરોડ ડોલર અંદાજવામાં આવી છે. ભારતે બ્રિટનની સામે અનેક વખત કોહિનૂર હીરા પર પોતાનો કાનૂની અધિકાર હોવાનો દાવો કર્યો છે. સરકાર કોહિનૂર સહિત ભારતની ઘણી કીમતી ચીજવસ્તુઓ અને હીરા તથા ઝવેરાત પરત લાવવા માટે બ્રિટનના અધિકારીઓ સાથે વાત કરી રહી છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ પણ પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ તરફ ભારતની જેમ આફ્રિકાએ પણ બ્રિટનના શાહી તાજમાં જડેલા તેના કીમતી હીરાને પરત કરવાની માગ ઘણી વખત કરી છે.
ઘણા દેશો કોહિનૂર પોતાનો હોવાનો દાવો કરે છે
કોહિનૂર હીરાનો ઈતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો છે. એવું કહેવાય છે કે 1849માં જ્યારે અંગ્રેજોએ પંજાબ પર કબજો કર્યો ત્યારે આ હીરાને બ્રિટનની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેને અન્ય ઘણા હીરા સાથે બ્રિટિશ તાજમાં જડવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઈરાને પણ આ હીરા પર દાવો કર્યો છે.